Meta tags:
description= 5 posts published by Dipak Dholakia during October 2020;
Headings (most frequently used words):
અને, સંઘર્ષ, ભારત, ગુલામી, આઝાદી, માટેનો, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, india, dipak, dholakia, spam, blocked, મુસ્લિમ, મહિનો, ઓક્ટોબર, 2020, 10, રાજકોટ, સત્યાગ્રહની, નિષ્ફળતા, ndia, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૧૦, સુભાષબાબુ, ગાંધીજી, વચ્ચે, વૈચારિક, અથડામણ, કચ્છ, અન્ય, રજવાડાંઓમાં, જનતાના, દેશી, રાજ્યોમાં, પ્રજાકીય, આંદોલનો, લીગનાં, મનામણાં, હરિપુરાનું, અધિવેશન, સહજાનંદ, સ્વામી, લીગ, હિન્દુ, મહાસભાનાં, અધિવેશનો,
Text of the page (most frequently used words):
અને (166), કોંગ્રેસ (48), એમણે (47), માટે (45), કરી (42), હતી (38), 2020 (36), હતા (36), સાથે (33), પછી (32), #ઓક્ટોબર (31), કહ્યું (31), નથી (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), ડિસેમ્બર (28), હતું (28), સપ્ટેમ્બર (27), જુલાઇ (26), ઓગસ્ટ (26), 2024 (25), મુસ્લિમ (25), જૂન (24), માર્ચ (24), એપ્રિલ (24), 2015 (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2021 (24), 2023 (24), freedom (23), struggle (23), પરંતુ (23), 2012 (22), ફેબ્રુવારી (22), જોઈએ (22), હતો (22), હવે (21), હિન્દુ (20), એમના (19), 2013 (18), 2022 (18), and (18), આઝાદી (18), તરીકે (18), સંઘર્ષ (17), પ્રમુખ (17), કર્યો (17), કર્યું (17), 2011 (16), india (16), slavery (16), for (16), નહીં (16), લોકો (16), એમને (16), એટલે (16), dipak (15), ભારત (15), આપણે (15), રાજકીય (15), 2014 (14), કોઈ (14), માગણી (14), થાય (14), કોંગ્રેસના (14), 2025 (13), dholakia (13), લીગ (13), શકે (13), વચ્ચે (13), બહુ (13), એમાં (13), રીતે (13), બીજા (13), indian (12), chapter (12), મુસલમાનો (12), માત્ર (12), પહેલાં (12), કરવાની (12), બની (12), અધિવેશન (12), કિસાન (12), આવી (12), એમની (12), વર્કિંગ (12), શરૂ (11), part (11), માટેનો (11), છતાં (11), ત્યારે (11), કરે (11), એનો (11), વધારે (11), ફરી (11), હોય (11), નક્કી (11), ગયા (11), આંદોલન (11), ગુલામી (10), વાત (10), પોતાની (10), હિન્દુઓ (10), વિરોધ (10), એવું (10), રાજકોટ (10), નામ (10), નિવેદન (10), લઘુમતી (9), સામે (9), થયા (9), કામ (9), હું (9), બ્રિટિશ (9), દેશી (9), પ્રજાકીય (9), સુભાષબાબુ (9), martyrs (8), આથી (8), તેમ (8), અધિવેશનમાં (8), જિન્ના (8), કરતી (8), કરતા (8), એને (8), સ્થાપના (8), ઘણા (8), કોંગ્રેસે (8), ચૂંટણી (8), વિરુદ્ધ (8), બહાર (8), આંદોલનો (8), ગાંધીજીએ (8), ગાંધીજી (8), સુધી (8), મૌલાના (8), com (7), મારી (7), દ્વારા (7), રાષ્ટ્ર (7), આગળ (7), બીજી (7), પ્રતિનિધિ (7), વખતે (7), કરીને (7), કોંગ્રેસને (7), કારણ (7), બાજુ (7), અમે (7), એની (7), કારણે (7), નેતાઓ (7), તૈયાર (7), આવ્યા (7), કોમી (7), કર્યા (7), કંઈ (7), હાથમાં (7), જવાબદાર (7), પ્રકરણ (7), ભાગ (7), આપી (7), છોડી (7), નિર્ણય (7), લોકોની (7), બધા (7), એમનું (7), અંતે (7), સત્યાગ્રહ (7), કમિટીના (7), like (6), અલગ (6), જિન્નાએ (6), ૧૯૩૮માં (6), બાબતમાં (6), કરવાનું (6), બહુમતી (6), સરકાર (6), મળીને (6), મૂકી (6), ત્યાં (6), જશે (6), દેશમાં (6), હતાં (6), કોંગ્રેસનું (6), વિચાર (6), કરવા (6), દેખાડી (6), કોંગ્રેસની (6), અંતિમ (6), ૧૯૪૭ (6), તેમાં (6), સભા (6), સુભાષબાબુએ (6), ટેકો (6), જમણેરી (6), પત્ર (6), પ્રજા (6), જેવા (6), સરદાર (6), પટ્ટાભિ (6), બારી (5), શોધો (5), uncategorized (5), leave (5), comment (5), webgurjari (5), વેબગુર્જરી (5), tags (5), categories (5), posted (5), author (5), loading (5), https (5), the (5), સંદર્ભઃ (5), ૦૦૦ (5), એવો (5), પોતાના (5), મહાસભાના (5), મુસલમાનોને (5), બધાં (5), સમાન (5), રાષ્ટ્રો (5), મુસલમાન (5), એમનો (5), સાવરકરે (5), આના (5), રાષ્ટ્રીય (5), વિના (5), સ્વરાજ (5), શકીએ (5), ગયો (5), દેશ (5), મળ્યું (5), કરતાં (5), ફેડરેશન (5), વિશે (5), કોંગ્રેસમાં (5), જવા (5), કરવામાં (5), બનશે (5), પૂર્ણ (5), સત્તા (5), તેઓ (5), કહેતા (5), બધી (5), જેમ (5), જેવું (5), તબક્કો (5), ૧૯૩૫થી (5), સંગઠન (5), પોતે (5), મળશે (5), મળી (5), ખેડૂતો (5), હરિપુરા (5), વ્યવસ્થા (5), આઝાદ (5), લોકોએ (5), જાહેર (5), વગેરે (5), દીધો (5), નહોતું (5), લાગ્યું (5), નેતા (5), વલ્લભભાઈ (5), મુદ્દો (5), પ્રમાણે (5), પડી (5), ગયું (5), પ્રતિબંધ (5), રાજાએ (5), થયું (5), સભ્યો (5), ખસી (5), કરો (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), હોવા (4), લીગને (4), માં (4), જરૂરી (4), થવી (4), પરથી (4), હજી (4), રહેશે (4), તમારા (4), દીધું (4), એના (4), છીએ (4), ધાર્મિક (4), ખાસ (4), સ્થિતિ (4), આપવા (4), પ્રાંતોમાં (4), પોલિટિકલ (4), અપીલ (4), તરફ (4), જાતે (4), સમક્ષ (4), પાસે (4), થશે (4), મજબૂત (4), નહોતી (4), ફેરફાર (4), થયો (4), સંગઠિત (4), આર્થિક (4), કરવી (4), આખા (4), રહ્યો (4), ડંડો (4), જવાબમાં (4), જાય (4), જતાં (4), રજવાડાંઓમાં (4), રાજ્યોમાં (4), ગયાં (4), ટકા (4), પ્રતિનિધિત્વ (4), નીતિ (4), આપ્યો (4), ઇનકાર (4), મોટા (4), ધ્યાન (4), નહોતો (4), શક્ય (4), princely (4), ઉપવાસ (4), વખતથી (4), આવ્યું (4), એણે (4), દીવાન (4), પટેલ (4), રાજ્ય (4), પસંદગી (4), રાજા (4), હૈદરાબાદ (4), અસર (4), લાગ્યા (4), ૧૯૩૯માં (4), સુભાષચન્દ્ર (4), કચ્છ (4), પ્રમુખની (4), મને (4), this (3), wordpress (3), other (3), પસંદ (3), લિંક (3), નવી (3), history (3), આવો (3), સાવરકર (3), આધારે (3), www (3), annual (3), register (3), vol (3), મતદાર (3), લાગી (3), પડે (3), શબ્દ (3), પોતાનો (3), રહે (3), ગણાય (3), ભાગે (3), અનેક (3), પ્રતિનિધિઓ (3), હિન્દુઓના (3), ઘણી (3), આપ્યું (3), સૌથી (3), ખરું (3), તમે (3), સમાધાન (3), શકાય (3), એકતા (3), દૂર (3), આવે (3), કેટલાક (3), સ્વતંત્રતા (3), તરફેણ (3), ઉલ્ટું (3), વર્ષના (3), શિયા (3), તેને (3), વલણ (3), બનાવી (3), મુસલમાનોની (3), લીગનું (3), ચીફ (3), પ્રમુખપદે (3), જોડાઈ (3), જવાની (3), સ્વીકાર (3), બન્યા (3), નહોતા (3), જોયું (3), પોતાનું (3), વંદે (3), માતરમ (3), પહોંચ્યા (3), મહાસભા (3), મુખ્ય (3), પાસેથી (3), માનતા (3), વાતો (3), ઇંડિયા (3), સંપૂર્ણ (3), ચૂંટણીમાં (3), હાર (3), ૧૯૩૭માં (3), બદલે (3), લેવાની (3), જરૂર (3), અસહકાર (3), કરવું (3), સંજોગોમાં (3), સભાના (3), સ્વતંત્ર (3), ઊભા (3), દેવાની (3), સહજાનંદ (3), ભારે (3), આમાં (3), સલાહ (3), ગાંધીજીના (3), તરફેણમાં (3), તૈયારી (3), અંગ્રેજ (3), યુનિયન (3), વધતી (3), વ્યક્ત (3), વાર (3), થતી (3), ઊભું (3), ઘણાં (3), પ્રજાની (3), ફેડરેશનની (3), યોજના (3), તેની (3), રજવાડાંની (3), સીટો (3), ગામ (3), હોવાનો (3), કાર્યક્રમ (3), ડાબેરી (3), યુક્ત (3), પ્રાંતના (3), ઉપયોગ (3), માનવાનો (3), માનસ (3), સામાન્ય (3), આવવા (3), ચૂંટણીથી (3), જેમાં (3), ચાલુ (3), બંધ (3), જવાહરલાલ (3), કોંગ્રેસી (3), લખીને (3), praja (3), mandal (3), states (3), લીધી (3), ઠાકોર (3), રાજકોટમાં (3), ગાંધીજીનું (3), વાઇસરૉય (3), સમય (3), વીરાવાળાએ (3), ડિપ્રેસ્ડ (3), દબાણ (3), સરદારની (3), કર્યાં (3), અવસાન (3), રાજ્યના (3), નામો (3), ઑગસ્ટ (3), જોડાયા (3), પરિષદની (3), નિઝામ (3), નિઝામે (3), અમુક (3), પડ્યા (3), શાસન (3), શંકર (3), પોલીસે (3), ગોળીબાર (3), લીધો (3), હરેકૃષ્ણ (3), મહેતાબ (3), દોર (3), લોકોને (3), નેતાઓના (3), વધુ (3), રહ્યાં (3), જેલમાં (3), પ્રજામંડળો (3), દેશના (3), રહી (3), લાગ્યો (3), ઉમેર્યું (3), ડેલીગેટો (3), સુભાષ (3), અમને (3), આચાર્ય (3), દેવ (3), નીતિઓ (3), મારા (3), બોઝ (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), blog (2), 110 (2), 400 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), email (2), address (2), ndia (2), મંડળો (2), અઘરું (2), નવો (2), રસ્તો (2), લેવો (2), સંકેત (2), સત્તામાં (2), પ્રમાણમાં (2), સવાલ (2), દરજ્જો (2), ભાગીદારી (2), રહેતું (2), સત્તાની (2), આજે (2), દેશો (2), નાના (2), ગોળમેજી (2), પરિષદમાં (2), ગાંધીજીની (2), સંમત (2), આધાર (2), ડોળ (2), નબળી (2), પાડવા (2), ખ્યાલ (2), હિન્દુઓની (2), એનું (2), કહી (2), જિન્નાની (2), ભલે (2), થોડા (2), પાછળ (2), સામી (2), ઊંચી (2), સહકાર (2), મરી (2), દેશની (2), બેઠા (2), ખોઈ (2), દિવસે (2), ખરી (2), આવાં (2), અહીં (2), વાંધો (2), ક્યારે (2), આપણા (2), વૈમનસ્ય (2), સાંસ્કૃતિક (2), સદીઓથી (2), સુસંવાદી (2), અથવા (2), ખરેખર (2), વિરોધી (2), પરના (2), ધર્મ (2), ફરજ (2), રાજ્યની (2), ભારતીય (2), કોઈની (2), કરીએ (2), એટલું (2), દેશોમાં (2), મુખ્યત્વે (2), માની (2), ડિસેમ્બરની (2), મહાસભાનું (2), ઠરાવ (2), ફેડરેશનનો (2), મુસલમાનોમાં (2), સુન્ની (2), ચાલે (2), મળ્યો (2), સ્પષ્ટ (2), સરકારો (2), જસ્ટિસ (2), વઝીર (2), ભાષણમાં (2), કૉન્ફરન્સમાં (2), વાતનો (2), કોમવાદીઓ (2), આડખીલી (2), શિયાઓ (2), રક્ષણ (2), નિષ્ફળ (2), શબ્દો (2), ફેર (2), હેઠળ (2), બોલે (2), પરિણામ (2), વર્ગો (2), સંભાળી (2), અર્થ (2), આઝાદીની (2), મૂળભૂત (2), સ્વાધીન (2), જનતાને (2), લોકશાહી (2), કડક (2), બન્યું (2), ચાલતાં (2), લખનઉ (2), કોરાણે (2), મૂકીને (2), શરૂઆત (2), ૧૯૩૫ના (2), પગલાં (2), બોલ્યા (2), ઉલ્લેખ (2), થવા (2), jan (2), june (2), 1938 (2), સ્વામીજીએ (2), જોરદાર (2), કહે (2), આપણી (2), ખોટા (2), વર્ગના (2), મજૂરો (2), દેશને (2), મળે (2), પડતો (2), સાહેબો (2), જગ્યાએ (2), હરિપુરામાં (2), બેઠક (2), વસુલાત (2), સભામાં (2), સ્વામી (2), વાતચીત (2), પ્રવૃત્તિઓ (2), બિહારના (2), રાખવાની (2), બિહારની (2), આડે (2), હરિજન (2), મુદ્દા (2), વિવાદ (2), લાભ (2), લઈને (2), ટ્રેડ (2), સભાઓ (2), જરા (2), ડેલીગેટોને (2), જેથી (2), રજવાડાંઓની (2), વાચા (2), આપવાનો (2), થઈને (2), યોજનાનો (2), ફેડરેશનના (2), વસ્તી (2), ગૃહમાં (2), બને (2), મળવું (2), ૧૯૩૮ના (2), સૂરત (2), વર્ષે (2), અધિકાર (2), જૂથો (2), સરકારોને (2), એટલી (2), સત્તાઓ (2), ધીમે (2), દરમિયાનગીરી (2), પ્રાંત (2), નિર્ણયો (2), બન્ને (2), પ્રીમિયર (2), ભાગના (2), તેના (2), જતી (2), પ્રાદેશિક (2), લાગતું (2), યાદ (2), આસફ (2), અલીએ (2), રહ્યું (2), માટેની (2), પક્ષ (2), મતભેદો (2), રસ્તા (2), જેવો (2), પ્રયાસ (2), દાવો (2), સંસ્થા (2), રહ્યા (2), ગાંધીજીને (2), વધી (2), selfstudyhistory (2), movements (2), click (2), access (2), pdf (2), આખું (2), નીચે (2), org (2), rajkot (2), આંદોલનની (2), નિષ્ફળતા (2), જવાબદારી (2), જવું (2), નેતાગીરી (2), રાજ (2), રાજાઓ (2), યોગ્ય (2), તેનાથી (2), ક્લાસના (2), નામે (2), પાડી (2), મુંબઈ (2), સરકારે (2), પડવા (2), સોંપી (2), રાજકોટના (2), કેમ (2), રાજ્યને (2), વીરાવાળાની (2), માનવી (2), ૧૯૩૯ની (2), જાન્યુઆરીએ (2), વતન (2), ગામે (2), સમજૂતી (2), લોકોના (2), સાત (2), રહેતા (2), માગતો (2), અંગત (2), આવ્યો (2), એનાથી (2), થયાં (2), ૧૯૩૬માં (2), હડતાળ (2), રાજ્યનો (2), ખર્ચ (2), જુગારના (2), પરિષદના (2), કાર્યકરો (2), પડ્યું (2), વિદ્યાર્થીઓ (2), મનસુખલાલ (2), મહેતા (2), અમૃતલાલ (2), લખાણો (2), કાઠિયાવાડ (2), નિષ્ક્રિય (2), લાખાજીરાજના (2), વહીવટ (2), ૧૯૩૧માં (2), નાખી (2), રજૂ (2), જીવે (2), સારો (2), વિકાસ (2), સભ્યોની (2), બનવાની (2), આપવું (2), રાખવાનો (2), news (2), પ્રજામંડળ (2), છોડો (2), ૧૯૪૨માં (2), રાજતંત્રની (2), રચના (2), ભારતમાં (2), ૧૯૪૬માં (2), માન્યતા (2), નેતાઓએ (2), આની (2), રાજ્યમાં (2), નિઝામને (2), લાગુ (2), મળતાં (2), લોકોનું (2), અલી (2), ૧૯૨૦ના (2), ઊંડી (2), પ્રજામંડળે (2), પોલીસના (2), ભાગવા (2), કટકમાં (2), મીટિંગ (2), માગતા (2), નાખ્યા (2), કૅમ્પોમાં (2), નાબૂદી (2), એવા (2), પ્રજામંડળની (2), માર્ગ (2), શેઠ (2), જમનાલાલ (2), બજાજ (2), ઓરિસ્સા (2), સમાજવાદીઓ (2), સામંતી (2), ખૂણે (2), સેવા (2), દરમિયાન (2), બોઝે (2), લાગ્યાં (2), ૧૯૩૪માં (2), ગાળામાં (2), રાજસ્થાન (2), ૧૯૩૭ (2), કામો (2), કાન્તિપ્રસાદ (2), અંતાણી (2), રાજ્યે (2), તૂટી (2), બનાવવા (2), રાજકારણ (2), મહારાવશ્રી (2), ગુલાબશંકર (2), ધોળકિયા (2), પહેલું (2), કચ્છમાં (2), કેટલાયે (2), કચ્છી (2), સમાજવાદી (2), મહેર (2), મૂળ (2), અવાજ (2), ધીરે (2), એકંદરે (2), બાકી (2), 1939 (2), શું (2), ત્રિપુરી (2), સહન (2), સુભાષબાબુની (2), છું (2), બોગસ (2), આવા (2), ચૂંટણીના (2), ચુંટાઈ (2), સ્પર્ધામાંથી (2), બાબુ (2), જવાબ (2), સુભાષબાબુનું (2), પ્રમુખનું (2), અનૌપચારિક (2), કમિટીમાં (2), સાહેબનું (2), ઉમેદવારને (2), સુભાષબાબુને (2), ૨૯મીએ (2), પ્રમુખપદની (2), કમિટીની (2), સાથીઓ (2), સાથીઓને (2), ખબર (2), મારે (2), નિવેદનના (2), જયરામદાસ (2), દોલતરામ (2), રાવ (2), સભ્યોએ (2), કરીશ (2), નવા (2), લાગે (2), ખોટું (2), વર્ષ (2), ચૂંટણીમાંથી (2), ખેંચી (2), મેદાનમાં (2), મધ્ય (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, વિભાગ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, enter, your, below, મેઇલ, પોસ્ટનો, સંદેશ, મેળવો, સમગ્ર, વાઙ્મય, ગ્રંથ, ૬ના, firstpost, savarkar, was, proponent, two, nation, theory, his, writings, hindu, muslim, relations, only, constitute, statement, fact, 7770871, html, july, dec, 1937, લપડાક, ઝીરવવાનું, આપતી, વિચારમાં, વધ્યા, નાગપુરમાં, મારો, ઝઘડો, શબ્દને, ફેરવી, નાખીને, આખો, વ્યૂહ, બદલી, નાખ્યો, કહેવાથી, કાયમ, નિયત, ભાગીદારીની, ગણાવાય, રાષ્ટ્રના, કદનો, નાનાં, મોટાં, રાષ્ટ્રોનો, વસ્તીના, બરાબર, વહેંચણી, દુનિયામાં, ભારતથી, કદમાં, સાર્વભૌમત્વની, દૃષ્ટિએ, પોતાને, ઓળખાવતા, મુંજે, હકોનો, બચાવ, બોલતા, દલીલો, થતા, મંડળોની, માગણીનો, બ્રિટનની, લઘુમતીઓના, રક્ષણનો, માગતી, સત્તાના, વિભાજનની, સર્વોપરિતા, હોવી, મંચ, વ્યૂહરચનામાં, નહોતાં, આવ્યાં, વાપર્યો, મહત્ત્વ, સમજ્યા, જઈએ, સિદ્ધાંત, રાષ્ટ્રનો, હશો, તમારી, નવાઈ, વેચે, કિંમતે, ઊંચામાં, જઈશું, આપે, ખાતરીઓ, કાકલૂદીઓ, મદદ, ઘૂંટણિયે, જ્યારે, જબ્બર, માનભર્યું, હાંસલ, ઉપકાર, સમજવા, પડતાં, શબ્દોને, સેંકડો, ગીતો, ડઝન, હિન્દુસ્થાન, ગીત, મુસલમાનોનો, સમજશે, એકતાપ્રેમીઓ, માનવાથી, કરજો, વખત, ચાલ્યું, હકીકત, નક્કર, ઇચ્છવાને, માને, બાલિશ, પરસ્પર, બોલતાં, લઈએ, સાંખી, હુમલાને, આપશું, બાંયધરી, રક્ષણની, ભાષાના, સંસ્કૃતિ, લઘુમતીઓને, બજાવવા, સૌને, ચુકવીએ, કિંમત, ખરીદવા, વફાદારી, પ્રતિનિધિત્વમાં, રાષ્ટ્રમાં, એકરંગી, એકરૂપ, ૩૦મીએ, અમદાવાદમાં, ૧૯મું, વિનાયક, દામોદર, સાવરકરને, અધ્યક્ષ, ચૂંટવામાં, ઠરાવો, પસાર, સંબંધોને, લગતા, ફેડરેશનને, લગતો, મહાસભાએ, વહેલામાં, વહેલી, તકે, બનાવવાનો, આગ્રહ, કોમોને, મંદિર, પ્રવેશની, છૂટ, વિશેના, ઠરાવનો, સનાતનીઓએ, ઝઘડા, રંગ, ઍવૉર્ડ, સ્થાન, કૉન્ફરન્સે, સૈયદ, હસન, હિમાયત, લીગે, બરતરફ, બંગાળમાં, લીગની, શિયાઓની, શિયાઓને, લઘુમતીઓનો, કરતો, સામ્રાજ્યવાદીઓએ, રાષ્ટ્રવાદી, ભાવના, ફેલાય, ઊભો, રાષ્ટ્રવાદના, માર્ગમાં, હસને, આપણામાં, રાષ્ટ્રવાદનો, આછોપાતળો, ધબકાર, રાષ્ટ્રવાદને, કોમવાદમાં, કોમવાદને, ઝનૂનવાદમાં, ફેરવાતો, જોઈ, પહેલા, પ્રકરણમાં, લીગના, ઔધના, ભૂતપૂર્વ, અંગ્રેજી, હકુમતની, ટીકા, લઘુમતીઓનું, ઢળતા, આકરા, વાપરતાં, આત્મવિશ્વાસ, ભાવિ, એલાન, રાજમાં, હિન્દી, રાષ્ટ્રભાષા, રાષ્ટ્રગીત, ધ્વજ, બધાએ, નમવું, પડશે, નજીવી, કોમે, હિન્દુસ્તાન, એટલો, રાષ્ટ્રવાદ, ઓઠા, છુપાય, ખુલ્લેઆમ, આજની, નીતિઓનું, આવશે, સમાજમાં, વેરઝેર, વધશે, હુલ્લડો, પરિણામે, સામ્રાજ્યવાદીઓની, પકડ, સ્વરાજની, લડી, જોઈએઃ, હાલના, ન્યાયની, આશા, રાખી, સ્વતંત્રતાની, તેનો, ૧૯૩૫, ઍક્ટ, ગવર્નમેન્ટ, હોઠે, મુકમ્મલ, સ્ટેટસ, ડોમિનિયન, તત્ત્વ, સ્વતંત્રતાનું, ભોળવવા, નિરક્ષર, અજ્ઞાન, સરકારની, હિન્દુસ્તાનમાં, સજ્જડ, ખાધા, પંપાળતી, જિન્નાનું, ૧૯૩૬ના, ઍપ્રિલમાં, રાખે, સફળ, ૨૭મી, ઑગસ્ટના, ૧માં, કદમ, મિલાવીને, રક્ષણાત્મક, જોગવાઈઓ, કારણસર, કોમને, શરતો, મંજૂર, ઑક્ટોબર, ભાષામાં, થોડો, બેઠકમાં, કોમની, બોલવાની, બંધારણ, ભાર, મૂક્યો, સશસ્ત્ર, બળવાની, શક્યતા, નીવડ્યો, બંધારણીય, માર્ગે, પાર્લામેન્ટમાં, લેવાં, કોમથી, કોમોએ, લખનઉમાં, જખમી, વાઘની, આત્મનિરીક્ષણ, સંસ્થાગત, માળખું, પીઠ, થાબડી, દેખાડ્યું, નિરાશ, અધિવેશનો, મહાસભાનાં, અસ્તિત્વની, કોંગ્રેસીઓ, આવું, બનાવવું, લડાઈ, જોખમી, કિસાનો, મતનો, પુનરુચ્ચાર, વિનાની, નરી, નુકસાન, ગોરા, કાળા, ચાલતું, સભાની, કિસાનોને, જમીનદારોની, ચુંગાલમાંથી, છોડાવવાની, જમીન, મહેસૂલની, રોકી, બંગાળના, કોમિલ્લા, બાંગ્લાદેશમાં, સ્વામીના, સભાનું, ૧૫મું, સફળતા, મહાત્મા, ગાંધી, મનાવવાના, પ્રયત્ન, કોમિલ્લાની, સહજાનંદે, રીતસર, સમાજના, કયા, વર્ગ, સભાઓની, ફેલાયેલી, સ્વામીનો, ફાળો, મહત્ત્વનો, ખેડુતોને, હંમેશાં, આને, ગંભીર, મતભેદ, ખેડૂતનો, સાથી, અહિંસાના, સિદ્ધાંતમાં, આવતો, પત્રે, લખ્યું, સ્વામીજી, અહિંસાનો, સિદ્ધાંતની, ખોટી, રજૂઆત, પ્રોફેસર, રંગાએ, શીખો, કિરપાણ, જયપ્રકાશ, નારાયણ, ડંડાની, વિવાદનો, તરફી, અખબારોએ, વચ્ચેની, ખાઈ, પહોળી, કોશિશ, રહીને, ઇંડિયન, નૅશનલ, કહીને, સંપર્કો, વધારવા, ટક્કરની, ઊભી, પ્રમુખે, વાતમાં, ઊંડે, ઊતરવા, સંબોધતાં, ખડે, પગે, તેવા, સ્વયંસેવકો, કાર્યકરોના, શિક્ષણ, તાલીમની, આપણને, સારા, ભારતની, જઈને, હિન્દ, ફોજ, મગજમાં, કરવાનો, વર્ષોથી, હશે, આકાંક્ષાઓને, તકલીફોનો, સીધું, ત્યાંના, અન્યાયો, લડવું, દેશનાં, નાનાંમોટાં, રામ્સે, મૅક્ડોનલ્ડના, ઍવૉર્ડમાં, કરાયેલી, સમજાવતાં, સિદ્ધાંતથી, યોજનામાં, નીચલા, ઊપલા, ફાળવવામાં, પ્રજાને, શાસકોને, સ્વીકારવા, સૂચવ્યું, ૫૧મું, ફેબ્રુઆરીની, ૧૯મીએ, જિલ્લાના, લાખની, જનમેદનીની, હાજરીમાં, આપેલા, સંભાળવા, રાજકાજ, ચલાવવા, નાગરિકોના, સમાનતા, વિદેશ, વિષયોની, છણાવટ, આફ્રિકાના, ચાલતા, સ્વાતંત્ર્ય, સંગ્રામોને, પાડોશી, મિત્રતા, અંદર, ડાબેરીઓનો, કાર્યક્રમોમાં, માગ્યો, ગવર્નરોના, સરકારોના, કામકાજમાં, દાખલા, ઍસેમ્બ્લીઓમાં, સરકારોએ, કેદીઓને, મૂકવાના, લીધા, ગવર્નરોએ, મળેલી, સત્તાઓનો, પ્રધાનમંડળની, ભલામણો, શ્રીકૃષ્ણ, સિંહા, ગોવિંદ, વલ્લભ, પંતનાં, પ્રધાનમંડળોએ, રાજીનામાં, દીધાં, બાજુથી, કોમવાદી, વલણો, દેવાના, વાઇસરૉયના, ઇરાદાને, બગડવા, આપતા, પડતી, રાખવા, મથામણો, બદલામાં, હઠમાં, આનો, પ્રભાવ, બહુમતીમાં, હોવાથી, હિન્દુસ્તાનની, સમૂહ, પ્રત્યેના, વલણથી, એમનામાં, અકળામણ, તરીકેનું, અસ્તિત્વ, વાતાવરણ, કોમવાદ, ઢળવા, ગરીબ, ઉન્નતિ, નોકરીઓમાં, ટકાવારી, બાંધી, દ્દેવાઈ, શિક્ષિત, લાભકારક, લોનનું, વ્યાજ, ચુકવવામાં, એકસરખી, પીડાય, લીગનો, ઔદ્યોગિક, કાર્યક્ર્મ, ઉપયોગી, ઉદ્યોગ, ઉત્પાદક, ગ્રાહક, જિન્નાને, લખેલા, પત્રમાં, ધારાસભ્ય, ફાંટા, બનાવવાનું, મોરચો, સંયુક્ત, કરીશું, સંસ્કૃતિનું, ભાષા, કહેતો, રમખાણો, આંતરિક, કાદિયાની, હદીસ, અહલે, મુંજેએ, હિન્દુઓનું, સામાજિક, અધિકારો, વિશેની, સમાધાનના, દેવા, ચીતરવાનો, ચૂંટણીનાં, પરિણામોએ, મુસલમાનોનું, કર્યે, રાખતા, એકમાત્ર, સ્થાપનાથી, ભેદભાવ, બધાની, જિન્નાનો, સ્વીકારી, સમજાવવાના, પ્રયાસો, નેતાઓનો, વ્યવહાર, ૧૯૩૮ની, ૩જી, માર્ચે, ગોઠવી, કંઈક, વતી, મુસ્લિમો, હિન્દુસ્તાનના, માનીએ, લીગનાં, મનામણાં, હરિપુરાનું, 207, 8_240, 305p, preview, people, princes, paramount, power, society, politics, સ્રોતમાંથી, અલગથી, જેની, છેઃ, archive, nationalism, context, satyagraha, માથે, ઉપવાસમાં, હિંસા, ધર્મેન્દ્રસિંહજીનું, હૃદય, પરિવર્તન, છોડવાને, જોઈતું, છોડાવવા, વાઇસરૉયને, લખ્યો, જાતના, વગેર, ઉદ્દામવાદીઓ, રાજ્યોની, ઇંડિયાની, ત્રસ્ત, ઝંખે, રાજાઓની, કાળ્ગ્રસ્ત, જલદી, સમાપ્ત, સારું, પ્રજાઓની, સંભાળવી, વિશ્વાસ, લાગશે, પિતાના, સંબંધ, રાજાને, ટ્રસ્ટી, સમજતા, પડવાના, આત્મમંથન, નિષ્ફળતામાંથી, શીખી, રજવાડાંના, જેટલું, ધક્કો, આપવો, સમજૂતીમાંથી, ઠાકોરસાહેબને, મુક્ત, જસ્ટિસનો, બગાડવા, બદલ, માફી, માગી, છોડ્યું, પ્રતિનિધિત્વને, ચુકાદો, માનવાની, દીધી, તબક્કે, આંબેડકર, કોકડું, ગુંચવાયું, ઉતારા, દેખાવો, ઉપવાસને, રાજકોટનો, પ્રાંતની, રાજીનામું, આપવાની, ધમકી, લિન્લિથગોને, વિનમ્તિ, કારણોસર, વાઇસરૉયપર, મોરિસ, ગ્વાયરને, લવાદી, ગ્વાયરે, તપાસ, ઠાકોરે, સમજૂતિનો, ભંગ, ઉપવાસનાં, પારણાં, મચક, રિપોર્ટ, મહાત્માજી, મૃત્યુ, પામશે, તીર્થધામ, ૨૬મી, કસ્તૂરબાનું, વલ્લબભાઈનાં, પુત્રી, મણિબેન, નીકળ્યાં, રાજકોટથી, માઇલ, દ્દૂર, ધરપકડ, લેવામાં, સંતોષાય, ઠાકોરસાહેબે, ૨૬મીએ, દરબારે, સોંપવા, નાગરિકો, અધિકારીઓની, નીમણૂક, સાતને, નીમવાના, સમજૂતીથી, માટેના, પ્રધાનના, ધર્મેન્દ્રસિંહજીએ, સરદારે, સૂચવેલાં, સ્વીકારવાનો, રેસિડન્ટની, મદદથી, નવાં, યાદીમાં, બ્રાહ્મણ, વાણિયા, રાજપૂતો, ક્લાસિસનો, ચાલ, સરકારનો, સત્યાગ્રહીઓના, સંપર્કમાં, વલ્લભભાઈએ, ઠાકોરસાહેબ, માગણીઓ, દેખાવ, વીરાવાળા, પરદા, દીવાનપદું, રાજવીનો, સલાહકાર, જૂનાગઢના, માજી, પૅટ્રિક, કૅડલને, બનાવવામાં, દોષ, અંગ્રેજો, કઢાવવું, ઠાકોરસાહેબની, જોહુકમી, ઊભાં, ઉછરંગરાય, ઢેબરે, આગેવાની, ગાંધીવાદી, જેઠાલાલ, જોશીએ, હસ્તકની, સુતરાઉ, કાપડની, મિલના, કામદારોનું, આઠસો, કામદારોએ, દરબારને, યુનિયનની, સફળતાથી, પ્રેરાઈને, જેઠાલાલભાઈ, ઢેબરભાઈએ, પરિષદને, સજીવન, રાજતંત્ર, કરવેરા, ઘટાડવાની, રાજવિરોધી, શિખરે, પહોંચ્યું, ગોકુલાષ્ટમીના, તહેવારમાં, રમાતા, ઇજારા, મેળામાં, ૧૫મી, ઑગસ્ટે, ઇજારાનો, રજ્યનું, પોલીસ, ત્રાટકી, આમાંથી, વિસ્તર્યું, કાપડ, મિલોના, કામદારો, બૅન્કમાંથી, ડિપોઝિટો, ઉપાડી, હડતાળમાં, ઇજારદાર, વેપારીઓના, માલનો, બહિષ્કાર, અસંતોષને, શ્રીમદ્, રાજચંદ્રના, ભાઈ, શેઠે, પહોંચાડ્યો, મહેતાએ, ગુજરાતીનાં, સીધાં, પહોંચતાં, કાઠિયાવાડના, પરિચિત, હોવાને, ઊતરી, ૧૯૩૦માં, પુત્ર, ધર્મેન્દ્રસિંહજી, ચારિત્ર્ય, એજન્ટે, સરકારમાં, રિપોર્ટો, નજર, રાખવામાં, ખરો, દીવાનને, સોંપાયો, ધર્મેન્દ્રસિંહજીને, સોંપવામાં, વૈભવી, તુમાખી, જીવનમાંથી, વીખેરી, સાધન, તકલીફો, વીરાવાળાના, કેન્દ્રિત, વીરાવાળાને, ફાવતું, રાજવીને, મનફાવતી, સાહેબનો, પૂરો, ચોખા, ખાંડ, અનાજ, વગેરેનું, વેચાણ, ઈજારદારોને, દેવાયું, કરવેરાનો, બોજ, દેવાયો, સાહેબ, સમયમાં, અંગ્રેજોએ, મુલ્કી, ઑફિસો, શહેર, આધુનિક, લાખાજીરાજે, ૧૯૨૩માં, નેવું, મર્યાદિત, વેપારીઓ, વગેરેના, વર્ગની, સમસ્યા, લેતા, અઢાર, ધારાસભા, જતા, ઠાકોરસાહેબનો, રહેતો, સર્વસંમતિમાં, આવતા, પ્રજાજનોમાં, ફરિયાદો, ઇચ્છાઓ, ઉપાયો, શોધવામાં, ભાગીદાર, પરંપરા, આંદોલનોને, ઉત્તેજન, રાજ્યોનાં, સંગઠનોને, અવઢવ, લેવાયો, કેટલાંય, નોંધપાત્ર, ઊછરંગરાય, ઢેબરના, નેતૃત્વ, હેઠળનો, કાશ્મીરમાં, શેખ, અબ્દુલ્લાહનું, વિરુદ્ધનું, ઓરિસ્સામાં, ઠેરઠેર, થયેલાં, હૈદરાબાદમાં, વિરુદ્ધની, ચળવળ, સત્યાગ્રહની, 09_chapter, 205, divyabhaskar, guj, mat, latest, mundra, 085512, 1250997, nor, htmlhttps, govtexamsuccess, movement, સિદ્ધાંતો, ચાલ્યાં, ચલાવ્યાં, ભળી, ભેળવી, નાગરિક, અધિકારોની, હટાવી, હકુમતનો, નમતું, મૂક્યું, ત્રણેય, કાઉંસિલોના, ચાલતી, સંસ્થાઓ, વિચારોની, વાહક, સુધારા, હટાવ્યો, ગાવા, ગાતા, નિઝામના, તાબામાં, મરાઠવાડા, આંધ્રનો, કર્ણાટક, ૧૯૨૧માં, ત્રણેયની, કાઉંસિલો, કાઉંસિલોએ, ખાનગી, શાળાઓ, ભાષાઓની, વિસ્તરણની, અખબારોમાં, બહોળી, પ્રસિદ્ધિ, વળ્યું, ભારતનું, મોટું, ઓસ્માન, ખાનને, હકુમત, તરફથી, મળતો, હૈદરાબાદની, જનતામાં, અસહકારની, ખિલાફત, હકે, નામનું, વફાદાર, ઈત્તિહાદ, મુસ્લિમીન, ઢેંકાનાલમાં, પ્રતાપ, સિંઘદેવના, અત્યાચારી, પ્રજામંડળના, નેજા, માગણીઓનું, અત્યાચારોથી, ત્રાસીને, કટક, સમર્થક, ભરાવા, માર્યા, બ્રાહમણી, નદી, પાર, તેમના, ઘણાને, બનાવના, પડઘા, સમાધાનનો, એમાંથી, વચન, પાળ્યું, તાલચેરમાં, લોકોનાં, ખેતરો, કબજો, સ્ત્રીઓનાં, શીયળ, જોખમમાં, મુકાયાં, રાજાનું, દમન, છોડીને, બ્રિટિશરોને, અધીન, પ્રદેશોમાં, નિર્વાસિત, રહેવા, ભાગી, છૂટ્યા, હાકેમોને, આંદોલનના, નાયબ, એજન્ટ, હતીઃ, અધિકારીઓ, ચલાવાતી, વેઠ, પ્રથાની, મજૂરોને, દહાડીની, ચુકવણી, વનપેદાશો, કરવેરાની, રાજકુટુંબમાં
Text of the page (random words):
યોજનાનો વિરોધ તો કોંગ્રેસ કરતી જ હતી પરંતુ સુભાષબાબુ એ યોજના અમુક ચોક્કસ ગાળામાં પાછી ખેંચી લેવાનું સરકારને આખરીનામું આપવા માગતા હતા એમનો મત હતો કે કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટે લડતનો માર્ગ લેવો જોઈએ બીજા સભ્યો માનતા હતા કે બહુ જોશીલા લાગતા શબ્દોથી સ્વરાજ હાથમાં આવવાનું નથી સુભાષબાબુ આ લોકોને જમણેરી કહેતા હતા અને ડાબેરીઓ સમાજવાદીઓ અને સામ્યવાદીઓનો એમને સાથ મળ્યો હતો સુભાષબાબુએ મૌલાના આઝાદ ચૂંટણીમાંથી ખસી ગયા ત્યારે એક નિવેદન કરીને પ્રમુખપદના વિવાદ વિશે એમના અને બીજા કોંગ્રેસ નેતાઓના મતભેદોની ચર્ચા કરી એમણે કહ્યું કે આ મુદ્દો અંગત નથી એટલે હું નમ્રતાનો ડોળ બાજુએ મૂકી દઈને વાત કરીશ ભારતમાં સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ દિવસોદિવસ તીવ્ર બનતો જાય છે અને નવા વિચારો અને કાર્યક્રમો લોકો સમક્ષ આવવા લાગ્યા છે આ સંજોગોમાં લોકો એવા મત પર પહોંચવા લાગ્યા છે કે પ્રમુખપદની ચૂંટણી આવા પ્રશ્નો અને કાર્યક્રમોને આધારે લડવી જોઈએ આ સંજોગોમાં મને લાગે છે કે પ્રમુખની પસંદગી ચૂંટણીથી થાય તેમાં કંઈ ખોટું નથી મને હજી સુધી એક પણ ડેલીગેટે નિવૃત્ત થઈ જવાની સલાહ નથી આપી ઉલ્ટું એવું લાગે છે કે એકંદરે બધા એમ ઇચ્છે છે કે મને એક વર્ષ મળવું જોઈએ શક્ય છે કે હું ખોટું સમજતો હોઉં અને મોટા ભાગના ડેલીગેટો હું ફરી ચુંટાઉં એવું ન પણ ઇચ્છતા હોય પરંતુ એ તો ૨૯મીએ જ નક્કી થઈ શકશે મૌલાના આઝાદ જેવા અગ્રગણ્ય નેતાઓએ સ્પર્ધામાંથી હટી જવા અપીલ કરી છે તેને માન આપીને બહુમતી ડેલીગેટો એમ નક્કી કરે કે મારે ફરી પ્રમુખ ન બનવું તો હું અદના સૈનિક તરીકે એનો સ્વીકાર કરીશ પણ તે પહેલાં ન હટવાની મારી ફરજ છે આના જવાબમાં વલ્લભભાઈ રાજેન્દ્રબાબુ જયરામદાસ દોલતરામ આચાર્ય કૃપલાણી ભૂલાભાઈ દેસાઈ અને શંકર રાવ દેવ વગેરે વર્કિંગ કમિટીના સભ્યોએ પણ નિવેદન બહાર પાડ્યું હમણાં સુધી કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી સર્વાનુમતિથી થતી હતી પણ હવે સુભાષ બાબુ નવો ચીલો પાડવા માગે છે એ એમનો હક છે એમાં શાણપણ કેટલું છે તે તો અનુભવ પરથી જ જાણી શકાશે પણ એ સારો પ્રયોગ છે કે કેમ તે બાબતમાં અમને બહુ જ શંકા છે કોંગ્રેસ પ્રમુખનું પદ ચૂંટણીથી થાય એટલી મજબૂતી કોંગ્રેસમાં આવે એકબીજાના અભિપ્રાયોને સહન કરી લેવાની સૌની ક્ષમતા વધે તેની અમે રાહ જોવાનું પસંદ કર્યું હોત સુભાષબાબુ ફેડરેશનનો વિરોધ કરે છે અને વર્કિંગ કમિટીના બધા સભ્યો એ બાબતમાં એમની સાથે જ છે પણ એમણે વિચારધારાઓ નીતિઓ અને કાર્યક્રમોની વાત કરી છે તે અમારી નજરે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે બહુ જરૂરી નથી કારણ કે કોંગ્રેસની નીતિઓ પ્રમુખો નક્કી નથી કરતા વર્કિંગ કમિટી કરે છે કોંગ્રેસ પ્રમુખ લોકતાંત્રિક રાજાશાહીની જેમ રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે આથી જ આ પદની દેશમાં બહુ ઊંચી પ્રતિષ્ઠા છે ડૉ પટ્ટાભિ લાંબા વખતથી વર્કિંગ કમિટીના સભ્ય છે અને એમની સેવાની કારકિર્દી બહુ લાંબી છે એટલે એમનું નામ ઊંડી વિચારણા પછી રજૂ કરાયું છે આથી અમે સુભાષબાબુના સાથીઓને અપીલ કરીએ છીએ કે તેઓ ડૉ પટ્ટાભિ સીતારામૈયાની સર્વસંમતિથી પસંદગી થાય તે માટે ખસી જવા સુભાષ બાબુને સમજાવે સુભાષબાબુએ પણ એનો જવાબ આપ્યો એમણે કહ્યું કે પહેલું નિવેદન મારે મૌલાના આઝાદના નિવેદનના જવાબમાં આપવું પડ્યું અને હવે સરદાર પટેલ અને બીજા મહાનુભાવોના નિવેદનના જવાબમાં આ નિવેદન કરવું પડે છે એટલે આ મુદ્દો જાહેરમાં લાવવા માટે હું નહીં પણ મારા આ સાથીઓ જવાબદાર છે એમણે ઉમેર્યું ચૂંટણીમાં વર્કિંગ કમિટીના સભ્યો એકસંપ થઈને કોઈ એકની તરફેણ કરશે એવું કોઈ ધારી ન શકે અને મારા સાથીઓ કહે છે કે બહુ વિચાર કર્યા પછી એમને નામ નક્કી કર્યું છે આ વિધાન એમને વ્યક્તિગત કોંગ્રેસી તરીકે નહીં પણ વર્કિંગ કમિટીના સભ્યો તરીકે કર્યું છે પણ મને કે વર્કિંગ કમિટીના કેટલાક સાથીઓને ખબર જ નથી કે આ વાત વર્કિંગ કમિટીમાં ક્યારે ચર્ચાઈ પ્રમુખપદની ચૂંટણીને ચૂંટણી કહેતા હોઈએ તો આ નિવેદન મત આપવાના અધિકારને દબાવવાના પ્રયાસ જેવું ન ગણાય ૧૯૩૪માં કોંગ્રેસના બંધારણમાં ફેરફાર થયા પછી વર્કિંગ કમિટીની પસંદગી પ્રમુખ કરે છે એટલે હવે પ્રમુખ માત્ર કોઈ મીટિંગના ચેરમૅન જેવો નથી રહ્યો આથી હવે કોંગ્રેસ પ્રમુખ અને એની ચૂંટણીની આસપાસ નવી પરંપરાનો વિકાસ થવો જોઈએ હું એ પણ કહીશ કે નીતિઓ અને કાર્યક્રમોનો મુદ્દો કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે અસંગત નથી ઘણા વખતથી એવું સંભળાય છે કે ફેડરેશનના મુદ્દા પર કોંગ્રેસના જમણેરી નેતાઓ સરકાર સાથે સમાધાન કરી લેશે કોઈ ડાબેરી પ્રમુખ એમાં આડખીલી બને તેમ છે એટલે જમણેરી ઉમેદવારને ચૂંટણીમાં લાવવાનો ખાસ અર્થ છે સુભાષબાબુએ કહ્યું કે પોતે હજી પણ કોઈ ડાબેરી સમાજવાદી ઉમેદવાર આચાર્ય નરેન્દ્ર દેવ જેવા નેતાની તરફેણમાં ખસી જવાની તૈયારી પણ દેખાડી સરદાર પટેલે એનો જવાબ આપ્યો કે સુભાષબાબુનું નિવેદન દંગ થઈ જવાય એવું છે પહેલાં પણ આ જ રીતે કોંગ્રેસ પ્રમુખનું નામ અનૌપચારિક વિચાર વિનિમય દ્વારા નક્કી થતું હતું અને ગાંધીજી પહેલાં વર્કિંગ કમિટીમાં રહેતા એટલે નામોની ચર્ચાની શરૂઆત એ કરતા અમને મૌલાના સાહેબનું નામ યોગ્ય લાગ્યું ત્યારે અમે જમણેરી કે ડાબેરીનો વિચાર નહોતા કરતા અમે જે રીતે મૌલાના સાહેબનું નામ નક્કી કર્યું તેની બાબતમાં સુભાષબાબુ ધ્યાન ખેંચે છે પણ એ નોંધવા જેવું છે કે સુભાષબાબુનું નામ પણ એ જ રીતે નક્કી થયું હતું માત્ર એ વખતે બીજા ઉમેદવારને ખસી જવાનું સમજાવવાનું આટલું અઘરું નહોતું થયું આ વખતે અમને ચોખ્ખું લાગ્યું કે સુભાષબાબુને ફરી ચૂંટવાનું જરૂરી નહોતું આમ સામસામાં નિવેદનો થતાં રહ્યાં અને ૨૯મીએ ચૂંટણી થઈ તેમાં સુભાષબાબુ જીતી ગયા ગાંધીજીનું નિવેદન ગાંધીજીએ સુભાષબાબુ ચુંટાઈ ગયા તે પછી નિવેદન બહાર પાડીને આ પરિણામને પોતાની હાર માની કારણ કે ડૉ પટ્ટાભિ સીતારામૈયાને સ્પર્ધામાંથી ન હટવા માટે એમણે પોતે જ દબાણ કર્યું હતું એમણે ઉમેર્યું કે સુભાષ બાબુ જેમને જમણેરી ગણાવેછે તેમની મહેરબાનીથી નહીં પણ ચૂંટણી લડીને જીત્યા છે એટલે હવે તેઓ એમની મનગમતી ટીમ પસંદ કરવાની સ્થિતિમાં છે અને એમણે જરાય વાંધાવચકા કે અડચણ વિના પોતાનો કાર્યક્રમ લાગુ કરવો જોઈએ આમ છતાં ગાંધીજી પોતે ઘણા વખતથી હરિજન માં લખતા આવ્યા હતા તે મુદ્દો પણ ચૂક્યા નહીં એમણે કહ્યું કે કોંગ્રેસના સભ્યપદ રજિસ્ટરમાં ઘણા બોગસ સભ્યો છે કોઈ એક વ્યક્તિ આખા સમૂહની ફી ભરીને બધાંનાં નામ ઉમેરાવી દે આથી કેટલાયે ડેલીગેટો પણ નકલી છે ચકાસણી થશે ત્યારે આવા ડેલીગેટ નીકળી જશે ગાંધીજીએ આડકતરી રીતે ચૂંટણીના આ પરિણામ માટે બોગસ ડેલીગેટોને જવાબદાર ઠરાવ્યા પરંતુ એમણે ઉમેર્યું કે સુભાષબાબુ આ દેશના દુશ્મન નથી એમને દેશ માટે સહન કર્યું છે એમનો ખ્યાલ છે કે એમની જ નીતિ સૌથી આગળપડતી સાહસિક છે હવે લઘુમતી માત્ર એમના પ્રત્યે સફળતાની શુભેચ્છા જ વ્યક્ત કરી શકે શક્ય હોય તો એમણે સુભાષબાબુની બહુમતીને વધારે મજબૂત બનાવવી જોઈએ પણ એમ ન કરી શકે તો એમણે દૂર રહેવું જોઈએ અને કોઈ પણસંજોગોમાં અવરોધ પેદા ન કરવા જોઈએ હું કોંગ્રેસીઓને યાદ આપવા માગું છું કે જે લોકોનું માનસ જ કોંગ્રેસનું છે તેઓ એક યોજના પ્રમાણે કડવાશ વિના અને દેશની વધારે સારી સેવા માટે બહાર રહેશે તો તેઓ કોંગ્રેસનો વધુ પ્રબળ અવાજ બની રહેશે આગળ શું થયું ત્રિપુરી અધિવેશન વખતે શું થયું આ વિશે અલગ પ્રકરણની જરૂર છે ૦૦૦ સંદર્ભઃ the indian annual register jan june 1939 vol i https www marxists org history international comintern sections britain periodicals labour_monthly 1939 05 x01 htm like loading author dipak dholakia posted on 29 10 2020 01 11 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 10 india slavery and struggle for freedom part 4 chapter 9 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૯ કચ્છ અને અન્ય રજવાડાંઓમાં જનતાના સંઘર્ષ આમ તો દેશી રજવાડાંઓમાં આઝાદીનો પવન ૧૯૨૦ના અસહકાર આંદોલન પછી જ ફુંકાવા લાગ્યો હતો અને અનેક રાજ્યોમાં લોકોની લોકશાહી આકાંક્ષાઓ જાગી ઊઠી હતી સૌરાષ્ટ્રમાં રાજકીય પરિષદની સ્થાપના સાથે પ્રજાકીય અવાજ બુલંદ થવા લાગ્યો હતો પરંતુ કચ્છમાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ વ્યાપક હતું કામધંધાને લઈને લોકો મુંબઈથી માંડીને આફ્રિકા સુધી પહોંચ્યા હતા વિસ્તાર ઘણો મોટો એટલે વસ્તી પાંખી આમ કચ્છ રાજ્ય ભૌગોલિક રીતે દેશથી કપાયેલું હતું એટલે દેશના બીજા પ્રવાહોની અસર ત્યાં જરા ધીરે ધીરે પહોંચતી હતી કચ્છના મહારાવશ્રી ખેંગારજીના લગભગ સાઠ વર્ષના શાસન કાળમાં એકંદરે શાંતિ રહી હતી પણ એમનું વલણ રૂઢિચુસ્ત એટલે જે ચાલે છે તેમાં સમય આવ્યે ફેરફાર થાય તો ભલે બાકી ફેરફાર માટે બહુ મહેનત ન કરવી એવું એમનું માનસ હતું આમ છતાં ૧૯૨૫માં ગાંધીજી કચ્છની મુલાકાતે આવ્યા તે પછી પલટો આવવા લાગ્યો હતો તે પછી ૧૯૨૬માં કચ્છી પ્રજાકીય પરિષદની મુંબઈમાં સ્થાપના થઈ એમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષના નેતા યૂસુફ મહેર અલીની પ્રેરણા રહી મહેર અલી મૂળ કચ્છ મુંદ્રાના ખોજા પરિવારના એટલે રાષ્ટ્રીય સ્તરે ટોચના નેતાઓની હરોલમાં પહોંચ્યા તેમ છતાં માદરેવતનનો પ્રેમ છૂટ્યો નહોતો શેઠ શૂરજી વલ્લભદાસ વગેરે મુંબઈ વસતા કચ્છી આગેવાન વેપારીઓએ એમાં અગત્યનો ભાગ ભજવ્યો કચ્છવાસી આગેવાનોનું દૃષ્ટિબિંદુ જુદું હતું એમનું માનવું હતું કે કચ્છ માટેની પ્રજાકીય કાર્યવાહી કચ્છમાંથી જ થવી જોઈએ આથી ગુલાબશંકર ધોળકિયા કાન્તિપ્રસાદ અંતાણી વગેરે નેતાઓના પ્રયાસોથી ૧૯૩૯માં મુંદ્રામાં પરિષદનું પહેલું અધિવેશન ગુલાબશંકર ધોળકિયાના પ્રમુખપદે મળ્યું એમાં કચ્છમાં જવાબદાર રાજતંત્રની માગણી કરવામાં આવી પ્રજાની વાચા જેવા એક્માત્ર અખબાર જયકચ્છ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા પણ એના તંત્રી ફૂલશંકર પટ્ટણીએ જીએરા જીવે રાજા ના નામે નવું છાપું શરૂ કર્યું એમની સામી રાજદ્રોહના કેટલાયે કેસો થયા પરિષદના બે નેતાઓ કાન્તિપ્રસાદ અંતાણી અને જમનાદાસ ગાંધીને રાજ્યે ખોટા કેસોમાં ફસાવીને જેલમાં ગોંધી દીધા બન્ને નેતાઓ જેલમાં પ્રવેશ્યા કે તરત જ એમના પર વૉર્ડરો તૂટી પડ્યા અને ઢોરમાર માર્યો પરિષદે આની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું અને અંતે રાજ્યે એમને છોડી મૂક્યા ૧૯૪૨ની ઑગસ્ટ ક્રાન્તિમાં પણ ક્ચ્છના વિદ્યાર્થીઓએ લોકોને જગાડવા માટે દેશી બોંબ બનાવવા જેવાં કેટલાંક કામો કર્યાં આમ કચ્છનું રાજકારણ દેશવ્યાપી રાજકારણ સાથે સૂર તાલ મેળવતું થઈ ગયું પરંતુ એ સંઘર્ષ ૧૯૪૭ના જાન્યુઆરીમાં દેશને આઝાદી મળી તેનાથી થોડા મહિના પહેલાં જ કામયાબ થયો અને મહારાવશ્રી વિજયરાજજી પ્રજાના પ્રતિનિધિઓની સમિતિ નીમવા સંમત થયા ગુજરાતમાં વડોદરા અને ભાવનગર બે જ રાજ્યો એવાં હતાં જ્યાં શાસકો પ્રગતિશીલ હતા અને એમણે લોકોની રાજકીય ભાગીદારી માટે દરવાજા ખોલી નાખ્યા અહીં પ્રજાકીય પરિષદો આદરને પાત્ર કામો કરતી રહી રાજસ્થાન રાજસ્થાનમાં પણ ૧૯૨૦થી જ જાગીરદારોના અત્યાચારો સામે ખેડૂતો આંદોલનો ચલાવતા હતા પરંતુ ખરું જોશ તો હરિપુરાના કોંગ્રેસ અધિવેશન પછી આવ્યું ૧૯૩૮માં કોંગ્રેસ પ્રમુખ સુભાષચન્દ્ર બોઝે જોધપુરની મુલાકાત લીધી તે પછી તો ઠેકઠેકાણે પ્રજામંડળો સ્થપાવા લાગ્યાં જયપુર અને બૂંદીમાં પ્રજામંડળોની સ્થાપના ૧૯૩૧માં અને મારવાડ પ્રજામંડળની સ્થાપના ૧૯૩૪માં જ થઈ ગઈ હતી એ જ રીતે ધોલપુર અને બીકાનેરનાં પ્રજામંડળો ૧૯૩૬માં બન્યાં પણ તે પછી શાહપુરા મેવાડ અલવર ભરતપુર કરૌલીમાં ૧૯૩૮માં સિરોહી અને કિશનગઢમાં ૧૯૩૯માં કુશલગઢમાં ૧૯૪૨માં બાંસવાડામાં ૧૯૪૩માં ડૂંગરપુરમાં ૧૯૪૪માં પ્રતાપગઢ અને જેસલમેરમાં ૧૯૪૫માં અને ઝાલાવાડમાં ૧૯૪૬માં પ્રજામડળની સ્થાપના થઈ માત્ર એક દોઢ દાયકાના ગાળામાં આખું રાજસ્થાન દેશના મુખ્ય સંઘર્ષ સાથે જોડાઈ ગયું ૧૯૩૭ પહેલાં બનેલાં પ્રજામંડળો પણ શરૂઆતના દિવસો પછી નિષ્ક્રિય થઈ ગયાં હતાં પણ ૧૯૩૭ આવતાં સુધીમાં બધાં ફરી સક્રિય થઈ ગયાં એક પણ જગ્યાએ પ્રજામંડળોને માન્યતા ન અપાઈ અને એ ગેરકાનૂની સંગઠન તરીકે કામ કરતાં રહ્યાં આ બધાં આંદોલનો ૧૯૪૭ સુધી ચાલતાં રહ્યાં ભારત છોડો આંદોલન દરમિયાન બાલમુકુંદ બિસ્સાએ જેલમાં ઉપવાસ કર્યા અને આઠ દિવસ પછી એમનું અવસાન થયું ૧૯૪૭માં ડાબડામાં કિસાન સંમેલન મળ્યું તેના પર રાજના માણસોએ હુમલો કર્યો તેમાં ચુનીલાલ શર્મા અને બીજા ચાર ખેડૂત શહીદ થયા ઉત્તર ડૂંગરપુર રાજ્યમાં સેવા સંઘ નામની સંસ્થા સ્કૂલોનો વહીવટ સંભાળતી હતી એ બંધ કરાવવા પ્રજામંડળે આંદોલન કર્યું રાસ્તાપાલ ગામે પોલીસના ગોળીબારમાં કોળી જાતિના નાનાભાઈ ખાંટ અને એમની બહેન કાલીબાઈના જાન ગયા ઓરિસ્સા ઓરિસ્સા હવે ઓડીશા માં ૧૯૩૫ના કાયદામાં સૂચવેલા ફેડરેશન રાજાઓ માટે અનામત ૪૦ ટકા સીટો સામે શરૂઆતથી જ વિરોધ હતો કોંગ્રેસ સમાજવાદીઓ અને સામ્યવાદીઓને સમજાયું કે ફેડરેશન બનશે તો સામંતી વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને સામાન્ય પ્રજાની સ્થિતિ વધારે બગડશે ફેડરેશન બનવાની આશામાં જાગીરદારોએ દમનનો દોર છૂટો મૂકી દીધો હતો નીલગિરિ અને ઢેંકાનાલ જાગીરોના લોકોએ પહેલ કરી તે પછી બીજા લોકો પણ જોડાયા એક સમય પછી ઓરિસ્સાના ખૂણે ખૂણે સામંતી વ્યવસ્થા સામે જનતાનો આક્રોશ ભડકી ઊઠ્યો હતો ૧૯૩૮માં નીલગિરિમાં પ્રજામંડળની રચના થયા પછી લોકો નાગરિકતા જેવા પ્રાથમિક અધિકાર માટે માંગ કરવા લાગ્યા નીલગિરિના જાગીરદાર કિશોરચન્દ્ર મર્દરાજ હરિચંદન અને પોલિટિકલ એજ્ન્ટને વિનંતિ પત્રો મોક્લાયા પણ કંઈ ન વળતાં લોકોએ અહિંસક સત્યાગ્રહનો માર્ગ લીધો રાજાએ એમની સામે સખત હુકમો કાઢ્યા પણ લોકો હવે માનવા તૈયાર નહોતા આના પછી લોકોની જાહેર સભાઓનો દોર શરૂ થઈ ગયો આમાં ઓરિસ્સાની બહારના કોંગ્રેસી નેતાઓ બળવંત રાય મહેતા અમૃતલાલ શેઠ અને જમનાલાલ બજાજ સીધા જ સંકળાયેલા હતા નેતાગીરી કૈલાસચન્દ્ર મોહંતી બનમાલી દાસ હરેકૃષ્ણ મહેતાબ જેવા નેતાઓના હાથમાં હતી લોકોની માગણી હતીઃ રાજ્યના અધિકારીઓ દ્વારા ચલાવાતી વેઠ પ્રથાની નાબૂદી મજૂરોને દહાડીની ચુકવણી વનપેદાશો પરના ભારે કરવેરાની નાબૂદી અને રાજકુટુંબમાં લગ્નો અને એવા પ્રસંગે કર્મચારીઓ પાસેથી પગારની વસુલાત બંધ કરવી એક સભામાં પોલીસે ગોળીબાર કર્યો જેમાં સંખ્યાબંધ લોકો ઘવાયા તે પછી અનેક ધરપકડોનો દોર ચાલ્યો પરંતુ લોકોને શાંત પાડવાનું શક્ય નહોતું અંતે રાજાએ સમાધાન કરી લીધું પરંતુ ફરી ૧૯૩૯માં રાજાએ પ્રજામંડળ પર પ્રતિબંધ મૂકી દીધો એ જ અરસામાં બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં આંદોલન ધીમું પડી ગયું તાલચેરમાં રાજાએ લોકોનાં ખેતરો પર કબજો કરી લીધો હતો અને સ્ત્રીઓનાં શીયળ જોખમમાં મુકાયાં હતાં રાજાનું દમન એટલું વધી ગયું હતું કે લોકો વતન છોડીને બ્રિટિશરોને અધીન પ્રદેશોમાં નિર્વાસિત કૅમ્પોમાં રહેવા ભાગી છૂટ્યા હતા કૅમ્પોમાં જ એમણે ગાંધીજીની સલાહ પ્રમાણે સત્યાગ્રહ શરૂ કર્યા હવે બ્રિટિશ હાકેમોને વચ્ચે પડવા જેવું લાગ્યું આંદોલનના નેતા હરેકૃષ્ણ મહેતાબ અને નાયબ પોલિટિકલ એજન્ટ વચ્ચે થઈ પણ રાજાએ એ માનવાનો ઇનકાર કર્યો ઢેંકાનાલમાં રાજા શંકર પ્રતાપ સિંઘદેવના અત્યાચારી શાસન વિરુદ્ધ પ્રજામંડળના નેજા નીચે લોકો સંગઠિત થયા પ્રજામંડળે ૩૯ માગણીઓનું નિવેદન તૈયાર કર્યું પોલીસના અત્યાચારોથી ત્રાસીને લોકો કટક તરફ ભાગવા લાગ્યા કટકમાં એમના ઘણા સમર્થક હતા કટકમાં હવે સભાઓ ભરાવા લાગી એક વાર પોલીસે આવી એક મીટિંગ પર ગોળીબાર કરતાં છ જણ માર્યા ગયા લોકો બ્રાહમણી નદી પાર કરીને ભાગવા માગતા હતા તેમના પર પોલીસે ગોળીબાર કરીને ઘણાને મારી નાખ્યા પણ આ બનાવના પડઘા આખા દેશમાં પડ્યા એની અસર રાજા પર પણ થઈ અને એણે સમાધાનનો રસ્તો લીધો પરંતુ એમાંથી એક પણ વચન પાળ્યું નહીં હૈદરાબાદ હૈદરાબાદ ભારતનું સૌથી મોટું દેશી રાજ્ય હતું નિઝામ ઓસ્માન અલી ખાનને બ્રિટિશ હકુમત તરફથી જોરદાર ટેકો મળતો હતો ૧૯૨૦ના અસહકાર આંદોલનની હૈદરાબાદની જનતામાં પણ ઊંડી અસર પડી હતી અસહકારની સાથે જ ગાંધીજીએ ખિલાફત આંદોલન પણ શરૂ કર્યું હતું અને નિઝામ એનો વિરોધ તો કરી ન હકે એ જ રીતે એ ટેકો પણ આપવા નહોતો માગતો એટલે એણે ઈત્તિહાદ ઉલ મુસ્લિમીન નામનું સંગઠન ઊભું કર્યું કે જે નિઝામને વફાદાર હતું નિઝામના તાબામાં મરાઠવાડા આંધ્રનો અમુક ભાગ અને કર્ણાટક હતાં ૧૯૨૧માં આ ત્રણેયની અલગ કાઉંસિલો બની કાઉંસિલોએ જવાબદાર શાસન ખાનગી શાળાઓ પ્રાદેશિક ભાષાઓની વિસ્તરણની માગણી કરી એને અખબારોમાં બહોળી પ્રસિદ્ધિ મળતાં લોકોનું ધ્યાન હૈદરાબાદ તરફ વળ્યું ૧૯૩૮માં આ ત્રણેય કાઉંસિલોના નેતાઓએ સાથે મળીને હૈદરાબાદ રાજ્ય કોંગ્રેસની સ્થાપના કરી નિઝામે એના પર પ્રતિબંધ મૂકી દીધો આની અસર એ થઈ કે રાજ્યમાં ચાલતી સાંસ્કૃતિક સંસ્થાઓ રાજકીય વિચારોની વાહક બની ગઈ અંતે નિઝામને અમુક સુધારા કરવા પડ્યા પણ એને કોંગ્રેસ પરથી પ્રતિબંધ ન હટાવ્યો નિઝામે વંદે માતરમ ગાવા પર પણ પ્રતિબંધ લાગુ કર્યો હતો પરંતુ એને કારણે વિદ્યાર્થીઓ વંદે માતરમ ગાતા રસ્તા પર આવી ગયા આવાં આંદોલનો આગળ જતાં ભારત છોડો આંદોલન સાથે ભળી ગયાં એમણે ઑગસ્ટ ૧૯૪૨માં જવાબદાર રાજતંત્રની રચના કરવાની સ્વતંત્ર ભારતમાં રાજ્યને ભેળવી દેવાની નાગરિક અધિકારોની અને કોંગ્રેસ પરથી પ્રતિબંધ હટાવી લેવાની માગણી કરી બ્રિટિશ હકુમતનો ટેકો હોવા છતાં અંતે નિઝામે નમતું મૂક્યું અને ૧૯૪૬માં કોંગ્રેસને માન્યતા આપી પ્રજામંડળ આંદોલનો કોંગ્રેસના સંઘર્ષ અને સિદ્ધાંતો પ્રમાણે જ ચાલ્યાં અને લોકોએ જાતે ચલાવ્યાં ૦૦૦ સંદર્ભઃ https www divyabhaskar co in news guj mat latest mundra news 085512 1250997 nor htmlhttps govtexamsuccess com praja mandal movement part 1 click to access 09_chapter 205 pdf https selfstudyhistory com 2015 02 13 praja mandal movements in princely states like loading author dipak dholakia posted on 22 10 2020 25 10 2020 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ વેબગુર્જરી dipak dholakia india slavery and struggle for freedom webgurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 9 india slavery and struggle for freedom part 4 chapter 8 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૮ દેશી રાજ્યોમાં પ્રજાકીય આંદોલનો ૧ રાજકોટ સત્યાગ્રહની નિષ્ફળતા હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસે દેશી રાજ્યોમાં પ્રજાકીય આંદોલનોને ઉત્તેજન આપવાનો નિર્ણય કર્યો જો કે દેશી રાજ્યોનાં પ્રજાકીય સંગઠનોને કોંગ્રેસ નામ આપવું કે નહીં તે વિશે અવઢવ હતી અંતે કોંગ્રેસને એનાથી દૂર રાખ...
|