Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ Dam વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
the, morbi, disaster, no, one, had, tongue, to, speak, પુસ્તકનો, પરિચય, ઉત્પલ, સાંડેસરા, અને, ટૉમ, વૂટન, dipak, લેખકો, dholakia, spam, blocked, ટૅગ, dam, લેખકોઃ, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats,
Text of the page (most frequently used words):
અને (119), પાણી (55), હતા (55), હતી (53), હતો (48), હતું (46), માટે (40), ગયા (35), બંધ (34), એમણે (31), ઓક્ટોબર (28), નવેમ્બર (28), ડિસેમ્બર (28), જાન્યુઆરી (28), પછી (28), ઓગસ્ટ (27), એમને (27), જુલાઇ (26), સપ્ટેમ્બર (26), મચ્છુ (26), માર્ચ (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2020 (24), 2021 (24), 2023 (24), 2024 (24), જાય (24), પરંતુ (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2013 (22), 2015 (22), હોય (22), સાથે (20), હતાં (20), આવી (19), સામે (19), કામ (19), ત્યાં (19), 2022 (18), એટલે (18), કરી (18), સુધી (17), મુખ્ય (17), 2011 (16), મોરબી (16), કહ્યું (16), ગયું (16), એમની (16), મોરબીની (15), તરફ (15), 2014 (14), disaster (14), બંધની (14), 2025 (13), નથી (13), ત્યારે (13), નહોતું (13), લોકો (13), બીજા (13), morbi (12), પાસે (12), ડૅમ (12), નહીં (12), બની (12), આવ્યા (12), બધા (12), કરે (12), થાય (12), કરતાં (12), બહુ (12), હવે (11), માત્ર (11), નજર (11), કોઈ (11), નહોતી (11), તેના (11), શરૂ (10), સૌરાષ્ટ્ર (10), સરકારે (10), નહોતો (10), મોરબીના (10), આવ્યો (10), શકે (10), કઈં (10), હજી (10), ગુજરાત (10), ફુટ (10), પાણીની (10), વરસાદ (10), ડેમ (10), ઇજનેર (10), લોકોને (10), નાકાં (10), dipak (9), કરીને (9), આવે (9), બહાર (9), ફરી (9), એના (9), ત્રણ (9), એમાં (9), પહેલાં (9), રિપોર્ટ (9), ગયો (9), martyrs (8), freedom (8), struggle (8), the (8), અહીં (8), ડૂબી (8), એમનું (8), તેની (8), વધારે (8), અંદાજ (8), વાગ્યે (8), dholakia (7), indian (7), સંદેશ (7), વાત (7), આજે (7), મોરબીમાં (7), તરત (7), સૌથી (7), એની (7), એને (7), જવા (7), ઉત્પલ (7), કરવામાં (7), ગરનાળું (7), દરવાજા (7), ગયાં (7), ચાર (7), જવાબદારી (7), શું (7), દીવાલ (7), નીકળી (7), પહોંચ્યા (7), કેશુભાઈ (7), એમના (7), કંટ્રોલ (7), કરવા (7), dam (6), રહી (6), પાણીને (6), સાંજે (6), ઘરે (6), લાગી (6), કહે (6), દીધું (6), કેમ (6), જશે (6), ટૉમ (6), સરકારી (6), રીતે (6), લીધો (6), પડી (6), તેમ (6), કેટલું (6), ધસી (6), ભારે (6), જતું (6), એવી (6), બરાબર (6), બીજી (6), ધ્યાન (6), મહેતા (6), ટ્રક (6), નાયબ (6), રહ્યા (6), આવ્યું (6), પહોંચી (6), કલેક્ટર (6), દિવસ (6), સવારે (6), નીચે (6), લાગ્યું (6), લક્ષ્મણ (6), કરો (5), like (5), મારી (5), બારી (5), નવી (5), શોધો (5), uncategorized (5), email (5), utpal (5), tom (5), આપણે (5), થયું (5), માઇલ (5), લગભગ (5), વિચાર (5), અમુક (5), કારણ (5), રતિલાલ (5), આપી (5), અનેક (5), મોટા (5), આગળ (5), સૌરાષ્ટ્રમાં (5), કારણે (5), બાજુ (5), કનુભાઈ (5), બનીને (5), આખો (5), રહ્યું (5), પરિચય (5), સાંડેસરા (5), જોધપર (5), પડે (5), મળી (5), જગ્યાએ (5), cwpcના (5), જવાબ (5), પાણીનો (5), માહિતી (5), તેમાં (5), જતી (5), વિરોધ (5), કર્યો (5), નહોતા (5), તેઓ (5), સ્થિતિ (5), કરતા (5), રૂમમાં (5), હાલત (5), બેનરજીએ (5), રહેતા (5), આખા (5), અમે (5), જોયું (5), થોડી (5), ખોલી (5), ઘરમાં (5), અંદર (5), પડ્યાં (5), પોતાની (5), તારીખે (5), રાહત (5), પ્રધાન (5), જાણ (5), બેનરજી (5), this (4), other (4), blocked (4), spam (4), address (4), adventurous (4), subhashbabu (4), ટિપ્પણીઓ (4), tags (4), categories (4), posted (4), author (4), loading (4), રાજ્ય (4), કિલોમીટર (4), વાંકાનેર (4), મચ્છુને (4), નવો (4), ઠાકોર (4), સલાહ (4), મૅયર (4), સૌરાષ્ટ્રના (4), પાર (4), મળે (4), નદી (4), વીસ (4), જઈને (4), જોવા (4), આપે (4), આરામ (4), બદલે (4), મંદિરમાં (4), પટેલ (4), પડ્યા (4), એટલું (4), નજરે (4), એમનો (4), છતાં (4), હું (4), છું (4), માંડ (4), પરથી (4), લેખકો (4), વાણિયણ (4), one (4), had (4), tongue (4), speak (4), પુસ્તકનો (4), ખર્ચ (4), જગ્યા (4), cwpcએ (4), રજુ (4), પડશે (4), ૦૦૦ (4), નક્કી (4), બંધમાં (4), મુંબઈ (4), કરવાનો (4), ધ્યાનમાં (4), તરીકે (4), રાખવાની (4), ખરાબ (4), વાર (4), મોટું (4), વહેવા (4), તૂટી (4), કયાસ (4), એનો (4), બાજુની (4), જવાનો (4), ઘણા (4), ખાસ (4), જરૂર (4), જેટલું (4), ક્ષમતા (4), વચ્ચે (4), બન્ને (4), વૂટન (4), મહેતાએ (4), એવો (4), મહેનત (4), રાજકોટમાં (4), શક્યા (4), કલાક (4), શકાય (4), ભરાઈ (4), રસ્તા (4), ચડી (4), પાછા (4), છોડીને (4), રસ્તો (4), હાથ (4), સમાચાર (4), વગેરે (4), ખોલવાના (4), પોતાના (4), નહોતાં (4), જનરેટર (4), લાગ્યાં (4), થયા (4), હાથમાં (4), હોત (4), એમનાં (4), ચોવીસ (4), પ્રધાને (4), બપોરે (4), ધીમે (4), મોજું (4), wordpress (3), com (3), join (3), 180 (3), subscribers (3), blog (3), બાંધવાની (3), ઊભી (3), છીએ (3), અલગ (3), દૂર (3), અઢી (3), દરખાસ્ત (3), ઘણાં (3), સમજી (3), રહેશે (3), આવીને (3), સિવાય (3), જમીન (3), મને (3), શહેર (3), ચારે (3), કાલે (3), જવું (3), દિવસે (3), ઊંચી (3), ચાલે (3), દક્ષિણ (3), ખતીજાબેન (3), પ્રતાપભાઈ (3), પહેલું (3), ઉચ્ચ (3), પ્રવાહ (3), બેઠા (3), લાગે (3), હોનારતની (3), શાપ (3), કદી (3), યાદ (3), પડ્યો (3), મથે (3), morvi (3), લીલાપર (3), બધી (3), વાતો (3), ખેતરો (3), વાંધો (3), રાજ્યના (3), ઇજનેરોએ (3), પાછળ (3), ભલામણ (3), ફરજ (3), ગામો (3), કર્યું (3), લંબાઈ (3), યુનિટ (3), મળ્યા (3), સરકારની (3), દ્વિભાષી (3), વિશે (3), કરવાની (3), સરકારના (3), ૧માંથી (3), વહી (3), તેનો (3), જાવક (3), સમયે (3), રહે (3), ઉપરાંત (3), એકીસાથે (3), માટીની (3), દીવાલો (3), સપાટી (3), ગાબડું (3), પૂર (3), જોખમો (3), રાતના (3), ઉત્તર (3), જેટલો (3), નાખી (3), જોતા (3), જ્યાં (3), થઈને (3), પુલ (3), હિંમત (3), ફોન (3), થયો (3), ખાલી (3), મોકલી (3), અધીક્ષક (3), કાર્યપાલક (3), આટલું (3), કર્મચારીઓને (3), સલામત (3), ગુજરાતના (3), થોડા (3), વર્ષો (3), વિસ્તારો (3), નીચાણવાળા (3), ઑગસ્ટની (3), લક્ષ્મણે (3), ખોલવા (3), દીધો (3), આખી (3), ફ્યૂઝ (3), કર્યા (3), ચાલુ (3), સતત (3), દિવસની (3), પડ્યું (3), વીજળી (3), મળતાં (3), જલદી (3), હશે (3), વાયરલેસ (3), પહોંચ્યો (3), નાખવાં (3), મૅકેનિક (3), ગોકળદાસ (3), ઘરની (3), મળ્યું (3), જતા (3), ચાલતા (3), દસમી (3), વરસાદે (3), વળી (3), સમય (3), એવાં (3), પહેલા (3), હજાર (3), ભુલાવી (3), દીધી (3), આપણી (3), દુર્ઘટના (3), કોણ (3), હોનારત (3), માગણી (3), માટી (3), ખેતીવાડી (3), આપ્યો (3), ખાને (3), સચિવ (3), ૧૨મી (3), માંકડે (3), એવા (3), વજેપર (3), ફુટનું (3), જમણી (3), કોંક્રીટના (3), site (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), 110 (2), 358 (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), સંગ્રહ (2), india (2), and (2), enter (2), your (2), આવો (2), દ્વારા (2), xxx (2), સૌરાષ્ટ્રનું (2), ૧૯૫૫માં (2), મોરબીથી (2), દોઢ (2), લાંબો (2), આનો (2), આસપાસનાં (2), લખધીરજીને (2), પ્રમાણે (2), સવાલ (2), મુજબ (2), વિશ્વેસરૈયાએ (2), માળિયા (2), અખાતમાં (2), અરબી (2), મચ્છુના (2), ચોમાસું (2), માંડે (2), સખત (2), દેસાઈને (2), જાહેર (2), જીવનમાં (2), સાતમ (2), જોઈએ (2), આવશે (2), દેખાય (2), લીલાપરથી (2), ચડે (2), વાલેરા (2), સંગીત (2), કુટુંબમાં (2), પેઢીઓ (2), નાના (2), મેઇન (2), પાનનો (2), પ્રકરણ (2), સજ્જ (2), જઈએ (2), સુંદર (2), સૂરજ (2), ચડ્યો (2), થવા (2), જીવન (2), ચાલતું (2), બફેલો (2), બ્રિજ (2), વણથંભ (2), કાંસાના (2), પોતાનાં (2), ટ્રાફિક (2), માંડીને (2), બાળકોને (2), આંખ (2), કથા (2), એનાં (2), શાપને (2), નોકરશાહીએ (2), જાણે (2), લીધી (2), અંકિત (2), થયેલા (2), લાવે (2), શરૂઆતમાં (2), મૂક્યું (2), નદીએ (2), જોઈને (2), ૧૯૬૦ના (2), ખબર (2), સર્વે (2), બધો (2), ત્રણેય (2), બીજે (2), જવાની (2), ઊતરી (2), નદીનાં (2), જગ્યાઓ (2), ક્રમશઃ (2), બનાવવાથી (2), ગામ (2), બંધને (2), કેટલાયે (2), રેલમાર્ગો (2), પ્રમાણ (2), કહી (2), સરકારને (2), cwpcની (2), જવાનું (2), જળાશયમાં (2), ક્યૂસેકનો (2), બાંધવાનું (2), ત્રીસ (2), આપવા (2), ક્યૂસેક (2), મહત્વની (2), અનુભવ (2), આશરો (2), હાઇડ્રોગ્રાફ (2), પહેલી (2), પાંચ (2), વર્ષ (2), જોઇએ (2), ૧૯૫૭માં (2), cwpcનો (2), આખું (2), રાજ્યમાં (2), સમાઈ (2), આથી (2), અમલ (2), વર્ષમાં (2), cwpc (2), તરફથી (2), એકાદ (2), ખોટો (2), મોટી (2), આંકડો (2), શક્ય (2), જેટલી (2), વધુ (2), નદીમાં (2), જુદા (2), તેનું (2), માપ (2), આવતા (2), માટેની (2), યોગ્ય (2), આને (2), ઘસારો (2), ઢોળાવ (2), જ્યાંથી (2), વરસાદમાં (2), ઘણી (2), ભેખડો (2), પડતી (2), સરોવર (2), છલકાઈ (2), દીવાલોની (2), ઉપરથી (2), પરિણામ (2), નુકસાન (2), બંધનું (2), કાઢવાનો (2), ડિઝાઇન (2), ફ્લડ (2), ઓછામાં (2), ઓછા (2), આંકડા (2), ૨ના (2), નાકાવાળું (2), આવા (2), આમાં (2), મધ્યમ (2), નિર્માણમાં (2), કાળજી (2), પાવર (2), કોંક્રીટનો (2), ભાગ (2), બાકી (2), થોડો (2), ડ્રાઇવર (2), સાડાનવે (2), અડધા (2), ઉપાય (2), દાયકાઓ (2), સંતોષ (2), ટેલીફોન (2), પરના (2), કર્મચારીઓ (2), આંખો (2), ફાટી (2), વળ્યું (2), પાણીમાં (2), જોતજોતામાં (2), સનાળા (2), કલ્પના (2), સાતેક (2), ઇજનેરને (2), કેશુભાઈએ (2), છોડ્યા (2), રહ્યો (2), સપડાયેલા (2), નીકળ્યા (2), કલાકથી (2), ફસાઈ (2), ઓચિંતા (2), ડેમની (2), પોતે (2), વખત (2), મળ્યો (2), પાણીએ (2), હાહાકાર (2), મચાવ્યો (2), ખસેડવાનું (2), ચહેરા (2), બોલાવી (2), લીધા (2), સ્થળે (2), વચ્ચેથી (2), નવાગંતુક (2), વરસાદને (2), સંકટ (2), તૈયારીમાં (2), જળબંબાકાર (2), જોયા (2), જાન (2), તૈયાર (2), ૧૧મી (2), ગામમાં (2), ખુલતાં (2), શાફ્ટ (2), ખોલવાની (2), કોશિશ (2), ઘણું (2), રાત (2), ઉલ્ટું (2), તેને (2), રાતે (2), કાન (2), આપતાં (2), ઇલેક્ટ્રીશિયન (2), હાથે (2), પંદર (2), ઊડી (2), જેવી (2), દરમિયાન (2), ઊછળતા (2), ઓછું (2), સાથીઓ (2), ખોરવાઈ (2), સફાળા (2), ગેટ (2), છેવટે (2), પૂરા (2), ખૂલી (2), હતોઃ (2), વારમાં (2), કાપીને (2), લક્ષ્મણભાઈ (2), અંધારામાં (2), જળાશય (2), પસાર (2), ધારાસભ્ય (2), કૉલોની (2), વટાવીને (2), વખતે (2), છાંટા (2), ભરાયાં (2), પત્ની (2), જોતાં (2), પરમારે (2), આવેલા (2), કૉલેજના (2), સુમારે (2), વહેલા (2), થયાં (2), ઘરબાર (2), ટાઇગર (2), દિવસથી (2), આનંદ (2), મંદિર (2), અડરોજા (2), દિવસમાં (2), સાથીઓને (2), છેલ્લા (2), ખાતા (2), કલાકનો (2), રાખી (2), જોખમ (2), ઘરો (2), ઘરોની (2), નામ (2), સાત (2), ભાઈ (2), કરૂં (2), સમાપ્ત (2), ઇતિહાસની (2), ઘટનાને (2), આપણા (2), ભૂલી (2), ભવિષ્યમાં (2), પરિકલ્પના (2), મેન્ટેનન્સમાં (2), ખામી (2), અધિકારીઓએ (2), કરેલી (2), કાર્યવાહી (2), જવાબદાર (2), એવું (2), આપવો (2), તપાસ (2), ન્યાયિક (2), આંક (2), ઓગસ્ટે (2), દુકાન (2), બંધાવી (2), અંધારપટ (2), સોંપી (2), બાબુભાઈએ (2), જાઓ (2), ઓફિસમાં (2), ખાન (2), મોરબીને (2), બનાવી (2), બાબુભાઈ (2), પડતાં (2), પોલીસ (2), કમાન્ડન્ટ (2), હોમગાર્ડ (2), મોતના (2), બચી (2), બચ્યું (2), સીડી (2), બધું (2), મકાનોના (2), મહાસાગરની (2), ભરખી (2), બાજુથી (2), સમજાઈ (2), design, with, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, મહિનો, પસંદ, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, slavery, for, 139, history, વિભાગ, જોડાઈ, જાવ, subscribe, receive, notifications, new, posts, ઈમેઈલ, સબસ્ક્રાઈબ, quit, gandhiji, oceanic, circle, 1942, તાજેતરના, લેખ, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, જરૂરિયાત, સંતોષવા, બીજો, બનવાનો, કરીએ, અટકીએ, ૧૯૨૦માં, આઝાદી, બન્યું, બાંધ્યો, લાભ, વાંકાનેરની, ગામોને, મળવાનો, પહેલો, નાથવાનો, છેક, ૧૯૨૦ના, અરસામાં, રાજા, બાંધવાનો, ભારતના, સર્વમાન્ય, નિષ્ણાત, એન્જીનિયર, વિશ્વેસરૈયાને, તેડાવ્યા, પડતો, મેલ્યો, વખતના, દસ્તાવેજો, બાંધવા, જોઈતાં, નાણાંની, ખેંચ, લખધીરજીએ, માંડી, વાળ્યું, વાંકાનેરનાં, ગામડાં, સાર્વભૌમત્વનો, દેસાઈના, માનવા, કહેવાય, રોકી, તોપનું, નાળચું, કાયમ, તકાયેલું, દ્વીપકલ્પની, ફરતે, આવેલી, ડૂંગરોની, હારમાળામાંથી, ઝરણાં, ફૂટે, લીલાં, જંગલો, ઝરા, વાંકાનેરથી, વધીને, પ્રવેશે, પહોળાઈ, ફર્લાંગ, ૨૫૦, મીટર, વરસમાં, ભાગે, કોરી, કીચડ, ગારા, હોતું, કચ્છના, ઠલવાય, ચોમાસામાં, ભરાતાં, સમુદ્ર, એકાકાર, જાતની, માછલીઓ, મુખપ્રદેશમાં, વીતતાં, કચ્છનો, અખાત, સુકાવા, ખારાપાટની, શોષી, આવાં, પાત્રો, આપણને, સમાજજીવનનો, ચિતાર, મળીએ, અચકાતા, જનસેવા, પ્રભુસેવા, સગાવાદ, લાગવગ, ચશમપોશી, રુશ્, વતખોરીના, પ્રખર, વિરોધી, કોઈકને, કોઈક, મ્યુનિસિપાલિટી, રુશ્વતના, કીચડથી, ખરડાયેલી, દેસાઇને, મોરબીએ, આદર્શ, દરજ્જો, જાળવી, રાખ્યો, ઉત્સાહ, રાંધણ, રસોડાંને, શીતળા, માતાજીને, ઊનું, ફાવે, ચૂલો, ઠંડો, ટાઢું, ખાવાનું, રંધાઈ, પરમ, જન્માષ્ટમી, કૃષ્ણ, કનૈયાના, જન્મનો, ઓચ્છવ, મસ્ત, બધાંનાં, ઉમગે, કુબાવત, કદકાઠી, સેંથી, પાડીને, ઓળેલા, વાળ, મોઢામાં, પાન, ઠસોઠસ, ભર્યું, ઉત્તરે, શિક્ષક, તાલીમ, કૉલેજમાં, ભણાવે, દક્ષિણમાં, પેન્ટને, ધોતીમાં, સેવાનું, ભગવાનજીભાઈ, ખેતીને, ઉદ્યોગમાં, કારોબાર, જમાવ્યો, સિરેમિકનું, ધમધોકાર, ૧૯૭૦ના, દાયકાથી, ઘડિયાળો, દેશની, ભીંતો, સમયની, પ્રહરી, ગોઠવાવા, શેરીમાં, જૂના, જમાનાના, આલીશાન, મકાનમાં, કચરો, વાળતી, સોહામણી, યુવાન, સ્ત્રી, પરિવાર, દરબારી, ગાયક, દિવસો, કુટુંબના, સભ્યો, બીજાં, કામો, ફેલાઇ, શિક્ષણનાં, બોર્ડ, કુટુંબીઓમાં, હરીફાઈ, શૌકતભાઈ, સુરીલા, કોઈકે, સિંદૂર, પિવડાવી, તમને, આડરોજા, માર્કેટ, નાનો, ગલ્લો, કક્ષાનાં, સજીવ, પાત્રાલેખન, જનજીવનનો, કરાવે, ચરિત્રો, જીવતાં, ઊભે, સારી, નવલકથાનાં, તમામ, તત્વોથી, અનાગતના, આભાસ, વાચકના, મનમાં, વ્યાકુળતા, પેદા, દ્વિધામાં, નવલકથા, વળાંક, લેશે, જાણતા, હોવા, અનિચ્છાએ, ભયાવહ, અનાગત, ધકેલાતા, શૈલીની, પીંછી, કેવાં, દૃશ્યો, ઊભાં, દેખાડવા, થોડાં, વાક્યોનો, મુક્ત, સંક્ષિપ્ત, અનુવાદ, આપું, ધૂંધળી, ક્ષિતિજ, ઉપર, દેખાડ્યું, સાવ, સૂકીભાંઠ, જુલાઈ, પૂરો, ગુજરાતમાં, ડોકાયું, પૂર્વવત્, ટ્રાફિકનો, હૉર્ન, વગાડતો, ઊભરાય, આખલા, સિંહાસનો, ઑટોરિક્શાઓનાં, છડિયાં, સાયકલોને, સંભાળીને, ચલાવતા, નિશાળિયા, છોકરાઓ, પતિઓની, ખચાખચ, ઠાંસેલી, મોપેડો, સજ્જડ, વળગાડીને, બેઠેલી, પત્નીઓ, હટાવી, સદીઓની, સમૃદ્ધ, રાજાશાહીના, ભવ્ય, વારસાને, નિરખવાની, ગતિમાન, ચિત્ર, સરકવા, ગોઝારી, ફળ્યો, જાડેજા, વંશનું, રાજ, ફૂલતુંફાલતું, શિલ્પોને, પેરિસ, કરત, કમર, કસી, ભૂતકાળની, ઘટનામાં, ફળેલા, સ્મૃતિઓના, ભંડકિયામાંથી, સાચો, લોકગીત, પુસ્તકની, ભરવા, જિયાજી, ઘોડે, ચડીને, સ્ત્રીને, ચળી, વારવા, ઉપાડી, કૃતનિશ્ચય, અંતે, વહાલી, આપતી, તારૂં, વૂટને, દાયકાની, આડેપર, લખધીરનગરના, નિવાસીઓને, ઑફિસોમાં, ભાવિ, લાભને, ત્રાજવે, તોળાય, ૧૯૫૫થી, દાયકા, પછીયે, ગામવાસીઓને, ગંધ, ખેલ, ગામોની, હજારની, વસ્તીએ, ચોથા, ગામની, ભાગની, ખેતજમીન, ડૂબમાં, કર્મચારીઓના, મોઢેથી, ગામલોકોને, જાણવા, ઘણાની, આંખમાં, અનિશ્ચિત, ભાવિના, ઓળા, ઘરબારને, જળસમાધિ, લેતાં, જોવાનાં, પેટ, ભરતાં, રેલાવાનાં, ખેતીની, નવાં, આજીવિકાનાં, સાધનો, શોધ, આદરવાની, ડૅમની, દલીલો, વાંધાને, ઠોકરે, ચડાવ્યો, ત્રણમાંથી, ખરૂં, બદલીને, જવાથી, કશાં, આપ્યા, વિના, નવા, બનાવવાનો, થશે, વસાવવાનો, ઓછો, ૧૯૬૩માં, સૂચિત, ખર્ચનો, કાઢવાની, વહીં, બનાયેંગે, નારો, બદલવાથી, બીજાંયે, મનગમતું, તારણ, શોધી, કાઢ્યું, વસાવવાં, ચીમકીને, કાને, ધરી, દાયકાના, આરંભે, આધારે, રાખવાના, કુલ, ઊંચાઈ, વાંધાનો, આવકનો, તાબડતોબ, સુધાર્યો, બનાવાયો, હાઇડ્રોગ્રાફની, સદંતર, ઉપેક્ષા, સમજાયું, વરસાદના, અટકળોનો, વાંધા, ૧૯૬૧માં, પત્ર, લખીને, સરકારનો, ઊધડો, અમારી, ટિપ્પણીને, અનુભવજન્ય, આધાર, રાખવામાં, બેકાળજી, ભૂલવું, રાજ્યનું, અસ્તિત્વ, આજનું, રાજ્ય્નું, વિભાજન, ૧૯૬૦માં, ગુજરાતનું, યોજનાની, સમીક્ષા, મોકલાવ્યો, મુદ્દો, સૌરાષ્ત્ર, ઇજ્નેરોની, આકરી, ટીકા, ઇજનેરોનો, ખાટલે, ખોટ, છોડાય, લીધું, ગરનાળામાંથી, આવક, cpwcએ, સૂચવ્યું, ઇજનેરો, લેવાનું, રીત, એકમમાં, ઓળખાય, ઇજનેરોને, સંઘરી, રાખેલું, જાનમાલની, પારાવાર, ખુવારી, મજબૂત, કોંક્રીટથી, દીવાલોમાં, ભંગાણ, માટીના, દુશ્મન, બનતી, અંદરથી, કાચી, ધસમસતું, તાણી, આંતરિક, દીવાલની, બહારની, એકસરખી, ધસમસતો, દીવાલે, ખૂણો, બનાવ્યો, પાડી, લૅન્ડ, સ્લાઇડ, ઓળખાતી, ઘટના, જેવું, પર્વતો, ગાબદું, ફસકીને, ગોઠવાઇ, બાબતોમાં, બેદરકારી, દેખાડવાનું, પડવાથી, બનાવવા, માફકસરની, વધુમાં, કેટલો, સમયમાં, જમા, મેળવીને, હિસાબ, કાઢ્યો, પ્રકારના, એકીવખતે, ભરાયું, મદદે, લેવાયો, કવાયત, પ્રોજેક્ટ્નો, cwpcને, મોકલ્યો, બાંધકામમાં, વસ્તીને, બચાવવાની, કેન્દ્રિત, દીવાલોને, પહોંચે, પ્રોજેક્ટ, મહત્વાકાંક્ષી, નહેરુ, યુગમાં, બનતા, બંધોની, સરખામણીએ, કદનો, ગણાતી, પરનો, ખંતની, માણસજાત, રોકવા, તેટલા, પ્રમાણમાં, રોકાયેલા, વધી, સેન્ટ્રલ, વૉટર, ઍન્ડ, કૉર્પોરેશન, સમક્ષ, બમણો, ૪૩૬, ચોરસ, માઇલનો, જળગ્રાહી, વિસ્તાર, નિરધારવામાં, આટલો, બાંધવામાં, ગંજાવર, હોવાથી, માટીનો, યોજના, બનાવવાનું, તળપ્રદેશમાંથી, થવાની, લેખકોઃ, વધ્યા, ટનબંધ, માટીમાંથી, દીવાલના, છેડેથી, પશ્ચિમ, માટીથી, લથપથ, મેદાન, પશ્ચિમી, હોવી, જોઈતી, વિશાળ, લક્ષ્મણરેખાને, તોડી, ચૂક્યો, રોકવાનો, જોધપરના, અવાજમાં, તિરસ્કાર, તૂટ્યા, બેભાન, ઢળી, બંધમાંથી, સાડાચારે, ડ્રાઇવરે, હંકારવાની, પહોંચીને, રાજકોટ, કલાકો, જૂની, ગાંડીતૂર, મહેતાને, બેસવા, ચાલી, લાઇનો, ખોરવાયેલી, અધિકારીઓનો, સંપર્ક, સાધી, છોડ્યાને, શકતી, જાણી, હતાશાથી, ઊતરે, વરસતા, ઇજનેરે, ઓચિંતું, કુતૂહલ, જોઈ, પગની, ઘૂંટી, ઘૂંટણ, કમરે, માની, માથું, ધુણાવતા, પાણીમાંથી, ઊંચાણમાં, બેઠું, ફર્યા, પ્રશ્ન, અઠવાડિયાંઓ, મહિનાઓ, પુછાતો, સાડાપાંચ, વાહનમાં, સનાળામાં, જવાય, પાટે, ચડ્યું, તજવીજમાં, એવામાં, ગેસ્ટ, હાઉસમાં, ત્યાંથી, કલેક્ટરને, સલામતીની, કલેક્ટરની, રસ્તાઓ, વળ્યાં, સલામતીભર્યું, માન્યા, વાહન, કામમાં, પરોવ્યું, ડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટનો, પૂરનાં, બેનરજીના, સંતોષની, આભા, પ્રગટી, વણસતી, રજાઓ, કામની, મેળવ્યા, ખેતીવાડીપ્રધાન, ઊભા, વહીવટીતંત્ર, નિરીક્ષણ, ગાંધીનગરથી, ખસેડવાના, અમદાવાદથી, હેલીકૉપ્ટર, મેળવી, લીધાં, ઊભું, થવાના, કલેક્ટરે, લશ્કરનાં, મથકોને, નૌકાઓ, વિનંતિઓ, લીલાપરના, લખધીરનગર, ખસી, ખતીજાબેને, સવારના, કામમાંથી, પરવારીને, ઊંચાણવાળા, બજાર, લોકોનાં, પેટનું, હલ્યું, શહેરના, ભાગમાં, હરિજનવાસથી, કબીર, ટીંબાના, લોકોના, જોખમમાં, વજેપરમાં, નાસભાગ, રોડ, ઉતાવળા, ભીડ, વિસ્તારોમાં, કુબાવતનું, કુટુંબ, ખતીજાબેનના, કુટુંબની, સ્ત્રીઓ, સુદ્ધાંએ, દેવાનું, ભયની, શંકા, વાગ્યાની, આસપાસ, ડેમનો, લાવી, ડેમનાં, લોકોની, મદદ, જુવાનિયાઓ, ટ્રકમાં, ફેરવવાની, મથામણ, ગરજતો, ક્રોધિત, મહેરામણ, પગોને, પલાળતો, કલાકેકની, પીઠ, અફળાવા, પડતું, નિવેદનમાં, કેબલ, સાંકળ, બીક, મૂકી, દોષ, આપતા, તૂટવાની, શક્યતાની, ચેતવણી, ડિસ્ટ્ર્રિક્ટ, મૅજિસ્ટ્રેટ, મધરાતે, છોડવું, ત્યાંના, ખસેડવા, સબડિસ્ટ્રિક્ટ, મૅજિસ્ટ્રેટની, દેસાઈ, કામદારો, નિષ્ફળ, પ્રયાસો, સાક્ષી, બન્નેએ, છોડવાનું, ઘટાડવા, પાણીનું, દબાણ, દીવાલથી, કહેવું, જોઈતું, અત્યારે, કદાચ, ખ્યાલ, ૧ની, કેદમાંથી, છૂટેલા, મહાસાગરના, ફુત્કાર, કામદારોના, સાથ, જનરેટરનો, પહોંચતો, ગરનાળાના, લપસણા, માથા, રેલિંગ, પકડીને, એણે, ઇલેક્ટ્રિક, મોટરોની, હાર, સત્તર, નંબરનાં, નાકાંની, મોટરોનાં, ઢાંકણ, ખોલીને, તપાસ્યા, રિપેર, સર્કિટ, સત્તરમા, નાકાની, વીજચુંબકીય, બ્રેક, કલાકની, નાકાંને, માપતા, પાકો, શક્તો, વધતી, સ્થાપિત, થોડું, માનો, થતો, વધતું, સુસ્તી, તોફાનમાં, માથે, ચોંક્યા, કામે, દોડ્યા, આવતાં, રૂમના, કન્સોલ, બટનો, દબાવવા, માંડ્યાં, ખૂલવા, મૅકેનિકે, ધસે, બબ્બે, ખોલ્યાં, અઢારમાંથી, સોળ, પંદરમું, સત્તરમું, મચક, થીઓ, સર્વંસર્વા, ટેલીગ્રાફ, ઑપરેટર, ગરનાળા, હાંફળોફાંફળો, મહેતાનો, છોડાવાનું, ધસમસતાં, માઇલનું, અંતર, આવવાનાં, સાહેબનો, હુકમ, ઈંચ, ખોલેલાં, મોહને, ચૂંચી, પ્રયાસ, સપાટીથી, સામાન્ય, સુપરવાઇઝાર, સૂનો, વારે, કાર, પરમાર, ગાંધીનગરમાં, તંત્ર, લડીને, ફરતા, વર્ગની, શક્તિ, પ્લૉટમાં, પાણીથી, ઊભરાતા, રસ્તાઓને, ટાળીને, કેમે, પરમારની, કારને, કૉલેજ, કઈંક, ચોખ્ખો, શહેરમાં, બથ્થંબથ્થા, કરતી, આખલાઓ, પહોંચતા, મણીમંદિરના, ચોગાનમાં, તાજ, મહેલની, લાલ, કાંપ, એકઠો, મોડું, ઊચક, વાટ, પાસેની, ગલીઓમાં, જોવામાં, ગાળ્યો, ભગવાનની, પૂજા, જમ્યા, સૂવા, વરસતો, પ્રિય, પહોંચતાં, એનું, જુદું, રૂપ, કામવાળી, ચણિયા, પોલકામાં, ધ્રૂજતી, રાહ, જોતી, તરવરતો, બોલી, નાગ, ઘુસી, કામવાળીને, શુક્લસાહેબ, નદીની, પેલે, રાજમહેલની, કાચની, બારીઓ, વરસાદનાં, ટીપાં, જોરથી, અફળાયાં, દરવાજાની, વર્ષોથી, શાંત, રહેલા, બાગમાં, ઝરમર, એકલો, શાંતિનો, ભંગ, કરતો, આર્ટ્સ, પ્રિન્સિપાલ, શુક્લ, સાડાઆઠના, રાજમહેલ, પાસેથી, ઉંમર, પચાસેકની, કદકાઠીને, શોભે, ટટ્ટાર, લખધીરજી, એન્જીનિયરિંગ, પ્રોફેસરે, જમવા, નોતર્યા, પાર્ટી, પુખ્ત, વયનાં, સંતાનો, આઠમના, તહેવારો, એકઠાં, માળિયામાં, ઢળતાં, મિયાણાઓએ, રમઝાનના, રોઝા, વાલેરાના, ઇફતાર, નિરાંતે, રાજાનો, જમાનો, પરિવારના, ગવૈયાઓ, દરબારમાં, મલ્હાર, ગાતા, તારીખની, જરા, પોરો, ખાધો, ઝીણા, મચ્છરિયા, મૂશળધાર, ઉધમ, માળિયાના, શાંતિ, ભાગવું, રહેવું, લીલાપરવાળા, ભગવાનજી, પટેલનો, ક્વાર્ટરમાં, કુબાવતનો, શ્રાવણ, બોળચોથના, આગલા, વણસ્યો, બૈરાં, છોકરાં, થવાનો, માણતાં, શણગારીને, ટોળાં, વધતાં, પહોંચવાની, મોટેરાંઓ, કપડાં, સાચવીને, વહેતું, મોજનો, પૂર્વે, અડરોજાનો, ભૂત, પાનભંડાર, દુકાનોનાં, શટરો, મેઘાડંબર, જામ્યો, દુકાનદારો, ઘરભેગા, રહેતું, દરરોજ, ઈંચથી, રૂમમાંથી, વીજળીક, સાધનોથી, હાથથી, ફેરવીને, મહિનાથી, સાદું, જરૂરી, બંધનાં, નાકાંના, લેવાની, નાખવાના, મુશ્કેલી, સિંચાઈ, મળતી, મર્યાદિત, નદીના, પટમાં, માપવાના, ગેજ, મળવામાં, જતો, સૂઝથી, જળાશયના, કાઢીને, નાખવા, જળાશયની, જેથી, ઓચિંતાં, ખર્ચની, લાભની, ગણતરી, જળાશયને, પૂરી, ભરેલું, રાખવાનું, એંધાણ, બંધના, મોહનનો, રાબેતા, કરવાપણું, કાચાં, સમુદ્રમાં, મોજાં, ઊછળ્યાં, કેટલાંયે, બંદરો, કરવાં, વીજળીના, થાંભલા, લાઈનો, શહેરોના, સંડાસોમાં, રસ્તાની, ગટરોનાં, પહોંચવા, કામધંધા, સંકટના, સામના, હોમગાર્ડને, રાહતકામે, લગાડી, દીધા, કેટલીયે, નદીઓ, કાંઠો, જળાશયો, બંધો, છલકાવા, ભાદર, ડૅમનું, ઊભરાવા, વધારાના, દેવા, ઑગસ્ટના, ગઈગુજરી, ચોથી, બારે, મેઘ
Text of the page (random words):
કળી પડ્યાં હતાં મંદિર તરફ ટોળાં આગળ વધતાં હતાં અને કનુભાઈ ત્યાં પહોંચવાની તૈયારીમાં હતા મોટેરાંઓ તો કપડાં સાચવીને ચાલતા હતા પણ બાળકોને તો વહેતું પાણી મળ્યું એટલે એમની મોજનો તો પાર નહોતો જો કે મોરબીની ઉત્તર પૂર્વે જ્યાં પ્રતાપભાઈ અડરોજાનો ભૂત પાનભંડાર હતો ત્યાં દુકાનોનાં શટરો બંધ હતાં વરસાદ બંધ પડ્યો પણ મેઘાડંબર જામ્યો હતો એટલે અડરોજા અને બીજા બધા દુકાનદારો વહેલા જ ઘરભેગા થઈ ગયા હતા માળિયામાં સૂરજ ઢળતાં મિયાણાઓએ રમઝાનના રોઝા છોડ્યા તો અહીં મોરબીમાં ખતીજાબેન વાલેરાના ઘરમાં પણ ઇફતાર પછી બધા નિરાંતે બેઠા હતા રાજાનો જમાનો હોત તો વાલેરા પરિવારના ગવૈયાઓ દરબારમાં મલ્હાર ગાતા હોત ૦ ૦ ૦ નદીની પેલે પાર રાજમહેલની કાચની બારીઓ પર વરસાદનાં ટીપાં જોરથી અફળાયાં મુખ્ય દરવાજાની અંદર આવેલા વર્ષોથી શાંત રહેલા બાગમાં ઝરમર વરસાદ એકલો જ શાંતિનો ભંગ કરતો હતો એ વખતે મોરબીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ટી આર શુક્લ એમનાં પત્ની સાથે રાતે સાડાઆઠના સુમારે રાજમહેલ પાસેથી થઈને ઘર તરફ જતા હતા એમની ઉંમર હશે પચાસેકની ઊંચી કદકાઠીને શોભે તેમ ટટ્ટાર ચાલતા હતા આજે એમને લખધીરજી એન્જીનિયરિંગ કૉલેજના એક પ્રોફેસરે જમવા નોતર્યા હતા પણ ઘરે જવા માટે પાર્ટી છોડીને વહેલા જ નીકળી આવ્યા હતા કારણ કે એમનાં ચાર પુખ્ત વયનાં સંતાનો સાતમ આઠમના તહેવારો માટે એકઠાં થયાં હતાં વરસાદ એમને પ્રિય હતો પણ ઘરે પહોંચતાં જ એનું જુદું રૂપ જોવા મળ્યું ઘરની કામવાળી ચણિયા પોલકામાં ધ્રૂજતી એમની રાહ જોતી હતી ચહેરા પર ભય તરવરતો હતો બોલી ઘરમાં નાગ ઘુસી આવ્યો છે કામવાળીને શુક્લસાહેબ ઘરમાં લઈ આવ્યા ૦ ૦ ૦ બહાર વરસાદને કારણે રસ્તો સૂનો હતો થોડી વારે એક કાર પસાર થઈ ધારાસભ્ય ગોકળદાસ પરમાર ગાંધીનગરમાં સરકારી તંત્ર સાથે લડીને ઘરે પાછા ફરતા હતા મધ્યમ વર્ગની કૉલોની શક્તિ પ્લૉટમાં એમનું ઘર હતું ડ્રાઇવર પાણીથી ઊભરાતા રસ્તાઓને ટાળીને કેમે કરીને મોરબી પહોંચ્યો હતો ગોકળદાસ પરમારની કારને એલ ઈ કૉલેજ પાસે કઈંક ચોખ્ખો રસ્તો મળતાં બફેલો બ્રિજ વટાવીને શહેરમાં આવ્યા એ વખતે નદી બંધની દીવાલો સાથે બથ્થંબથ્થા કરતી હતી એના છાંટા કાંસાના આખલાઓ સુધી પહોંચતા હતા પુલ પાર કરતાં મણીમંદિરના ચોગાનમાં પાણી ભરાયાં હતાં અને સૌરાષ્ટ્રના તાજ મહેલની લાલ દીવાલો પાસે કાંપ એકઠો થઈ ગયો હતો મોડું બહુ થઈ ગયું હતું અને ઘરે પત્ની ઊચક મને વાટ જોતાં હતાં તો પણ પરમારે ઘરની પાસેની ગલીઓમાં પાણીની સ્થિતિ જોવામાં થોડો વખત ગાળ્યો પછી ઘરે ગયા ભગવાનની પૂજા કરીને જમ્યા અને સૂવા ગયા બહાર વરસાદ વણથંભ વરસતો રહ્યો ૦ ૦ ૦ બંધ પર મૅકેનિક લક્ષ્મણભાઈ મોહને અંધારામાં જ જળાશય પર આંખો ચૂંચી કરીને પાણીનો કયાસ કાઢવાનો પ્રયાસ કર્યો હજી પાણી સૌથી ઊંચી સપાટીથી બે ફુટ નીચે હતું સામાન્ય દિવસ હોત તો સુપરવાઇઝાર પણ હોત પણ આજે લક્ષ્મણ અને એના સા થીઓ જ સર્વંસર્વા હતા રાતના આઠ થયા હશે ત્યારે વાયરલેસ ટેલીગ્રાફ ઑપરેટર ગરનાળા પર લક્ષ્મણ પાસે હાંફળોફાંફળો પહોંચ્યો એના હાથમાં નાયબ ઇજનેર એ સી મહેતાનો સંદેશ હતોઃ મચ્છુ ડૅમ ૧માંથી તરત જ પાણી છોડાવાનું હતું ધસમસતાં પાણી થોડી જ વારમાં ત્રીસ માઇલનું અંતર કાપીને મચ્છુ ડેમ ૨ સુધી પહોંચી આવવાનાં હતાં મહેતા સાહેબનો હુકમ હતો કે ફ્લડ ગેટ માત્ર અમુક ઈંચ ખોલેલાં હતાં તેને બદલે છ ફુટ સુધી ખોલી નાખવાં આખા દિવસની સુસ્તી પછી લક્ષ્મણ અને એના સાથીઓ માટે ભારે કામ આવી પડ્યું તોફાનમાં બંધ પર વીજળી ખોરવાઈ ગઈ હતી અને માથે વરસાદ સંદેશ મળતાં બધા સફાળા ચોંક્યા અને કામે લાગી ગયા બે જણ જલદી જલદી જનરેટર ચાલુ કરવા દોડ્યા વીજળી આવતાં લક્ષ્મણે કંટ્રોલ રૂમના કન્સોલ પર બટનો દબાવવા માંડ્યાં એક પછી એક ગેટ ખૂલવા લાગ્યાં મૅકેનિકે પાણી એકીસાથે બહાર ન ધસે તે માટે પહેલાં તો ત્રણ ત્રણ નાકાં માત્ર બબ્બે ફુટ સુધી જ ખોલ્યાં છેવટે અઢારમાંથી સોળ નાકાં તો પૂરા છ ફુટ ખૂલી ગયાં પણ પંદરમું અને સત્તરમું એમ બે નાકાં મચક આપતાં નહોતાં રાતે સાડાનવે મચ્છુ બંધ ૧ની કેદમાંથી છૂટેલા મહાસાગરના ફુત્કાર અહીં કામ કરતા કામદારોના કાન સુધી પહોંચ્યા અને હજી બે નાકાં સાથ આપતાં નહોતાં એમના સુધી જનરેટરનો પાવર કેમ નથી પહોંચતો તે જોવા માટે ઇલેક્ટ્રીશિયન ગરનાળાના લપસણા માથા પર ચડ્યો એક હાથે રેલિંગ પકડીને એણે બીજા હાથે નીચે ઇલેક્ટ્રિક મોટરોની હાર વચ્ચેથી પંદર અને સત્તર નંબરનાં નાકાંની મોટરોનાં ઢાંકણ ખોલીને ફ્યૂઝ તપાસ્યા બન્ને ફ્યૂઝ ઊડી ગયા હતા એને રિપેર તો કર્યા પણ જેવી સર્કિટ ચાલુ કરે તે સાથે જ ફ્યૂઝ ઊડી જાય તે ઉપરાંત સત્તરમા નાકાની તો વીજચુંબકીય બ્રેક પણ ખરાબ થઈ ગઈ હતી એકાદ કલાકની મહેનત પછી પણ કઈં ન વળ્યું એટલે બે નાકાંને છોડીને ઇલેક્ટ્રીશિયન ઊતરી આવ્યો આ દરમિયાન બીજા બે જણ પાણીની સપાટી માપતા હતા ઊછળતા પાણીને કારણે પાકો અંદાજ તો મળી નહોતો શક્તો પણ એમણે જોયું કે પાણીની સપાટી સતત વધતી જતી હતી હવે જેટલું પાણી જતું હતું તે લગભગ ૧ ૯૬ ૦૦૦ ક્યૂસેક કરતાં એટલે કે બંધની સ્થાપિત ક્ષમતા કરતાં થોડું ઓછું હતું એમ માનો કે આખો ડૅમ એકીસાથે ખાલી થતો હતો તો પણ પાણી વધતું જ જતું હતું ૦ ૦ ૦ સવારે આઠ વાગ્યે મોરબીના સબ ડિસ્ટ્ર્રિક્ટ મૅજિસ્ટ્રેટ ડેમ પર આવ્યા એમને નાયબ ઇજનેર મહેતાએ મધરાતે જ સંદેશ મોકલી દીધો હતો કે બહુ જ ઘણું પાણી છોડવું પડશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે એટલે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા પડશે સબડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની સાથે મૅયર રતિલાલ દેસાઈ પણ હતા નાયબ ઇજનેર મહેતા ડેમ પર જ હતા અને આખી રાત કામદારો નાકાં ખોલવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહ્યા તેના સાક્ષી હતા બન્નેએ પાણી છોડવાનું પ્રમાણ ઘટાડવા એમને સલાહ આપી પણ મહેતાએ કહ્યું કે એ તો શક્ય જ નથી કારણ કે પાણીનું દબાણ એટલું છે કે બંધ તો થઈ જ નહીં શકે ઉલ્ટું તેઓ તો જે નાકાં ખુલતાં નથી તેને પણ ખોલવા મથે છે બંધનું પાણી દીવાલથી માત્ર છ ફુટ નીચે રહી ગયું હતું જો કે મહેતાએ એ પણ કહેવું જોઈતું હતું કે અત્યારે જેટલો પ્રવાહ છે તે પણ બંધને નુકસાન કરે એમ છે કદાચ એમને એવો ખ્યાલ પણ નહોતો આવ્યો ૧૧મી ઑગસ્ટની સવારે તો જોધપર ગામમાં ભયની કોઈ શંકા નહોતી નવ વાગ્યાની આસપાસ એક ટ્રક આવી અને ડેમનો સંદેશ લાવી ડેમનાં નાકાં ખુલતાં નથી અને કર્મચારીઓને ઘણા લોકોની મદદ જોઇએ છે જુવાનિયાઓ તરત તૈયાર થઈ ગયા અને ટ્રકમાં ચડી ગયા એમણે નાકાં ખોલવાના શાફ્ટ ફેરવવાની ભારે મથામણ કરી નીચે ગરજતો ક્રોધિત મહેરામણ એમના પગોને પલાળતો હતો કલાકેકની મહેનત પછી તો પાણી એમની પીઠ સાથે અફળાવા લાગ્યું ત્યારે એમણે કામ પડતું મૂક્યું વર્ષો પછી લક્ષ્મણે પોતાના નિવેદનમાં કહ્યું કે ખોલવા માટે વધારે મહેનત કરવામાં કેબલ કે સાંકળ જ તૂટી જાય એવી બીક હતી એટલે એમણે ખોલવાની કોશિશ પડતી મૂકી અને વર્ષો પછી પણ લોકો નાયબ ઇજનેર અને કર્મચારીઓને દોષ આપતા રહ્યા કે એમણે બંધ તૂટવાની શક્યતાની ચેતવણી ન આપી ૦ ૦ ૦ ૦ લીલાપરના લોકો લખધીરનગર તરફ ખસી જવાની તૈયારીમાં હતા વર્ષો પછી ખતીજાબેને આ દિવસ યાદ કરતાં કહ્યું કે અમે સવારના કામમાંથી પરવારીને જોયું તો બહાર જળબંબાકાર થઈ ગયું હતું જો કે આટલું પાણી જોયા પછી પણ ઊંચાણવાળા વિસ્તારો મેઇન બજાર વગેરે જગ્યાએ રહેતા લોકોનાં પેટનું પાણી હલ્યું નહોતું શહેરના દક્ષિણ ભાગમાં હરિજનવાસથી માંડીને કબીર ટીંબાના લોકોના જાન જોખમમાં હતા વજેપરમાં નાસભાગ શરૂ થઈ ગઈ બધા લીલાપર રોડ તરફ જવા ઉતાવળા હતા જે કોઈ ટ્રક આવી એમાં ભીડ ચડી જતી હતી જો કે નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘણા લોકો જવા તૈયાર નહોતા કનુભાઈ કુબાવતનું કુટુંબ ન ગયું બીજી બાજુ ખતીજાબેનના કુટુંબની સ્ત્રીઓ સુદ્ધાંએ પણ ઘર ખાલી કરી દેવાનું નક્કી કર્યું ૦ ૦ ૦ ૦ આ જ સમયે રાજકોટમાં પણ હાલત વણસતી જતી હતી કલેક્ટર બેનરજીએ કર્મચારીઓને રજાઓ રદ કરીને બોલાવી લીધા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડવાનું કામ શરૂ કરી દીધું હતું આ કામની વચ્ચેથી એક નવાગંતુક તરફ એમનું ધ્યાન ગયું એમણે જઈને નવાગંતુક સાથે હાથ મેળવ્યા એ હતા ગુજરાતના ખેતીવાડીપ્રધાન કેશુભાઈ પટેલ થોડા દિવસ પહેલાં જ તેઓ ભારે વરસાદને કારણે ઊભા થયેલા સંકટ સામે વહીવટીતંત્ર કેમ કામ કરે છે તેનું નિરીક્ષણ કરવા માટે ગાંધીનગરથી આવ્યા હતા બેનરજીએ લોકોને ખસેડવાના કામ માટે અમદાવાદથી બે હેલીકૉપ્ટર મેળવી લીધાં હતાં પણ વધારે ને વધારે ગામો સામે સંકટ ઊભું થવાના સમાચાર આવતા રહેતા હતા કલેક્ટરે આખા સૌરાષ્ટ્રમાં લશ્કરનાં મથકોને નૌકાઓ આપવા વિનંતિઓ મોકલી હજી કામ પાટે નહોતું ચડ્યું અને કલેક્ટર બીજી તજવીજમાં પડ્યા હતા એવામાં કેશુભાઈ ગેસ્ટ હાઉસમાં આરામ કરતા હતા ત્યાંથી ઓચિંતા જ કંટ્રોલ રૂમમાં આવી પહોંચ્યા એમણે કલેક્ટરને કહ્યું કે મચ્છુ ડેમની હાલત ખરાબ છે એટલે પોતે ત્યાં જાય છે એમની સલામતીની જવાબદારી કલેક્ટરની હતી આ નવી જવાબદારી માટે વખત નહોતો બેનરજીએ એમને કહ્યું કે ત્યાં જઈ શકાય એવી સ્થિતિ નથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે ત્યાં જવું સલામતીભર્યું નથી પરંતુ કેશુભાઈ માન્યા નહીં એમણે કહ્યું કે એમનું વાહન મોટું છે એટલે વાંધો નહીં આવે એમના ગયા પછી બેનરજીએ ફરી કામમાં મન પરોવ્યું એમને મોરબીના સબ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટનો સંદેશ મળ્યો હતો કે પૂરનાં પાણીએ હાહાકાર મચાવ્યો છે પણ લોકોને ખસેડવાનું કામ બરાબર ચાલે છે બેનરજીના ચહેરા પર સંતોષની આભા પ્રગટી ૦ ૦ ૦ ૦ સાંજે સાડાપાંચ થઈ ગયા હતા કેશુભાઈ પટેલ સનાળા પહોંચી ગયા હતા પણ આગળ જવાનો રસ્તો જ નહોતો એમની સાથે અધીક્ષક ઇજનેર પણ વાહનમાં જ સપડાયેલા હતા ત્યાં જ એમને મોરબીના કાર્યપાલક ઇજનેર મળી ગયા એ પણ મચ્છુ ડેમ તરફ જવા નીકળ્યા હતા પણ સનાળામાં જ ત્રણ કલાકથી ફસાઈ ગયા હતા આગળ જવાય એમ જ નહોતું વરસતા વરસાદમાં અધીક્ષક ઇજનેરે નજર નાખી તો એમની આંખો ફાટી ગઈ એમની નજર સામે જ રસ્તા પર ઓચિંતું પાણી ફરી વળ્યું એમને કુતૂહલ થયું કે કેટલું પાણી છે એ પાણીમાં ગયા કેશુભાઈ અને કાર્યપાલક ઇજનેર જોઈ રહ્યા પહેલાં પાણી એમના પગની ઘૂંટી સુધી હતું તે જોતજોતામાં ઘૂંટણ સુધી ચડી આવ્યું અને પછી કમરે પહોંચી ગયું એ માની ન શક્યા હોય એમ માથું ધુણાવતા પાણીમાંથી બહાર આવ્યા સનાળા ઊંચાણમાં છે આટલું પાણી તો ત્યાં કદી આવ્યું જ નહોતું શું થવા બેઠું છે તેની કલ્પના કરતા એ પાછા આવ્યા સાતેક વાગ્યે કેશુભાઈ અધીક્ષક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરને ત્યાં જ છોડીને પાછા ફર્યા કેશુભાઈએ એમને ત્યાં કઈ જવાબદારી માટે છોડ્યા તે પ્રશ્ન અઠવાડિયાંઓ મહિનાઓ અને દાયકાઓ પછી પણ પુછાતો રહ્યો ૦ ૦ ૦ ૦ ગાંડીતૂર મચ્છુ પાસે નાયબ ઇજનેર મહેતાને બેસવા માટે એક ખાલી ટ્રક મળી હતી ટ્રક ચાલી શકે એમ જ નહોતી ટેલીફોન લાઇનો ખોરવાયેલી હતી મહેતા બહુ મહેનત પછી પણ રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધી નહોતા શક્યા મચ્છુ ડૅમ છોડ્યાને નવ કલાક થઈ ગયા હતા પણ હજી સુધી તેઓ રિપોર્ટ નહોતા મોકલી શક્યા ડેમ પરના કર્મચારીઓ સાથે પણ વાત નહોતી થઈ શકતી કે શું સ્થિતિ છે તે જાણી શકાય મન હતાશાથી ભરાઈ ગયું હતું પુલ પરથી પાણી ઊતરે તે પછી જ કઈં થઈ શકે એમ હતું બંધમાંથી પાણી એટલું નીકળી ગયું હતું કે હવે સાંજે સાડાચારે ટ્રક ડ્રાઇવરે પુલ પર હંકારવાની હિંમત કરી વાંકાનેર પહોંચીને રાજકોટ ફોન કર્યો અને કલાકો જૂની માહિતી આપી ફોન થઈ ગયો એવો એમને સંતોષ થયો થોડો આરામ કરીને મહેતા અને ડ્રાઇવર ફરી ડૅમ તરફ આગળ વધ્યા ટનબંધ માટીમાંથી ટ્રક નીકળી માંડ માંડ રાતના સાડાનવે બન્ને બંધની ઉત્તર બાજુની માટીની દીવાલ સુધી પહોંચ્યા મચ્છુ ડેમ તો હજી પણ અડધા માઇલ જેટલો દૂર હતો મહેતાએ દીવાલના છેડેથી પશ્ચિમ તરફ દીવાલ લંબાઈ હતી તેના તરફ નજર નાખી આ શું એ જોતા જ રહી ગયા ત્યાં દીવાલ તો હતી જ નહીં હતું માત્ર માટીથી લથપથ મેદાન જ્યાં પશ્ચિમી દીવાલ હોવી જોઈતી હતી ત્યાં વિશાળ ગાબડું હતું નદીએ બંધની લક્ષ્મણરેખાને જ તોડી નાખી હતી મચ્છુ બંધ ૨ તૂટી ચૂક્યો હતો અને હવે પાણીને રોકવાનો કોઈ ઉપાય જ નહોતો દાયકાઓ પછી પણ જોધપરના લોકો અવાજમાં તિરસ્કાર સાથે કહે છે મહેતા તો બંધ તૂટ્યા પછી આવ્યા જોઈને જડ થઈ ગયા અને બેભાન થઈને ઢળી પડ્યા ક્રમશઃ like loading author dipak dholakia posted on 03 04 2013 categories uncategorized tags dam disaster disaster utpal morbi morvi tom utpal tom 10 ટિપ્પણીઓ the morbi disaster 4 માટે the morbi disaster 2 no one had a tongue to speak પુસ્તકનો પરિચય ૨ લેખકોઃ ઉત્પલ સાંડેસરા અને ટૉમ વૂટન ૧૯૫૫માં સૌરાષ્ટ્ર સરકારે મચ્છુ ડેમ ૨ માટેની દરખાસ્ત સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર કૉર્પોરેશન cwpc સમક્ષ રજુ કરી ડેમ ૧ કરતાં બમણો એટલે કે ૪૩૬ ચોરસ માઇલનો એનો જળગ્રાહી વિસ્તાર નિરધારવામાં આવ્યો હતો એની લંબાઈ અઢી માઇલ ચાર કિલોમીટર રાખવાની દરખાસ્ત હતી પરંતુ આટલો લાંબો કોંક્રીટનો બંધ બાંધવામાં ગંજાવર ખર્ચ થાય તેમ હોવાથી અમુક ભાગ કોંક્રીટનો અને અમુક ભાગ માટીનો રાખવાની યોજના હતી એમાં વચ્ચે પાણીની જાવક માટે મોટું નાકાવાળું ગરનાળું બનાવવાનું હતું અને બાકી એની બન્ને તરફ માટીની દીવાલ મચ્છુના તળપ્રદેશમાંથી ઊભી થવાની હતી આમ આ આખો પ્રોજેક્ટ બહુ મહત્વાકાંક્ષી હતો પણ નહેરુ યુગમાં આવા તો ઘણા ડૅમ બનતા હતા એટલે આમાં કોઈ ખાસ વાત નહોતી બીજા બંધોની સરખામણીએ આ મધ્યમ કદનો અને ખાસ મહત્વની ન ગણાતી એવી નદી પરનો બંધ હતો આમ છતાં એના નિર્માણમાં બહુ જ કાળજી અને ખંતની જરૂર હતી કારણ કે માણસજાત જેટલું વધારે