Meta tags:
description= Dipak Dholakia દ્વારા લખાયેલ Uncategorized વિશેની પોસ્ટ;
Headings (most frequently used words):
ભારત, ગુલામી, અને, આઝાદી, માટેનો, સંઘર્ષ, india, slavery, and, struggle, for, freedom, part, chapter, ભાગ, અંતિમ, તબક્કો, ૧૯૩૫થી, ૧૯૪૭, પ્રકરણ, dipak, છોડો, ક્રિપ્સ, મિશન, dholakia, spam, blocked, સુભાષબાબુનું, પરાક્રમ, કેટેગરી, uncategorized, 37, 35, 34, 32, 31, 30, 29, 28, 27, 26, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, ૩૭, આઝાદ, હિન્દ, ફોજની, લડાઈ, ૩૫, ૩૪, ૩૨, ૩૧, ૩૦, ૨૯, પછી, કોંગ્રેસ, ૨૮, ૨૭, ૨૬, જાપાન, ભારતને, ઊંબરે,
Text of the page (most frequently used words):
અને (335), માટે (91), કરી (88), હતી (88), હતા (81), ભારત (70), નથી (66), સાથે (66), કહ્યું (65), હતો (64), એમણે (63), પછી (63), બ્રિટિશ (59), હતું (59), આઝાદ (58), કોંગ્રેસ (55), સરકાર (45), આઝાદી (44), હોય (42), જાપાન (41), કોઈ (41), એમને (40), પરંતુ (39), freedom (38), #struggle (38), 2021 (37), નહીં (37), હિન્દ (36), એટલે (36), ગાંધીજીએ (34), કર્યો (34), and (33), બ્રિટન (33), શરૂ (32), india (32), હવે (32), જાપાની (32), 2024 (31), slavery (31), for (31), સામે (30), જોઈએ (30), આપણે (30), નવેમ્બર (29), જાન્યુઆરી (29), મુસ્લિમ (29), એના (29), ઓક્ટોબર (28), ડિસેમ્બર (28), ઓગસ્ટ (27), સપ્ટેમ્બર (27), એને (27), ગાંધીજી (27), જુલાઇ (26), dipak (26), સંઘર્ષ (26), માત્ર (26), માર્ચ (25), 2020 (25), વાત (25), એમના (25), તૈયાર (25), જૂન (24), એપ્રિલ (24), 2016 (24), 2017 (24), 2018 (24), 2019 (24), 2023 (24), dholakia (24), કરવા (24), આપી (24), હિન્દુસ્તાની (24), ત્યાં (24), કર્યું (24), બીજા (24), હું (24), ભારતની (24), ગયા (23), ત્યારે (23), 2012 (22), ફેબ્રુવારી (22), 2015 (22), માટેનો (21), શકે (21), તેમાં (21), યુદ્ધ (21), ફરી (21), સરકારે (21), પહેલાં (21), આપ્યો (21), part (20), chapter (20), ગુલામી (20), ક્રિપ્સ (20), કરીને (20), એમની (20), થાય (20), કંઈ (20), રહી (20), રીતે (20), ભારતીય (20), સુધી (20), એનો (20), છતાં (20), લીગ (20), હાથમાં (19), મદદ (19), કરે (19), મળી (19), એની (19), 2013 (18), 2022 (18), વધારે (18), કરતાં (18), નહોતી (18), કરવાની (18), કોંગ્રેસે (18), ફોજ (18), આગળ (17), આવી (17), છોડો (17), આંદોલન (17), ટેકો (17), સંરક્ષણ (17), હિન્દુસ્તાનીઓ (17), કામ (17), તરીકે (17), બધા (17), બહુ (17), ભારતને (17), કોંગ્રેસની (17), 2011 (16), એવી (16), જવાબદારી (16), વિરોધ (16), બીજી (16), જાપાને (16), બની (16), પોતાની (16), વચ્ચે (16), પોતાના (16), અલગ (16), મેજર (16), બાજુ (15), સૈનિકો (15), ઇંડિયન (15), લશ્કરી (15), વર્કિંગ (15), એમાં (15), 2014 (14), કારણ (14), ૦૦૦ (14), ઠરાવ (14), કમાંડર (14), ભાગ (14), લડાઈ (14), બન્ને (14), કરવાનું (14), અર્થ (14), વિશે (14), મૌલાના (14), કહે (14), કોંગ્રેસના (14), 2025 (13), uncategorized (13), indian (13), રજૂ (13), તેમ (13), મને (13), વખતે (13), તમે (13), અધિકાર (13), સંપૂર્ણ (13), નેતાઓ (13), નિર્ણય (13), મારી (12), જાહેર (12), ભારતના (12), વાઇસરૉય (12), એણે (12), કરવાનો (12), ભારે (12), નક્કી (12), વગેરે (12), તરફ (12), દૂર (12), હિન્દુ (12), સ્પષ્ટ (12), રહે (12), કરવામાં (12), તરત (12), ઇંડિયા (12), હશે (12), કર્યા (12), સિંઘ (12), like (11), માગણી (11), અંતિમ (11), ગયો (11), જાપાનના (11), જનરલ (11), જશે (11), કરતી (11), એનું (11), દીધી (11), જાય (11), નહોતો (11), સ્વતંત્રતા (11), જવાબ (11), કરવું (11), થશે (11), લોકોને (11), હતાં (11), દીધા (11), છું (11), કૅપ્ટન (11), tags (10), categories (10), posted (10), author (10), loading (10), સંદર્ભઃ (10), દીધું (10), તેની (10), સત્તા (10), આવ્યા (10), સિંગાપુર (10), પાસે (10), બ્રિગેડ (10), નહોતું (10), બહાર (10), અંતે (10), હોવા (10), મળે (10), પ્રમાણે (10), કેમ (10), રહેશે (10), કરશે (10), આપે (10), પ્રકરણ (10), તબક્કો (10), ૧૯૩૫થી (10), ૧૯૪૭ (10), એવું (10), ચર્ચા (10), વ્યવસ્થા (10), ગાંધીજીના (10), ગાંધીજીને (10), રાષ્ટ્રીય (10), થયા (10), લીધો (10), ઉપવાસ (10), બોઝ (10), પ્રેમ (10), બેંગકોક (10), leave (9), comment (9), દેશમાં (9), બ્રિટનની (9), વૉર (9), ઠરાવને (9), દેશી (9), જાપાનની (9), અમુક (9), અહીં (9), પડી (9), આખી (9), મોરચે (9), કારણે (9), થયો (9), ફોજના (9), તૈયારી (9), પૂર્વ (9), પાછળ (9), નહેરુએ (9), સ્ટેફર્ડ (9), થયું (9), નહેરુ (9), પત્ર (9), પ્રમુખ (9), આવે (9), એવો (9), શું (9), તેના (9), આવ્યો (9), ઠરાવમાં (9), ભારતમાં (9), આવ્યું (9), પડે (9), પડશે (9), છીએ (9), અહિંસક (9), લાગે (9), લોકો (9), ઑગસ્ટે (9), નેતાજી (9), મોહન (9), ફોજમાં (9), કુમાર (9), સહગલ (9), કર્નલ (9), પસંદ (8), martyrs (8), વેબગુર્જરી (8), the (8), vol (8), રાજકીય (8), ભારતીયને (8), ભાગી (8), મોટી (8), પાછા (8), દળો (8), મળ્યા (8), ત્યાંથી (8), સંગઠિત (8), મૂકી (8), કાઉંસિલ (8), પોતે (8), પહેલા (8), નહોતા (8), વિરુદ્ધ (8), જવાહરલાલ (8), હોત (8), મેં (8), કમિટીએ (8), તેઓ (8), તેને (8), રસ્તો (8), એમનું (8), ચાલુ (8), લીગની (8), કહેવું (8), માનતા (8), ત્રણ (8), નવમી (8), આપવા (8), પોલીસ (8), ઇંડીપેન્ડન્સ (8), કરો (7), com (7), બારી (7), 1942 (7), webgurjari (7), ફોજની (7), દરમિયાન (7), મિશન (7), હજાર (7), આજે (7), ચાર (7), ફોજને (7), ચોથી (7), સમાચાર (7), સૌથી (7), હજી (7), પડ્યું (7), એશિયામાં (7), બ્રિટને (7), કરતા (7), સરકારને (7), ફેરફાર (7), બાબતમાં (7), નિવેદન (7), યોજના (7), બંધારણ (7), સંઘમાં (7), ઊભા (7), જરૂરી (7), બંધ (7), હેઠળ (7), છોડી (7), એમનો (7), આથી (7), તેનો (7), બન્યા (7), સ્થિતિ (7), સ્વતંત્ર (7), મીટિંગ (7), ધીમે (7), લીધા (7), નૅશનલ (7), પોલીસે (7), હિંસા (7), ફુજીવારાએ (7), સૈનિકોને (7), રાસ (7), બિહારી (7), ઇમ્ફાલ (7), સુભાષબાબુ (6), પહોંચી (6), ગયું (6), સંરક્ષણની (6), પડ્યા (6), રાજ્યોની (6), બરાબર (6), લીધું (6), હવાઈ (6), કબજો (6), ચીફ (6), સાતમી (6), દિવસ (6), દિવસે (6), શકાય (6), મુકાબલો (6), હુમલો (6), મિત્ર (6), જાપાનને (6), લાગ્યો (6), જોડાયા (6), લીધી (6), નીતિ (6), બ્રિટનના (6), દેશના (6), માગતી (6), લીગને (6), ઘણી (6), મતભેદ (6), ક્રિપ્સે (6), લખીને (6), સામાન્ય (6), જેવી (6), કોંગ્રેસનું (6), ઉપરાંત (6), કમિટી (6), આના (6), જરૂર (6), જેવા (6), બધી (6), રાખવા (6), નેતૃત્વ (6), માર્ચે (6), ભૂલ (6), માની (6), માગે (6), એવા (6), અમે (6), જનતા (6), સાથી (6), તમારી (6), બનાવી (6), આશા (6), સરકારી (6), કદાચ (6), જાપાનનો (6), નેતાઓને (6), પકડી (6), કોંગ્રેસને (6), આંદોલનને (6), નાગરિક (6), પ્રાંતમાં (6), પહોંચ્યા (6), પરિષદ (6), અધિકારીઓ (6), ભારતીયો (6), પરિષદે (6), ફોજે (6), નવી (5), શોધો (5), વિભાગ (5), દ્વારા (5), annual (5), register (5), https (5), આખા (5), વાઇસરૉયની (5), મુક્ત (5), જેથી (5), ધ્યાન (5), યોગ્ય (5), આપવામાં (5), મલાયા (5), બર્મા (5), દળોએ (5), પાંચમી (5), હુમલા (5), બચાવવા (5), વ્યૂહ (5), દેવા (5), એમનાં (5), ખરાબ (5), આમાં (5), યુદ્ધમાં (5), ખાતરી (5), દીધો (5), કર્યાં (5), મુખ્ય (5), સ્વતંત્રતાની (5), ભરતી (5), કોંગ્રેસનો (5), લીગે (5), મુસલમાનોને (5), મળીને (5), બોઝે (5), મિશનની (5), સિવાય (5), ક્રિપ્સને (5), મોકલી (5), આઝાદે (5), માં (5), સોંપવાની (5), પત્રમાં (5), પ્રાંતોને (5), રહેવાની (5), છૂટ (5), એકતા (5), સરકારની (5), માટેની (5), આપવાની (5), સ્વીકાર (5), વલણ (5), દિલ્હી (5), અભિપ્રાય (5), વાર (5), બેઠક (5), પ્રત્યે (5), અસર (5), પ્રાંતો (5), મુસલમાનો (5), ડિપ્રેસ્ડ (5), આવશે (5), સમજૂતી (5), ચાલે (5), ઘણા (5), જેવું (5), વિના (5), થોડા (5), મુસદ્દામાં (5), મારફતે (5), હેતુ (5), હિન્દુસ્તાનીઓને (5), સરદાર (5), જુદા (5), સોંપી (5), દીધાં (5), જેલમાં (5), કહો (5), લડવું (5), કમ્યુનિસ્ટો (5), માગતા (5), રેડિયો (5), ગોળીબાર (5), નાખી (5), મુંબઈ (5), ઑગસ્ટ (5), માર્યા (5), નેતાઓની (5), ગાંધી (5), બર્મામાં (5), બધું (5), ઍક્શન (5), સુભાષબાબુના (5), વસતા (5), મલાયામાં (5), રાસબિહારી (5), ટોકિયો (5), હિન્દીઓ (5), wordpress (4), નામ (4), રહ્યું (4), blocked (4), spam (4), adventurous (4), subhashbabu (4), સંદેશ (4), પેજ (4), jan (4), june (4), કાઉંસિલના (4), લીગના (4), ખાતું (4), ઠરાવની (4), પરવા (4), ફર્યા (4), મોટા (4), લડાઈમાં (4), પ્રાંત (4), થયાં (4), દુશ્મન (4), દળોને (4), સતત (4), કરવી (4), ચારે (4), ડિવીઝન (4), નીકળી (4), મોરચા (4), ૧૯૪૨ના (4), ૧૯૪૧ના (4), અંતમાં (4), સમક્ષ (4), જ્યારે (4), યુદ્ધના (4), મુલાકાત (4), ઇચ્છા (4), લેવાનો (4), રહ્યો (4), પ્રત્યાઘાત (4), તરફથી (4), ટીકા (4), કરેલા (4), હિન્દુઓ (4), ભેગા (4), પ્રતિનિધિ (4), માને (4), આવતા (4), રહ્યા (4), વાતચીત (4), પ્રધાન (4), જવાબમાં (4), તેવી (4), વાતો (4), સંકેત (4), ક્રિપ્સની (4), મોટો (4), ભાગલા (4), યોજનામાં (4), સામેલ (4), બન્યું (4), આગ્રહ (4), લેશે (4), દેશને (4), હસ્તક (4), માટેના (4), આપશે (4), આવતાં (4), લાગ્યા (4), સ્થિતિમાં (4), મુંબઈના (4), લખ્યું (4), લાભ (4), થવાનો (4), પાકિસ્તાન (4), જેમ (4), દરખાસ્તો (4), ક્યાંય (4), ફેડરેશન (4), કેટલાક (4), અથવા (4), બીજો (4), ઊભો (4), અસહકાર (4), ભલે (4), મહાન (4), મનમાં (4), હિંસક (4), યુદ્ધની (4), અહિંસા (4), મહિનામાં (4), ભારતમાંથી (4), ઉપયોગ (4), સલાહ (4), જ્યાં (4), લઈને (4), રાતે (4), દરેક (4), જવું (4), તમારો (4), તમને (4), રામ (4), સંસ્થા (4), આપવાનું (4), તમારે (4), ૧૯૨૦માં (4), ખેંચી (4), ઐતિહાસિક (4), સભ્યો (4), ગોવાલિયા (4), ટેંક (4), લૉર્ડ (4), આદેશ (4), રચના (4), લીધાં (4), પગલાં (4), ખાન (4), રિપોર્ટ (4), સાથીઓ (4), થવા (4), ટ્રેન (4), લિન્લિથગોને (4), ઑફર (4), લિન્લિથગોએ (4), મારા (4), ઊભી (4), હોવાના (4), સુભાષ (4), તાબામાં (4), ભેદભાવ (4), શાહ (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), રાઘવન (4), કેન્દ્ર (4), ખબર (4), ગયાં (4), ખૂન (4), this (3), ટિપ્પણી (3), other (3), blog (3), history (3), લેખ (3), www (3), org (3), જોઈશું (3), સભ્ય (3), લગતી (3), હોવી (3), પ્રતિનિધિઓ (3), મહંમદ (3), ત્રીજા (3), સંખ્યામાં (3), જીતી (3), હાર્ટ્લીએ (3), થવાની (3), શક્યતા (3), પૂર્વના (3), પીછેહઠ (3), ઓછું (3), કરતો (3), જર્મનીના (3), બાજુથી (3), લાગતું (3), પ્રગટ (3), કોશિશ (3), દબાવી (3), આપીને (3), અનેક (3), ચોકીઓ (3), કરવો (3), પાછી (3), જુસ્સો (3), હટી (3), સિરિનાઇકા (3), હંમેશાં (3), પરાજિત (3), આક્રમણનો (3), થવું (3), અદમ્ય (3), પ્રશંસા (3), થતી (3), નજર (3), ભૂમિકા (3), અઠવાડિયે (3), સુભાષબાબુનો (3), નજરે (3), સામ્રાજ્યવાદી (3), મહાસભા (3), જોડાવા (3), મૂળ (3), કદી (3), જિન્ના (3), મુસલમાનોના (3), રક્ષણ (3), ગેરકાનૂની (3), આને (3), વલણમાં (3), સવાલ (3), ચાલ્યા (3), કંઈક (3), દબાણ (3), ચીફના (3), ઘણાં (3), સુધારા (3), જવાબદાર (3), સૂચન (3), માનવાનો (3), જોડાય (3), બને (3), માહિતી (3), ઉમેર્યું (3), આઝાદને (3), નહેરુને (3), દરખાસ્તમાં (3), દરખાસ્તોને (3), નકારી (3), આપવી (3), સિદ્ધાંત (3), જનતાનું (3), પ્રતિનિધિત્વ (3), પૂરી (3), મળશે (3), પરિવર્તન (3), નવું (3), દેખાડે (3), જેવો (3), પક્ષ (3), મોકલ્યા (3), નવા (3), નિશાન (3), સ્વરાજ (3), અહિંસાને (3), ઠરાવનો (3), શક્ય (3), છોડવાનો (3), અબુલ (3), કલામ (3), રાજાજી (3), માંગ (3), સંઘમાંથી (3), છૂટા (3), સ્વતંત્રતાને (3), લેવાથી (3), બનાવવામાં (3), દેશની (3), વિવાદ (3), આમંત્રણ (3), સંમત (3), સત્તાવાર (3), ટેકામાં (3), વિદાય (3), વર્ધામાં (3), વહીવટી (3), કાઢી (3), સ્વીકારી (3), પરિણામ (3), અનુભવ (3), રાખવામાં (3), દેવાની (3), પ્રજાકીય (3), દેશવ્યાપી (3), સંગઠન (3), કૉન્ફરન્સે (3), સીધી (3), રાજાઓ (3), સંધિઓ (3), લોકોના (3), લિબરલ (3), જોડાવાની (3), લાગુ (3), રેલવે (3), મોમીન (3), અંદર (3), હિમાયત (3), દાખલા (3), મુદ્દા (3), અંશે (3), એટલું (3), હાથ (3), કાર્ય (3), સાચી (3), ભારતીયોના (3), દૃષ્ટિએ (3), જનતામાં (3), સેના (3), ભરી (3), સારી (3), થોડી (3), આપો (3), વધે (3), જવાનું (3), વિચાર (3), છેઃ (3), લડે (3), ખાસ (3), હાજર (3), અંગે (3), બ્રિટનને (3), લેવા (3), છાપામાર (3), શબ્દ (3), મતભેદો (3), પાયે (3), હરિજન (3), આંદોલનનો (3), હિન્દુસ્તાન (3), પડવા (3), બર્મામાંથી (3), રાષ્ટ્રમાં (3), માનનારા (3), રોકવા (3), લડવા (3), શકું (3), જવાની (3), જોઈતું (3), વિચારવું (3), પક્ષો (3), દુનિયા (3), પોતાને (3), અવાજ (3), એકલા (3), મનોહર (3), લોહિયા (3), અચ્યુત (3), દેવ (3), કહેતા (3), સ્તરે (3), આવું (3), ઠેકાણે (3), વર્ષ (3), લોકોમાં (3), સમજાવતાં (3), જતા (3), ખુલાસો (3), શરૂઆત (3), વચનો (3), જાહેરાત (3), મહિના (3), ખરેખર (3), મેદાનમાં (3), 000 (3), લિન્લિથગો (3), વચ્ચેનો (3), પત્રવ્યવહાર (3), મિદનાપુર (3), સરકારો (3), સપ્ટેમ્બરે (3), કેદ (3), પાસેથી (3), આર્મી (3), સહિત (3), જતી (3), ક્રાન્તિકારીઓ (3), વેપારીઓ (3), પાડી (3), ફાટી (3), અપીલ (3), ૨૮મી (3), હિંદ (3), ઉષાબેન (3), સ્ટેશન (3), પડતાં (3), મહેતા (3), ત્રિરંગો (3), લહેરાવ્યો (3), પોલીસના (3), સ્ટેશને (3), સરકારના (3), વિદ્યાર્થીઓને (3), મળતાં (3), વાજબી (3), પાણી (3), સ્પષ્ટતા (3), મારો (3), દેખાડી (3), આઝાદીની (3), જીત (3), આપ્યા (3), માગી (3), web (3), gurjari (3), ચંદ્ર (3), પૂર્વમાં (3), સુભાષચંદ્ર (3), બોઝને (3), થયેલા (3), સૈનિકોમાં (3), સ્વામી (3), રાઘવને (3), જવા (3), સમય (3), એશિયાના (3), પરિષદમાં (3), થાઈલૅંડમાં (3), જાણે (3), જોરદાર (3), નવાઝ (3), કાઉંસિલની (3), રાજીનામાં (3), અફસરો (3), વિમાન (3), નેતાજીએ (3), હુમલાની (3), હુકમ (3), સમજ્યા (3), ગાન્જીકા (3), નંબરે (3), ઇન્દોકા (3), site (2), with (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), create (2), free (2), website (2), 110 (2), 264 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), લિંક (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), gandhiji (2), આવો (2), email (2), address (2), wikipedia (2), wiki (2), કૅબિનેટે (2), ચીફને (2), સંરક્ષણને (2), બાબતો (2), ભારતીયની (2), હુસેન (2), તેવા (2), હિન્દુસ્તાનીને (2), તરફેણમાં (2), વાઇસરૉયના (2), માર્ગે (2), રાહત (2), બટાલિયનો (2), હુમલાનો (2), સામનો (2), દક્ષિણ (2), જાપાનનાં (2), બ્રિટનનાં (2), કૉમનવેલ્થ (2), નીવડી (2), નજીક (2), ભૂમિ (2), વધી (2), સ્વીકારવી (2), બચાવ (2), ઉતાર્યા (2), ઇન્ફન્ટ્રી (2), યુદ્ધકેદી (2), બાજુએ (2), ઉત્તર (2), હાથતાળી (2), પશ્ચિમના (2), માર્ગમાં (2), આવ્યાં (2), હિંમતથી (2), પડ્યો (2), લડાઈમાંથી (2), બહાદુર (2), કારણસર (2), બ્રિટનનો (2), સંકટમાં (2), નવેમ્બરમાં (2), કબ્જો (2), લાઇનો (2), કપાઈ (2), ઈટલીની (2), ખૂનખાર (2), પરાજય (2), હિન્દુસ્તાનીઓએ (2), સફળતા (2), ઓળખાય (2), ડિવીઝને (2), રાષ્ટ્રોની (2), વધવા (2), નાની (2), મહત્ત્વનો (2), ડિસેમ્બરના (2), થતાં (2), ચીન (2), કાર્યવાહી (2), લાગ્યું (2), ઉપર (2), ધરી (2), સૈનિકોની (2), સાહસ (2), સ્ટેટ (2), બોલતાં (2), પક્ષના (2), પ્રકરણમાં (2), સુભાષબાબુની (2), સબમરીન (2), માનતો (2), પ્રયત્ન (2), નિષ્ફળ (2), ભારતનો (2), વાંધો (2), આવવું (2), ખર્ચ (2), દોર (2), માર (2), કાં (2), ભાગવું (2), લીધેલા (2), રહ્યાં (2), આવતું (2), જોયું (2), પક્ષોના (2), હિન્દુઓને (2), સેનામાં (2), કહેવા (2), ખાનગી (2), બ્રિટિશરોને (2), દેશો (2), મુસલમાનોની (2), સુભાષચન્દ્ર (2), બનાવેલા (2), સહાનુભૂતિ (2), પત્રકારો (2), ક્રિપ્સના (2), વાતચીતમાં (2), કામમાં (2), પ્રતિનિધિને (2), કરેલી (2), પ્રમુખે (2), અસ્વીકાર (2), એક્ઝીક્યુટિવ (2), કાઉંસિલમાં (2), બાબતોમાં (2), વિષયો (2), મરજીથી (2), અધિકારીઓએ (2), ટેકનિકલ (2), આધારે (2), આડે (2), વિશેના (2), સ્વીકારવા (2), મુશ્કેલીઓ (2), રાખવાનું (2), પ્રકાશિત (2), વિનંતિ (2), કૅબિનેટની (2), અત્યારના (2), બંધારણીય (2), વ્યવસ્થાને (2), દરખાસ્ત (2), માગતો (2), નવો (2), દાખલ (2), સિદ્ધાંતને (2), કરોડની (2), આઝાદીનો (2), અઠવાડિયા (2), દિલ્હીમાં (2), માગણીનો (2), પડઘો (2), પડતો (2), ભાર (2), મેળવીને (2), સભા (2), પોતાનો (2), શરત (2), અનિવાર્ય (2), સ્વીકારે (2), પછીથી (2), પૂર્ણ (2), બંધારણસભાની (2), ચૂંટણી (2), સમયે (2), પક્ષની (2), દેખાવા (2), અર્થઘટન (2), સુકાન (2), સોંપવામાં (2), રાજીનામું (2), ડિસેમ્બરની (2), કમિટીની (2), છોડવાની (2), પડવાનો (2), કોમી (2), બહાને (2), અવરોધો (2), નામે (2), રાખવો (2), બનાવવા (2), સંતાનમે (2), રાજગોપાલાચારી (2), ઠરાવના (2), પરવાનગી (2), સભ્યોએ (2), વ્યક્તિગત (2), ઠરાવો (2), ૨૯મી (2), ઍપ્રિલે (2), ખુલાસા (2), વિશેનો (2), પૂરો (2), માગણીને (2), ધ્યાનમાં (2), હમણાં (2), મહાસભાની (2), દલીલો (2), પ્રાંતોની (2), આત્મનિર્ણયના (2), મતદાર (2), મંડળ (2), લેવાય (2), ૧૧મી (2), એપ્રિલે (2), રાખ્યું (2), દેખાઈ (2), શાંતિથી (2), પ્રયાસ (2), ક્લાસિસના (2), ટકા (2), મજૂરો (2), સ્ટેટ્સ (2), પીપલ્સ (2), આપ્યું (2), આડકતરી (2), માનતી (2), હોવાનું (2), જણાય (2), આવા (2), ઉલ્લેખ (2), આજના (2), આજની (2), વખતની (2), રાખવું (2), ડોમિનિયન (2), આવકાર (2), આપવાનાં (2), જુદાં (2), કૉન્ફરન્સ (2), અવિશ્વાસ (2), મહાસભાએ (2), બહારની (2), રાષ્ટ્રો (2), જોડાતાં (2), સંયોગોમાં (2), વિકલ્પ (2), અંગ્રેજી (2), એકતાનો (2), બનશે (2), સલામતી (2), વ્યક્તિઓ (2), સહકારથી (2), કરનારા (2), રહેલા (2), સપ્રુ (2), પ્રતિસાદ (2), લેવાની (2), કાર્યોમાં (2), અત્યારે (2), ઇચ્છે (2), cwmg (2), જુલાઈમાં (2), ગાંધીજીનો (2), મુસદ્દો (2), મુલ્કી (2), કહીએ (2), અમને (2), બદલામાં (2), તમારા (2), દેશમાંથી (2), અમારા (2), જાપાનીઓ (2), કબજામાં (2), દલીલ (2), શરતો (2), આપણને (2), ગમે (2), મેદાન (2), દેશે (2), રોકી (2), આપણા (2), પ્રભાવ (2), જીતશે (2), જર્મની (2), ધારણા (2), નિષ્ક્રિય (2), સામ્રાજ્ય (2), ભાવના (2), રહેવા (2), સફળ (2), રાખવાની (2), aicc (2), શબ્દો (2), વાપર્યા (2), કાનૂની (2), તાલીમ (2), કાર્યક્રમો (2), અંકમાં (2), ખતરા (2), રહેતા (2), સારું (2), રિપોર્ટમાં (2), ૨૬મી (2), અમેરિકી (2), શાસન (2), કરતું (2), છોડવું (2), ચડી (2), જવાહરલાલે (2), કરીએ (2), બંગાળ (2), જનતાને (2), કેટલાંયે (2), ખાલી (2), અખત્યાર (2), બાળી (2), ખાધાખોરાકી (2), જિન્નાએ (2), સમાધાન (2), આક્ષેપ (2), મળવું (2), જોઈ (2), જોઈશે (2), ભૂલી (2), સત્ય (2), શકીએ (2), સમસ્યા (2), લડી (2), સામસામે (2), ખ્યાલ (2), આપવાના (2), દિવસની (2), સવારે (2), મંત્ર (2), ઇંગ્લેંડ (2), મેળવવા (2), ગણાય (2), મારે (2), રહેવું (2), તું (2), દુનિયાની (2), બોલ્યા (2), સમજતા (2), પટવર્ધન (2), દાવાને (2), મોરચો (2), લાખો (2), ભવિષ્યના (2), સમાન (2), સુધારામાં (2), બીજું (2), સુચન (2), સુધારો (2), વરસ (2), ચળવળ (2), મર્યાદિત (2), વલ્લભભાઈએ (2), આટલી (2), પૈસા (2), મળવા (2), કોઈક (2), અમેરિકા (2), સાથ (2), સહકાર (2), શકશે (2), ભરોસો (2), અમેરિકામાં (2), સાચું (2), જણાઈ (2), બધે (2), ફ્રંટ (2), તંત્ર (2), કાર્યક્ષમતા (2), ગેરસમજણ (2), વાળી (2), અખબારો (2), આંતરરાષ્ટ્રીય (2), કોઈને (2), ફેંકાયો (2), ઉલ્ટું (2), વ્યક્ત (2), તારીખે (2), મુલતવી (2), મંજૂરી (2), કરું (2), ૬૦૦ (2), સત્તાએ (2), પાછું (2), સંદર્ભમાં (2), બન્યો (2), અડગ (2), બ્રિટિશરોએ (2), aiccની (2), તેનું (2), સંયુક્ત (2), નિરાશામાં (2), ૧૯૪૨ની (2), દિવસોમાં (2), વાઇસરૉયને (2), શિકાર (2), આનો (2), પોલિસ (2), ૧૭મી (2), ડિસેમ્બરે (2), સૂતાહાટા (2), કેસો (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), આગેવાની (2), પાંચ (2), સામેની (2), અસંખ્ય (2), કેટલાયે (2), રેલવેની (2), છોડ્યા (2), યુક્ત (2), બિહારમાં (2), નાગપુર (2), મોકલીને (2), જિલ્લાની (2), નુકસાન (2), લેવાનું (2), ચોખાની (2), નિકાસ (2), ક્રાન્તિ (2), આઠમી (2), ગામોમાં (2), ધરપકડનો (2), સંભાળી (2), બિહાર (2), સરહદે (2), પોલીસને (2), છૂટ્યા (2), જેલની (2), જયપ્રકાશ (2), નારાયણ (2), થઈને (2), રહીને (2), અહિંસાની (2), બાતમી (2), ઑફિસ (2), લક્ષ્ય (2), વિદ્યાર્થીઓ (2), જુદી (2), સુધીમાં (2), બોંબ (2), સ્થળોએ (2), પડતા (2), સદંતર (2), ૧૪મી (2), ઝવેરી (2), બચવા (2), વર્ષની (2), સવાર (2), ફેલાઈ (2), તાર (2), કાપી (2), શહેરોમાં (2), ૧૫મી (2), દાવો (2), સેવાઓ (2), બેસાડી (2), દેવાયા (2), યરવડા (2), જવાના (2), પ્રદેશ (2), સત્યાગ્રહ (2), સમિતિ (2), કેબિનેટે (2), જલદ (2), ઉપવાસની (2), ગવર્નરો (2), દેવાયો (2), વખત (2), લાંબો (2), કરીશ (2), અંત (2), વળી (2), ધરપકડ (2), નીકળે (2), રાખી (2), ઊતરી (2), હોવાનો (2), ધૂળ (2), આઝાદીને (2), છૂટી (2), જોતાં (2), રાહ (2), શાણપણની (2), પડતી (2), રાખતી (2), કહી (2), netaji (2), subhash (2), chandra (2), bose (2), his (2), life (2), work (2), translated (2), from (2), gujarati (2), બોઝઃ (2), જીવન (2), લેખકઃ (2), મોહનલાલ (2), સોપાન (2), પ્રકાશન (2), ૧૯૪૬ (2), રંગૂન (2), યંગોન (2), કમર (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), અફવા (2), સિંઘના (2), ina (2), સેનાના (2), પ્રતિનિધિઓએ (2), બોઝના (2), પ્રમુખપદે (2), મળવાનું (2), ધર્મ (2), સાથેની (2), નાગરિકો (2), ભગવાન (2), ભરોસે (2), અધિકારીઓને (2), થાઈલેંડથી (2), સત્યાનંદ (2), પુરી (2), જાપાનમાં (2), બેંગકોકથી (2), સિંગાપુરમાં (2), ફેબ્રુઆરીએ (2), નેતાઓએ (2), માગ્યો (2), મેળવી (2), સૈન્યે (2), સ્વાગત (2), સાથીઓએ (2), સુભાષબાબુએ (2), સ્વાતંત્ર્ય (2), મેળવતા (2), ઉત્સાહથી (2), લાલ (2), કિલ્લામાં (2), કેસ (2), સંપર્ક (2), સુભાષબાબુનું (2), પરાક્રમ (2), માટેનું (2), મહત્વ (2), સંપર્કમાં (2), સિંઘને (2), યુદ્ધકેદીઓ (2), યુદ્ધકેદીઓને (2), મલાયાના (2), પસાર (2), માગતું (2), અધિકારીઓની (2), રાઘવનને (2), વર્તન (2), ટુકડી (2), ફોજોના (2), સંબંધો (2), નાગરિકોને (2), લાગ્યાં (2), હજારો (2), ઑગસ્ટમાં (2), વિદેશી (2), હિન્દુસ્તાનની (2), કમાંડ (2), નિર્ણયોને (2), તોજોએ (2), તૂટી (2), ફટકો (2), દીપક (2), પગપાળા (2), રસ્તામાં (2), ઝાંસી (2), રાની (2), ખાનના (2), સાધનસામગ્રીની (2), વળતો (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), મળ્યો (2), પોતાનાં (2), અહીંથી (2), પાછળથી (2), લક્ષ્મી (2), માર્યો (2), ઑફિસર (2), છૂટવાની (2), ચેતવણી (2), સૈનિકોએ (2), ફોજનું (2), લાખ (2), ત્યાંના (2), રંગૂનમાં (2), આંદામાન (2), નિકોબાર (2), ટાપુઓ (2), design, વેબસાઇટ, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, report, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, મંગળ, સોમ, 2026, તારીખીયું, સંગ્રહ, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, subjects, 139, quit, oceanic, circle, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, britannica, place, cyrenaica, malaysia, ગાથા, મોકલેલું, હકુમત, વિરોધનો, વંટોળ, ઊઠ્યો, પંડિત, હૃદયનાથ, કુંજરુએ, ફરજોમાંથી, લાગણી, પાદશાહ, નિમાયેલા, યાકૂબે, કાઉંસિલનું, વિસ્તરણ, ખોટું, લોકોનો, સંભાળવા, નીમવોએ, કુંજરુના, વિરોધમાં, તટસ્થ, માનવો, પાંસઠ, બર્માથી, મલાયાથી, ભાગે, સમુદ્ર, દિવસોદિવસ, સમુદ્રમાર્ગ, જોખમી, બનતો, જાતિવાદ, આચરાતો, હોવાની, ફરિયાદો, ઊઠી, મલાયાની, ગોરખા, બટાલિયનોએ, નોંધઃ, મલેશિયાનો, સિયામ, થાઈલૅન્ડ, માંથી, ડિવીઝનો, એકીસાથે, ત્રાટકી, નૌકા, ચડિયાતાં, સાબીત, રોડ, ચીની, લેતાં, લાંબી, એટલો, હિન્દની, સમુદ્રમાર્ગે, બોમ્બમારો, મોરચાઓની, કૅનેડિયન, બટાલિયન, ચૌદમી, પંજાબ, રેજિમેંટ, હોંગકોંગ, રૉયલ, આર્ટીલરીને, ટૂંકી, તીવ્ર, શરણાગતી, સંખ્યાબળ, માઇલના, વિસ્તારનો, દળની, ચારગણા, અધિકારી, જાપાનીઓના, હાથમાંથી, છટકીને, સૈનિકોનાં, વખાણ, બૅન્ગાઝીમાં, એકલી, બ્રિગેડનો, ઓચિંતા, જર્મનીએ, ગોઠવ્યો, નીકળવા, બેન્ગાઝીની, પૂર્વથી, નીકળવાની, જર્મનીને, દુર્ગમ, અકલ્પ્ય, માર્ગેથી, જગ્યાએ, જર્મન, બંકરો, આડુંઅવળું, સમજાવીને, મરણિયો, ચીફે, મધ્યપૂર્વમાં, આવેલા, અધિકારીએ, સૈનિકોનો, અખૂટ, જર્મનીનો, રોમેલ, જેદાબિયાના, પરથી, હવામાનને, સમયસર, વખતનો, ઑચિનલેક, પીછો, શક્યો, જાન્યુઆરીમાં, બાજુની, સેનાઓ, રણમાં, ધૂળની, આંધીઓ, વરસાદમાં, સપડાઈ, રોમેલે, વરસાદને, હવાઈદળ, શક્યું, ડિવીઝનનો, એનીયે, સંદેશાવ્યવહાર, રોમેલના, ઊતરવું, આફ્રિકામાં, વસાહત, અરબીમાં, ઈટલીનાં, ડિવિઝન, જંગ, ખેલાયો, ઈટલીનો, અપ્રતિમ, શૌર્યનો, પરિચય, કરાવ્યો, બધામાં, ડિવીઝનને, જબ્બરદસ્ત, રણનું, desert, war, ઈજિપ્તના, મોરચેચોથી, જર્મનીનાં, સેનાઓને, જૂનથી, ડિવીઝનની, ઈજિપ્તની, દક્ષિણે, બેટ, લિબિયામાં, બરકા, કૂદી, રાષ્ટ્રોને, તેલ, રાષ્ટ્રોએ, પ્રતિબંધ, ફોજોને, હરાવતાં, ખતરો, ઝળૂંબવા, ઈસ્ટ, આફ્રિકા, સીરિયા, ઇરાક, ઈરાનમાં, રાષ્ટ્રોનાં, મહાત, નૌકાશક્તિ, ઘૂંટણિયાભેર, સંખ્યા, એઅના, બહાદુરી, બલિદાનની, ઇતિહાસમાં, પરાજયનું, મોઢું, જોવું, હારનારા, સાહસની, મોરચાની, ઊડતી, નાખીએ, જર્મનીની, વાંચ્યું, આવવાની, જાણીને, અનંત, વિસ્તારવાદી, છેક, જર્મનીથી, ખુવારીની, ફાયદાકારક, યુદ્ધનાં, વર્ષોમાં, નસીબે, ખાવાનું, લખાયેલું, પ્રદેશો, છોડવા, એકંદર, નિયંત્રણ, નીચે, લડતાં, સહિતનાં, સરકતાં, ધસમસતું, વિશ્વયુદ્ધમાં, ઘસડ્યું, જોયા, કહેતી, આપશો, વાતને, કસમયની, ગણતી, હિન્દુઓનું, લશ્કરીકરણ, પ્રોત્સાહિત, તાલીમના, કૅમ્પો, ચલાવ્યા, નીતિનું, તત્ત્વ, માગણીની, અપનાવ્યો, વિશ્વયુદ્ધ, વર્તનને, નારાજી, અન્યાય, હિતોનું, ફૉરવર્ડ, બ્લૉકની, ઊંબરે, ભલામણો, હિન્દ્દુ, મક્કમ, ભાંગી, છેલ્લા, ઇન્ટરવ્યુ, પુછાયો, કહેત, પ્રગતિ, જૂને, ચીલે, વચ્ચેથી, સરકારમાં, બીજાઓ, દેખાય, માથું, મારવા, ખાતામાં, એવાં, સ્થાન, વગરનું, ફરીથી, ફૉર્મ્યુલા, સૂચનો, પાછામ, મોકલ્યાં, સૂચવો, મેમ્બર, સિવાયના, ભવિષ્ય, સોંપશે, વર્તમાન, વ્યક્તિઓની, પત્રોની, ચીફની, ફરજોમાં, વિભાગનાં, બીજાં, કામો, સોંપવા, નિર્ણયો, દખલગીરી, મૌલાનાને, ખાતાના, સમજાવશે, ફગાવી, પહોંચ્યું, અધૂરી, માળખામાં, સુચવાયો, કાઢવાનો, અપાયો, ગણાવી, હિન્દ્દુસ્તાનની, કુઠારાઘાત, રજવાડાંઓને, અઘરું, રાજ્યો, પ્રજાની, રાખ્યો, દરખાસ્તનો, તાત્કાલિક, મૂક્યો, ૧૯૩૯માં, ત્યારથી, દુનિયાનાં, પ્રગતિશીલ, બળો, ખભેખભા, સમસ્યાઓના, મુકાબલા, માહૌલ, કોંગેસનો, કટોકટીભર્યા, સંજોગોમાં, રક્ષણની, સંભાળે, સીધો, પ્રાંતોનાં, નીચલાં, ગૃહો, પ્રતિનિધિઓને, ચૂંટશે, રાજ્યોને, સભામાં, મોકલવાનો, ઇંડિયામાંથી, ચુંટાયેલા, સંધિ, સંધિમાં, વ્યવસ્થાનું, પાલન, જાતિગત, ધાર્મિક, લાઘુમતીઓને, બંધારણનો, ઇંડિયાનો, હમણાંની, જાળવી, ફાવે, જોડાઈ, સંઘ, દરજ્જો, રજવાડાં, બંધારણસભામાં, બ્રિટનમાં, રૂઢિચુસ્ત, મજૂર, કૅબિનેટ, ચર્ચિલના, લેબર, પાર્ટીના, કૂણું, ચર્ચિલ, ૨૩મી, હતીઃ
Text of the page (random words):
માં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા બ્રિટિશ સરકાર જ્યાં પોતાની વસાહતો હતી ત્યાં હિન્દીઓને જવા દેતી હતી પણ એમનાં સુખસગવડની એને દરકાર નહોતી એમની સાથે ઓરમાયું વર્તન પણ થતું દાખલા તરીકે ભારતીય માલિકીનાં છાપાં પર સેન્સરશિપ લાગુ થતી હતી પણ બ્રિટિશ માલિકીના અખબારો આવાં બંધનોથી મુક્ત હતાં આથી બ્રિટિશ સત્તા માટે એમના મનમાં જરાય આદરભાવ નહોતો થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા મલાયા સિંગાપુર વિયેતનામ બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો એનું નિશાન ઇમ્ફાલ હતું જાપાને ૭૦ ૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬ ૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું સામે પક્ષે બ્રિટનના દળમાં ગોરખાઓ બીજા ભારતીયો વગેરે મળીને ૧ ૨૦ ૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું ચારે બાજુ બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું અને એમને ભગવાન ભરોસે મૂકી દીધા હતા કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી તારા પર ગોળી વેડફાય નહીં એવા ભાવ સાથે તલવાર કાઢી બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ ઇન્દોકા ગાન્જીકા સહગલ ઇન્દોકા નો અર્થ તો સમજ્યા અને કહ્યું ઇન્દોકા યસ ગાન્જીકા નો તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો સહગલે વળતો મુક્કો માર્યો પણ પછી જાપાની બોલવા લાગ્યો કે નિપ્પોન પહેલા નંબરે જનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે હવે સહગલ સમજ્યા કે ગાન્જીકા એટલે ગાંધીનો માણસ એટલે કે હિન્દુસ્તાની એમણે હા પાડી પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલ શાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં ઇમ્ફાલ ભણી કૂચ ૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો બોઝ અને ગાંધી બ્રિગેડો ઍક્શન માં હતી અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ મોરે સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો અહીંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫ ૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ સી ચૅટરજીની નીમણૂક કરી દરમિયાન ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી ઘણા ઇતિહાસકારો ઇમ્ફાલની લડાઈની સરખામણી જાપાનના ઓકિનાવા અને રશિયાના લેનિનગ્રાદ માટેની લડાઈ સાથે કરે છે હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી વરસાદ અને દગાખોરી પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી એ ફરી સંગઠિત થવા લાગ્યાં ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો બીજી બાજુ આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એની હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજ સાધનસામગ્રીની ખેંચ ભોગવતી હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી આમ છતાં ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છ એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો ચલો દિલ્હી પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા એમણે મોરચા પર લડનારાઓથી અલગ સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા ચલો દિલ્હી અને ખૂન ખૂન ખૂન ઘરઆંગણા માટે એમના નારા હતા કુલીય ભરતી અને કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર બીજા હુમલાની તૈયારી નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી સિંગાપુર મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી આ દળોએ પહેલાં જનરલ એન એસ ભગત એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ પ્રેમ કુમાર સહગલ અને કર્નલ એસ એમ હુસેનને સોંપાઈ આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી મેજર મદાન મેજર રિયાઝ મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા આમ છતાં મેજર જનરલ શાહ નવાઝ ખાન કર્નલ પ્રેમ કુમાર સહગલ કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ અર્શદ કર્નલ હુસેન મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા હતા પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાનનાં વળતાં પાણી થઈ ગયાં હતાં હવે જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા એમની અનિચ્છાની પરવા કર્યા વિના એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હેં આઝાદી દૂંગા નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ અંત આવ્યો અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા 000 સંદર્ભઃ 1 ina saga by sardar ram singh rawal publication date not available 2 the forgotten army by peter ward fay the university of michigan press 3 https www livehistoryindia com history daily 2020 03 25 battles of imphal kohima a time to heal https idsa in system files jds jds_8_3_2014_hemantkatoch pdf શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો ઈમેલઃ dipak dholakia gmail com બ્લૉગઃ મારી બારી like loading author dipak dholakia posted on 06 05 2021 08 05 2021 categories uncategorized tags ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ dipak dholakia india slavery and struggle for freedom web gurjari leave a comment on india slavery and struggle for freedom part 4 chapter 37 india slavery and struggle for freedom part 4 chapter 35 ભારત ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ૪ અંતિમ તબક્કો ૧૯૩૫થી ૧૯૪૭ પ્રકરણ ૩૫ સુભાષબાબુનું પરાક્રમ ૨ સુભાષબાબુના મૃત્યુની અફવા રૂટર સમાચાર સંસ્થાએ સમાચાર આપ્યા કે સુભાષચંદ્ર બોઝ થાઈલૅંડથી ટોકિયો જતા હતા ત્યારે એમનું વિમાન તૂટી પડતાં માર્યા ગયા છે બે ત્રણ દિવસ વાતાવરણમાં અજંપો અને વ્યાકુળતા રહ્યાં તે પછી ખુલાસો થયો કે મરનાર સુભાષચંદ્ર બોઝ નહીં પણ રાસ બિહારી બોઝ હતા વળી ખુલાસો આવ્યો કે રાસબિહારી બોઝ હેમખેમ હતા જો કે દૂર પૂર્વના હિન્દુસ્તાનીઓ માટે તો આ હવાઈ અકસ્માત ભારે નુકસાન જેવો જ રહ્યો થાઈલેંડથી ટોકિયો આવતું જે વિમાન તૂટી પડ્યું તેમાં ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના ચાર નેતાઓ હતા સ્વામી સત્યાનંદ પુરી સરદાર પ્રીતમ સિંઘ કે એ એન નાયર અને કૅપ્ટન અકરમ મહંમદ ખાન આ બહુ મોટો ફટકો હોવા છતાં ટોકિયોમાં પરિષદ ચાલુ રહી રાસ બિહારી બોઝના પ્રમુખપદ હેઠળ પરિષદે ઠરાવ પસાર કરીને વિશ્વાસ જાહેર કર્યો કે આ યુદ્ધ પછી બ્રિટને એશિયા છોડવું જ પડશે જાપાનના શહેનશાહની સરકાર વતી પ્રીમિયર જનરલ તોજોએ ભારતની આઝાદીની નીતિ જાહેર કરી હતી તોજોએ કહ્યું હતું કે ભારત માટે બ્રિટનની ગુલામીમાંથી મુક્ત થવાની આ સોનેરી તક છે તેને ધ્યાનમાં લઈને પરિષદે જાપાન સાથે સહકાર સાધવાનો નિર્ણય કર્યો એમણે