પાણી રોકવા મથે તેટલા જ પ્રમાણમાં એ રોકાયેલા પાણીની એનો વિરોધ કરવાની ક્ષમતા પણ વધી જાય મચ્છુ બંધ ૨ના નિર્માણમાં આ વાત બહુ ધ્યાનમાં રાખવાની હતી ચાર મુખ્ય જોખમો મચ્છુ ૨ના બાંધકામમાં ચાર મુખ્ય જોખમો સામે બંધની બીજી બાજુની વસ્તીને બચાવવાની જવાબદારી સૌરાષ્ટ્ર સરકારની હતી અને ઇજનેરોએ પણ આ ચાર જોખમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ૧ નાકાવાળું ગરનાળું ધસી પડે ૨ બંધની દીવાલોને ઘસારો પહોંચે ૩ પાણી જવાનો ઢોળાવ બરાબર કામ ન આપે અને ૪ બંધ છલકાઈ જાય અને દીવાલોની ઉપરથી પાણી વહેવા લાગે ગરનાળું ધસી પડે તો બંધમાં સંઘરી રાખેલું પાણી એકીસાથે ધસી જાય અને જાનમાલની પારાવાર ખુવારી કરે આથી એ સખત જમીન પર અને મજબૂત કોંક્રીટથી બાંધવાનું હતું તે ઉપરાંત માટીની દીવાલોમાં ભંગાણ ન પડે તે માટે ત્રણ વાતો ધ્યાનમાં રાખવાની હતી આ ત્રણ વાતો જ માટીના બંધની દુશ્મન બનતી હોય છે ક દીવાલો અંદરથી કાચી રહી જાય તો ધસમસતું પાણી એને તાણી જાય આને આંતરિક ઘસારો કહે છે ખ એ જ રીતે દીવાલની બહારની સપાટી એકસરખી ન બની હોય તો ઢોળાવ ખરાબ થઈ જાય છે એટલે પાણીનો ધસમસતો પ્રવાહ જ્યાંથી દીવાલે ખૂણો બનાવ્યો હોય ત્યાં ગાબડું પાડી દે છે આ લૅન્ડ સ્લાઇડ તરીકે ઓળખાતી ઘટના જેવું છે ભારે વરસાદમાં પર્વતો પરથી ઘણી વાર ભેખડો ધસી પડતી હોય છે અને ત્યાં મોટું ગાબદું પડી જતું હોય છે ઘણી વાર તો ભેખડો ફસકીને એવી રીતે ગોઠવાઇ જતી હોય છે કે એમની પાછળ મોટું સરોવર બની જતું હોય છે ગ એ જ રીતે બંધ છલકાઈ જાય તો પાણી દીવાલોની ઉપરથી વહેવા માંડે આ ત્રણેય બાબતોમાં બેદરકારી દેખાડવાનું પરિણામ ગરનાળું તૂટી પડવાથી જે નુકસાન થાય તેની બરાબર જ હોય ગરનાળું બનાવવા માટે જમીન માફકસરની હતી હવે એમાં પૂર આવે તો બંધનું શું થાય તેનો કયાસ કાઢવાનો હતો આને ડિઝાઇન ફ્લડ કહે છે એમાં વધુમાં વધુ કેટલો વરસાદ પડી શકે અને ઓછામાં ઓછા સમયમાં પાણી કેટલું જમા થઈ શકે તેના આંકડા મેળવીને હિસાબ કરવાનો હોય છે સૌરાષ્ટ્ર સરકારે એનો કયાસ તો કાઢ્યો આ જ પ્રકારના બંધમાં કેટલું પાણી એકીવખતે ભરાયું તેનો પણ અંદાજ મદદે લેવાયો હતો સૌરાષ્ટ્ર સરકારે આ બધી કવાયત કરીને જ પ્રોજેક્ટ્નો રિપોર્ટ cwpcને મોકલ્યો હતો cwpcનો વાંધો cwpc તરફથી એકાદ વર્ષ સુધી તો કઈં જવાબ ન આવ્યો ૧૯૫૭માં cwpcએ બંધની યોજનાની સમીક્ષા કરીને જે જવાબ મોકલાવ્યો તેમાં નવો જ મુદ્દો હતો એમાં સૌરાષ્ત્ર સરકારના ઇજ્નેરોની આકરી ટીકા કરવામાં આવી cwpcએ કહ્યું કે ઇજનેરોનો અંદાજ જ ખોટો છે ખાટલે મોટી ખોટ તો એ કે એમણે મચ્છુ બંધ ૧માંથી પાણી છોડાય અને એ આ બંધમાં આવે તો શું થાય તે ધ્યાનમાં જ નથી લીધું આમ ગરનાળામાંથી કેટલું પાણી વહી જાય તેનો એમનો આંકડો ખોટો હતો શક્ય છે કે પાણીની જેટલી જાવક હોય તેના કરતાં આવક વધુ હોય cpwcએ સૂચવ્યું કે સૌરાષ્ટ્ર સરકારના ઇજનેરો મચ્છુ નદીમાં જુદા જુદા સમયે કેટલું પાણી રહે છે તેનું માપ લેવાનું શરૂ કરે અને મચ્છુ બંધ ૧માંથી આવતા પાણીને પણ ધ્યાનમાં લે આ રીત યુનિટ હાઇડ્રોગ્રાફ એટલે કે એક એકમમાં કેટલું પાણી હોય તેના માપ તરીકે ઓળખાય છે તે ઉપરાંત cwpcના ઇજનેરોને ડૅમ માટેની જગ્યા પણ યોગ્ય ન લાગી પહેલાં મુંબઈ દ્વિભાષી રાજ્ય અને પછી ગુજરાત પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે ૧૯૫૭માં cwpcનો રિપોર્ટ આવ્યો ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યનું અસ્તિત્વ નહોતું રહ્યું સૌરાષ્ટ્ર અને આખું આજનું ગુજરાત મુંબઈ દ્વિભાષી રાજ્યમાં સમાઈ ગયાં હતાં આથી હવે મચ્છુ બંધ વિશે cwpcના રિપોર્ટ પર મુંબઈ સરકારે અમલ કરવાનો હતો પરંતુ દ્વિભાષી મુંબઈ રાજ્ય્નું માત્ર ચાર વર્ષમાં જ વિભાજન થયું અને ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય બની ગયું આમ cwpcના રિપોર્ટ પર અમલ કરવાની જવાબદારી ગુજરાત સરકારની થઈ ગુજરાત સરકારની બેકાળજી cwpcના વાંધાનો જવાબ આપવા માટે ગુજરાત સરકારે મચ્છુ બંધમાં પાણીની આવકનો અંદાજ તાબડતોબ સુધાર્યો પહેલાં ૧ ૬૦ ૦૦૦ ક્યૂસેક પાણીનો અંદાજ હતો નવો અંદાજ ૧ ૯૧ ૦૦૦ ક્યૂસેકનો બનાવાયો પરંતુ cwpcની મહત્વની ભલામણ યુનિટ હાઇડ્રોગ્રાફની હતી તેની સદંતર ઉપેક્ષા કરવામાં આવી સૌરાષ્ટ્ર સરકારે તો એને જે સમજાયું તે રીતે વરસાદના અનુભવ અને અટકળોનો આશરો લીધો હતો પરંતુ cwpcના વાંધા મળ્યા પછી પણ ગુજરાત સરકારે યુનિટ હાઇડ્રોગ્રાફ ન લીધો cwpcએ ૧૯૬૧માં એક પત્ર લખીને ગુજરાત સરકારનો ઊધડો જ લીધો અને કહ્યું કે અમારી પહેલી ટિપ્પણીને પાંચ વર્ષ થઈ ગયાં તેમ છતાં હજી પણ માત્ર અનુભવજન્ય માહિતી પર આધાર રાખવામાં આવ્યો છે ગુજરાત સરકારે આ ચીમકીને પણ કાને ન ધરી અને ૧૯૬૦ના દાયકાના આરંભે કામ શરૂ કરી દીધું ૧ ૯૧ ૦૦૦ ક્યૂસેકનો જે નવો અંદાજ કરવામાં આવ્યો હતો તેના જ આધારે રાજ્યના ઇજનેરોએ ગરનાળું બાંધવાનું શરૂ કર્યું એમાં ૧૮ દરવાજા રાખવાના હતા એની કુલ લંબાઈ ત્રીસ ફુટ અને ઊંચાઈ વીસ ફુટ નક્કી કરવામાં આવી એ જ રીતે ડૅમની જગ્યા માટે cwpcએ જે વાંધો લીધો હતો તેની સામે પણ રાજ્યના ઇજનેરોએ દલીલો રજુ કરી અને એ વાંધાને ઠોકરે ચડાવ્યો એમણે કહ્યું કે આ જગ્યાએ બંધ બનાવવાથી ત્રણમાંથી બે ગામ ડૂબી જશે એ ખરૂં પરંતુ જગ્યા બદલીને બંધને વધારે પાછળ લઈ જવાથી કેટલાયે રેલમાર્ગો ડૂબી જશે એમણે કશાં જ પ્રમાણ આપ્યા વિના જ કહી દીધું કે નવા રેલમ...
|