ઍક્શન કાઉંસિલ બનાવી અને તેમાં ભારતીય સૈનિકો અને નાગરિકોને સમાન પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય લીધો હિન્દુસ્તાની યુદ્ધકેદીઓને તો પહેલાં જ મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને સોંપી દીધા હતા વિદેશી સંબંધો નાણાં વિભાગ પોલીસ વ્યવસ્થા વગેરે ખાતાંઓ બનાવવામાં આવ્યાં અને ઇંડિયન નૅશનલ આર્મી ના હેડક્વાર્ટર્સની પણ રચના કરી અને એના હસ્તક વૉર ડિપાર્ટમેન્ટ ભરતીનું ખાતું યુદ્ધકેદીઓ માટેનું ખાતું વગેરે તંત્ર પણ ગોઠવવામાં આવ્યું આ બધા નિર્ણયોને બેંગકોક પરિષદમાં નક્કર રૂપ આપવામાં આવ્યું ટોકિયો પરિષદે એક ઠરાવમાં જાપાનની શાહી સરકાર ભારત વિશેના વલણમાં વધારે સ્પષ્ટતા કરે એવી માગણી કરી અને ભારતની સંપૂર્ણ આઝાદીની ખાતરી માગી અને નાણાંકીય મદદ આપવા જાપાનને વિનંતિ કરી ઠરાવમાં સ્પષ્ટતા કરવામાં આવી કે આ મદદ લોનના રૂપમાં હશે અને આઝાદ ભારતની રાષ્ટ્રીય સરકાર બનશે ત્યારે એ લોન પાછી ચૂકવી દેવાશે એમણે ફરી મે મહિનામાં મળવાનું નક્કી કર્યું સુભાષબાબુ સાથે સંપર્ક ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો બેંગકોક પરિષદને જબ્બર સફળતા મળી હિન્દુસ્તાનીઓ સંઘર્ષ માટે કમર કસીને ઊભા થયા એમાં ટોકિયો પરિષદના નિર્ણય પ્રમાણે કાઉંસિલ ઑફ ઍક્શનના સભ્યો નિમાયા એનું કાર્યક્ષેત્ર નક્કી કરવામાં આવ્યું અને જુદા જુદા સ્તરે ફરજો અને અધિકારોની વહેંચણી કરવામાં આવી જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી કાઉંસિલ ઑફ ઍક્શન પણ લીગ હેઠળ જ કામ કરવાની હતી એ લીગની સર્વોચ સત્તાધારી સમિતિ હતી આઝાદ હિન્દ ફોજ જાપાનથી સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની હતી તેમ છતાં ભારતની આઝાદી માટે જરૂરી જણાય તો આઝાદ હિન્દ ફોજને જાપાન સાથે સંયુક્ત કમાંડ હેઠળ મૂકવાનો અધિકાર પણ કાઉંસિલ હસ્તક રાખવામાં આવ્યો આમ જાપાન ભારત તરફ આગળ વધે તેમાં આઝાદ હિન્દ ફોજ પણ જોડાવાની હતી જો કે એ પણ નક્કી કરવામાં આવ્યું કે ભારતની ભૂમિ પર કોઈ લશ્કરી કાર્યવાહીમાં જોડાતાં પહેલાં કાઉંસિલ ભારતમાં કોંગ્રેસની ઇચ્છા અને નિર્ણયોને જ અનુસરશે પરિષદનો એક નિર્ણય એ હતો કે ભારતમાં બ્રિટિશ સૈન્યમાં રહેલા ભારતીયોમાં પણ અસંતોષ અને દેશદાઝ ફેલાવવા માટે તમામ પ્રયાસ કરવા કે જેથી લશ્કરમાં જ બળવો ફાટી નીકળે લીગ સામેની મુશ્કેલીઓ બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ભારત છોડો આંદોલન શરૂ થયું કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી જાપાની સૈન્યે હવે આઝાદ હિન્દ ફોજના કામમાં અવરોધો ઊભા કરવાનું શરૂ કર્યું એક વાર તો જાપાને આઝાદ હિન્દ ફોજના નેતાઓ કોમવાદી હોવાનો આક્ષેપ કર્યો બેંગકોક પરિષદે જાપાન સરકાર પાસેથી અમુક સ્પષ્ટીકરણ માગ્યાં હતાં એ બાબતની મૌખિક ચર્ચાઓમાં જાપાની અધિકારીઓ સહાનુભૂતિ અને સંમતિ દેખાડતા પણ સત્તાવાર રીતે કદીયે સ્પષ્ટીકરણો ન મળ્યાં પરિષદે પસાર કરેલા ઠરાવો વિશે પણ જાપાન સરકારે સંપૂર્ણ મૌન ધારણ કરી લીધું કાઉંસિલ ઑફ ઍક્શન આઝાદ હિન્દ ફોજ અને જાપાની ફોજને સમકક્ષ માનવાનો આગ્રહ રાખતી હતી પણ જાપાન એના માટે તૈયાર નહોતું અને એ બાબતમાં સ્પષ્ટ કહેવા પણ નહોતું માગતું મલાયામાં બનેલી એક ઘટનામાંથી ચોખ્ખું દેખાયું કે જાપાની સેનાના અધિકારીઓની નજરે બેંગકોક પરિષદની માગણીઓની કંઈ કિંમત નહોતી ત્યાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું એક કેન્દ્ર રાઘવન ચલાવતા હતા એક રાતે જાપાની લશ્કરી અફસરો ત્યાં આવ્યા અને કેટલાક છોકરાઓને પસંદ કરીને પોતાની સાથે લઈ ગયા અને ત્યાંથી પોતાના પ્રચાર માટે ભારત મોકલી દીધા રાઘવનને ખબર પડી ત્યારે એમણે વાંધો લીધો પણ જાપાની અફસરોએ મચક ન આપી અંતે રાઘવને એ કેન્દ્ર બંધ કરીને વિદ્યાર્થીઓને એમનાં માતાપિતા પાસે મોકલી દીધાં કેન્દ્ર બંધ થયું તેને જાપાની અધિકારીઓએ અપમાનજનક કૃત્ય માન્યું અને રાઘવનને એમના જ ઘરમાં જ નજરકેદ કરી દીધા હવે જાપાની અધિકારીઓની કિન્નાખોરી માઝા મૂકી ગઈ એમણે કેટલાયે હિન્દુસ્તાની નેતાઓને જાસૂસીના આરોપસર પકડીને જેલ ભેગા કરી દીધા તે સાથે જ એમણે એવું વર્તન શરૂ કર્યું કે જાણે આઝાદ હિન્દ ફોજ એમના તાબામાં હોય એમણે હિન્દુસ્તાની સૈનિકોની એક ટુકડી તૈયાર કરી અને એને બર્માના મોરચે લડવા મોકલી દીધી આની દૂરગામી અસર બન્ને ફોજોના પરસ્પર સંબંધો પર પડી કાઉંસિલની તાબડતોબ મીટિંગ મળી અને એણે બર્મા મોકલાયેલા સૈનિકોને જાપાની કમાંડરના હુકમોનું ઉલ્લંઘન કરવાનો આદેશ આપ્યો જાપાન હિન્દુસ્તાનીઓનો ઉપયોગ ચિત્તાગોંગ પર હુમલા માટે કરવા માગતું હતું બેંગકોક પરિષદમાં નિર્ણયથી એ તદ્દન વિરુદ્ધ હતું ઇંડીપેન્ડન્સ લીગ આમાં તો સફળ રહી પણ બન્ને ફોજોના અધિકારીઓ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ એના કરતાં પણ વધારે ખરાબ વાત તો એ બની કે ખુદ હિન્દુસ્તાનીઓમાં જ તડાં પડી ગયાં એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી તેમાં મલાયાના એન રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવ...
|