Meta tags:
description= દીપક ધોળકિયા;
Headings (most frequently used words):
of, martyrs, indian, freedom, struggle, સુભાષબાબુનું, પરાક્રમ, adventurous, subhashbabu, dipak, the, salt, satyagragha, and, its, nation, wide, ramifications, dholakia, spam, blocked, મારી, બારી, 68, 1942, ૧૯૪૨ના, શહીદો, 67, 66, 65, gandhiji, oceanic, circle, ગાંધીજીનું, સમુદ્રી, વર્તુળ, 64, 63, quit, india, ભારત, છોડો, 62, non, vilolent, khudai, khitamgars, badshah, khan, 61, મીઠાનો, સત્યાગ્રહ, અને, એની, દેશવ્યાપી, અસરો, 60, પોસ્ટ, પૃષ્ઠ, ક્રમાંકન, મેઇલ, દ્વારા, પોસ્ટનો, સંદેશ, મેળવો, તાજેતરના, લેખ, વિભાગ, પાનાંઓ, બ્લૉગના, મુલાકાતીઓ, શોધો, સંગ્રહ, તારીખીયું, bgbs03131, dholakiaa, લેખસંગ્રહ, blog, stats, પૂર્વ, ભારતમાં, સવિનય, કાનૂન, ભંગ,
Text of the page (most frequently used words):
અને (381), માટે (116), હતા (112), કરી (102), હતો (76), પછી (73), કોઈ (61), નથી (61), સાથે (58), એમને (57), હતી (56), એમણે (53), પરંતુ (49), #martyrs (48), કર્યો (48), એમના (48), struggle (47), હતું (47), ત્યારે (47), પોલીસે (46), આપણે (46), freedom (45), indian (44), આઝાદ (44), મૃત્યુ (42), હોય (38), ત્યાં (36), હિન્દ (35), એમની (34), તેમણે (34), ગયા (33), જેલમાં (32), ભારત (32), નહીં (32), તેના (32), તરીકે (32), શરૂ (31), સપ્ટેમ્બર (31), નવેમ્બર (31), જાન્યુઆરી (30), સુધી (30), ઓક્ટોબર (29), ડિસેમ્બર (29), 2024 (29), થયું (29), 2025 (28), બ્રિટિશ (28), કહ્યું (28), ઓગસ્ટ (27), એટલે (27), તેમાં (27), રીતે (27), કરવા (27), જિલ્લો (27), જુલાઇ (26), માર્ચ (26), એપ્રિલ (26), થાય (26), ગોળીબાર (26), કર્યું (26), જૂન (25), 2019 (25), 2020 (25), સામે (25), ગાંધીજીએ (25), બીજા (25), 2016 (24), 2017 (24), 2018 (24), 2021 (24), 2023 (24), ભાગ (24), કરે (24), 2012 (23), 2015 (23), કારણ (23), શકે (23), આપી (23), જાપાની (23), જોઈએ (23), ફેબ્રુવારી (22), કરતાં (22), લોકો (22), અલગ (22), સરઘસ (22), ગામ (21), ખાન (21), છોડો (21), છીએ (21), કોંગ્રેસ (20), લીધો (20), તેમને (20), પોતાની (20), શું (20), સરકારે (19), એના (19), આવ્યા (19), એને (19), બધા (19), હવે (19), તેઓ (19), ઑગસ્ટે (19), તેની (19), આપણી (19), જન્મ (19), 2013 (18), 2022 (18), જાહેર (18), કરીને (18), આવી (18), થયા (18), વિશે (18), કારણે (18), ગાંધીજી (18), રાજકીય (18), તેમના (18), મારી (17), ૦૦૦ (17), માં (17), છતાં (17), સૈનિકો (17), 2011 (16), તેને (16), લીધા (16), બની (16), પોલીસના (16), એમનું (16), બહુ (16), જાપાન (16), મદદ (16), નીકળ્યું (16), નામ (15), dipak (15), and (15), પકડી (15), કરવાનો (15), સજા (15), કરવામાં (15), દીધી (15), રહ્યા (15), કામ (15), તેમની (15), તરફ (15), બાદશાહ (15), સરકાર (15), કરવાની (15), મેજર (15), જ્યારે (15), ધર્મ (15), ઈશ્વર (15), 2014 (14), દેશમાં (14), સંઘર્ષ (14), આંદોલન (14), હું (14), ત્રણ (14), લોકોને (14), તૈયાર (14), આવે (14), હિંસા (14), પહોંચ્યા (14), જાપાને (14), પ્રેમ (14), શક્તિ (14), dholakia (13), વખતે (13), પહેલાં (13), ફરી (13), ધરપકડ (13), લીધી (13), પૂર્વ (13), માનતા (13), નહોતા (13), સત્યાગ્રહ (13), આંદોલનમાં (13), જોડાયા (13), પાસે (13), નહોતો (13), રહી (13), નેતાઓ (13), એમાં (13), વાત (13), પોતાના (13), જીવન (13), હિન્દુસ્તાની (13), સુભાષબાબુ (13), સૌથી (13), પટેલઃ (13), india (12), adventurous (12), subhashbabu (12), મોહન (12), બાજુ (12), ગયું (12), આઝાદી (12), પામ્યા (12), અમદાવાદ (12), ભારે (12), માત્ર (12), સિંઘ (12), સત્ય (12), બીજી (12), નેતાજી (12), તેથી (12), like (11), history (11), પોલીસ (11), દરમિયાન (11), દીધા (11), ભારતની (11), ઉપયોગ (11), પટેલ (11), વર્ષ (11), બન્યા (11), મળી (11), મૂળ (11), અથવા (11), ખરાબ (11), દીધું (11), આપ્યો (11), વગેરે (11), ગયો (11), ગાંધીજીના (11), શકાય (11), સામાન્ય (11), માનવ (11), નહોતી (11), ભારતીય (11), જરૂર (11), આપણા (11), પ્રયાસ (11), ફક્ત (11), વધારે (11), દ્વારા (10), leave (10), comment (10), tags (10), categories (10), posted (10), author (10), loading (10), પહોંચી (10), હતાં (10), વિના (10), ગામમાં (10), સ્પષ્ટ (10), ખેડા (10), લીધું (10), ચાલુ (10), બધું (10), મને (10), બધી (10), કૅપ્ટન (10), તેનો (10), તેમ (10), ખુદાઈ (10), સમિતિ (10), જેમ (10), વચ્ચે (10), આગળ (10), પ્રમાણે (10), હિન્દુસ્તાનીઓ (10), નાગરિક (10), ફોજમાં (10), કુમાર (10), કહે (10), સારપ (10), ધાર્મિક (10), બુરાઈ (10), આરઝી (10), કુશલ (10), com (9), રહ્યું (9), web (9), gurjari (9), કોઈનો (9), લાડકવાયો (9), અંતે (9), ચાર (9), સૂરત (9), અસંખ્ય (9), અહીં (9), કરવાનું (9), સમય (9), થવા (9), ત્યાંથી (9), નિર્ણય (9), તરત (9), યાદ (9), સામાજિક (9), લશ્કરી (9), ગોળીબારમાં (9), ઇંડીપેન્ડન્સ (9), ઇંડિયન (9), મહાત્મા (9), સુભાષબાબુએ (9), ગાંધી (9), સહગલ (9), હશે (9), ક્ષમતા (9), વર્તુળ (9), મારા (9), કર્નલ (9), આંદામાન (9), પસંદ (8), સંદેશ (8), the (8), salt (8), કોંગ્રેસના (8), આવ્યું (8), આથી (8), મોકલી (8), પાછા (8), નાખી (8), લોકોએ (8), પડી (8), કબજો (8), વિરોધ (8), ઘાયલ (8), volume (8), ચંદ્ર (8), ઑગસ્ટ (8), છોડી (8), કંઈ (8), એમનો (8), ઘણા (8), કહી (8), આપે (8), આપ્યું (8), સમક્ષ (8), આપવા (8), જશે (8), ભાર (8), ડિસેમ્બરે (8), બહાર (8), કરવો (8), કાર્ય (8), બ્રિટન (8), સિંગાપુર (8), ફોજ (8), ભારતના (8), ભારતીયો (8), બોઝ (8), પડે (8), ક્યારેય (8), કેટલાક (8), આપણને (8), ઈશ્વરની (8), બારી (7), પ્રમુખ (7), આખા (7), ગયાં (7), નહેરુ (7), દેવાયા (7), ખબર (7), મીઠું (7), સરકારના (7), સવિનય (7), કાનૂન (7), https (7), chandra (7), 1857 (7), 1947 (7), અહિંસક (7), ગંભીર (7), સક્રિય (7), થયાં (7), હેઠળ (7), આવ્યો (7), ખાસ (7), સરદાર (7), હાથ (7), જવા (7), રિપોર્ટ (7), પહેલા (7), બનાવી (7), એની (7), બીજો (7), ઇંડિયા (7), અંગ્રેજ (7), સૈનિકોને (7), પ્રાંતમાં (7), કોંગ્રેસે (7), સરકારી (7), ફોજે (7), મળ્યો (7), એવી (7), હાથમાં (7), માર્યા (7), ભાગી (7), હજાર (7), સંપૂર્ણ (7), કર્યા (7), નાશ (7), bose (7), સ્વતંત્ર (7), રસ્તો (7), અહિંસા (7), જાપાનના (7), એશિયામાં (7), રાસબિહારી (7), દરેક (7), ફોજના (7), જેવું (7), માણસ (7), શકીએ (7), cwmg (7), પોતાનું (7), એવા (7), જેના (7), સામનો (7), અર્થ (7), કેમ (7), સિદ્ધાંત (7), વચ્ચેના (7), દૈવી (7), આધારિત (7), સમસ્યા (7), ફોજની (7), જનરલ (7), ઇમ્ફાલ (7), કરો (6), શોધો (6), પૃષ્ઠ (6), સંદર્ભઃ (6), થયેલા (6), આપવાનું (6), દીધો (6), કલકત્તામાં (6), નેલી (6), સભા (6), મહિનાની (6), ગેરકાનૂની (6), પાડી (6), ભારતમાં (6), તાલુકો (6), રાષ્ટ્રીય (6), ૧૯૩૦ના (6), અત્યાચારને (6), વર્ષની (6), શાહ (6), રહેતા (6), શહીદો (6), મોટી (6), મોહનલાલ (6), અત્યાચારો (6), દિવસે (6), સમાચાર (6), તૈયારી (6), એવો (6), દાવો (6), મળ્યા (6), ગઢવાલી (6), સૈનિકોએ (6), તમે (6), સાથીઓ (6), દિવસ (6), મુસ્લિમ (6), કોંગ્રેસની (6), દિલ્હી (6), લઈને (6), મૂક્યો (6), ખાનના (6), મોટા (6), ૧૯૪૨ના (6), સ્વરાજ (6), રામ (6), આંદોલનને (6), દૂર (6), કરતા (6), અંદર (6), ફુજીવારાએ (6), રાસ (6), બિહારી (6), પ્રત્યે (6), કરશે (6), જાપાનની (6), સંગઠિત (6), હોવા (6), વિરુદ્ધ (6), જ્ઞાન (6), જાય (6), ઇતિહાસ (6), હજારો (6), આવા (6), છું (6), રહે (6), જોઈ (6), મુખ્ય (6), કુંવર (6), નવી (5), રાખવામાં (5), લાગ્યા (5), સભામાં (5), સપ્ટેમ્બરે (5), છૂટ્યા (5), ચારે (5), જિલ્લાના (5), આના (5), અબ્દુલ (5), એકઠી (5), www (5), part (5), પ્રકરણ (5), સત્યાગ્રહમાં (5), મીઠાનો (5), જુલાઈ (5), ઉંમર (5), ઑગસ્ટમાં (5), શિકાર (5), લાગુ (5), ૧૦મી (5), સહિત (5), રાખી (5), કેસ (5), નીકળી (5), મહેતા (5), ઉપર (5), હજી (5), જ્યાં (5), એણે (5), જવાબદારી (5), લેવાઈ (5), સોંપી (5), બન્ને (5), પોતાનો (5), નક્કી (5), બંધ (5), સરકારને (5), લેવાની (5), khan (5), દેશના (5), હુકમ (5), કિસ્સા (5), ખ્વાની (5), ગોળીઓ (5), લોકોના (5), રહીને (5), પરથી (5), થયો (5), સદ્ (5), બાળકોને (5), આગેવાની (5), અંગ્રેજી (5), મોતને (5), હકુમત (5), સત્તા (5), જુદા (5), એનું (5), જનતા (5), આદેશ (5), સ્થિતિ (5), નહોતું (5), લીધાં (5), લોકોની (5), બ્રિગેડ (5), વાર (5), નવમી (5), વિદ્યાર્થીઓ (5), રેડિયો (5), પ્રદેશ (5), સુભાષ (5), માર્ચે (5), સુભાષબાબુના (5), નૅશનલ (5), યુદ્ધ (5), ભરતી (5), સ્વતંત્રતા (5), બોઝે (5), એનો (5), વસતા (5), ૯મી (5), શરૂઆત (5), પડશે (5), સમગ્ર (5), ૧૯૪૭માં (5), અસ્તિત્વમાં (5), આત્મા (5), ખૂબ (5), પ્રકાશ (5), આંતરિક (5), વ્યક્તિ (5), વિચાર (5), કાયમી (5), એવું (5), રહેશે (5), કોઈને (5), નવો (5), યહૂદી (5), પ્રાર્થના (5), જેને (5), પ્રાપ્ત (5), નૈતિક (5), પોતાનાં (5), સારા (5), પરંપરામાં (5), પવિત્ર (5), સારપનું (5), અસ્તિત્વ (5), થિયોડિસી (5), અંતરાત્મા (5), વિરોધી (5), પોતે (5), જાપાનને (5), બેંગકોક (5), નિકોબાર (5), ૧૯૪૩ની (5), લડાઈ (5), હિન્દીઓ (5), મણિલાલ (5), ૨૨મી (5), અમદાવાદમાં (5), wordpress (4), other (4), blocked (4), spam (4), quit (4), 1942 (4), પેજ (4), satyagragha (4), its (4), nation (4), wide (4), ramifications (4), સંદર્ભ (4), મૂકી (4), આવ્યાં (4), બાબતમાં (4), લાઠીચાર્જ (4), યતીન્દ્ર (4), થઈને (4), કોશિશ (4), ઑફિસ (4), ભીડ (4), org (4), ધોલેરા (4), મીઠાના (4), સત્યાગ્રહી (4), વિઠ્ઠલભાઈ (4), સાબરમતી (4), સખત (4), ધરાસણા (4), હૉસ્પિટલમાં (4), રોજ (4), પડ્યા (4), પોલિસના (4), બધાને (4), આપ્યાં (4), માહિતી (4), ટુકડી (4), સોપાન (4), સત્યાગ્રહીઓ (4), લાગ્યાં (4), લેવા (4), દુનિયામાં (4), ફેલાઈ (4), હુમલાની (4), વર્ષના (4), આપવામાં (4), નેતાઓને (4), ગાંધીજીને (4), જોવા (4), ફરજ (4), singh (4), life (4), હંમેશાં (4), સરહદ (4), જેલોમાં (4), લખનઉ (4), રહેવા (4), સંપર્કમાં (4), કેપ્ટન (4), અમે (4), ગોળી (4), બદલે (4), કાઢી (4), મહાન (4), ખિદમતગાર (4), માગતા (4), ધ્યાન (4), તપાસ (4), ચાલી (4), જુબાની (4), જાહેરાત (4), પરવા (4), પઠાણો (4), નાખવા (4), નિશાન (4), લોકોમાં (4), સામેલ (4), જતા (4), ઉપરાંત (4), લાભ (4), વચ્ચેનો (4), દેવા (4), હિંસક (4), લાલ (4), આવતા (4), દિવસોમાં (4), જેવી (4), રચના (4), સરકારો (4), મુંબઈ (4), લાખો (4), જેલની (4), જરૂરી (4), વાઇસરૉય (4), હિંદ (4), સ્ટેશન (4), ત્રિરંગો (4), રેલવે (4), સ્ટેશને (4), શાંતિ (4), ટ્રેન (4), કરેલા (4), subhashchandra (4), બર્મામાં (4), યુદ્ધની (4), બોઝને (4), થશે (4), શબ્દ (4), હેતુ (4), ગણવામાં (4), આવશે (4), મારફતે (4), લીગ (4), ચર્ચા (4), બીજું (4), મલાયામાં (4), નવું (4), એશિયાના (4), નેતાઓએ (4), પરિષદ (4), હિન્દુસ્તાનીઓને (4), પાછળ (4), ચાલતા (4), જોરદાર (4), લડવું (4), ગુરબખ્શ (4), ઢિલ્લોં (4), પક્ષે (4), સુભાષબાબુનું (4), પરાક્રમ (4), સમુદ્રી (4), છેલ્લા (4), શકતા (4), જેમાં (4), મારો (4), પરસ્પર (4), આશા (4), મિત્રતા (4), રહેલા (4), ઉકેલ (4), સીમાઓ (4), મળે (4), હંમેશા (4), આખરે (4), પ્રતીક (4), અંત (4), જોયું (4), ઇતિહાસના (4), સ્થાન (4), બદલ (4), કરીએ (4), શકતો (4), શબ્દો (4), પાદરી (4), જવાબ (4), પ્રેરણા (4), ગાંધીજીની (4), તેનાથી (4), ફિલસૂફી (4), રહેલી (4), આમંત્રણ (4), ચિંતન (4), શક્ય (4), લાગે (4), ફરક (4), સાચું (4), મૂળભૂત (4), નામે (4), વ્યાખ્યા (4), મુક્ત (4), દોર (4), આધાર (4), સમજવાનો (4), હુમલો (4), હિન્દુસ્તાનની (4), નેતાજીએ (4), ટાપુઓ (4), હકુમતને (4), ૧૯૪૩ના (4), દેશની (4), લાખ (4), ખૂન (4), સાથી (4), મહિનામાં (4), ૧૯૨૪ (4), ૧૮મી (4), પોલીસની (4), this (3), ટિપ્પણી (3), report (3), blog (3), લિંક (3), વિભાગ (3), gandhiji (3), oceanic (3), circle (3), લેખ (3), sengupta (3), satyagraha (3), ઘટના (3), અંતિમ (3), બને (3), મળ્યું (3), સેનગુપ્તાને (3), બનાવવામાં (3), કાર્યક્રમ (3), સ્થળ (3), પકડીને (3), સેનગુપ્તા (3), જવાહરલાલ (3), જલિયાંવાલા (3), લેવાયા (3), એમનાં (3), સાહિત્ય (3), ૨૫મી (3), બિહાર (3), સમુદ્ર (3), બિહારમાં (3), પગાર (3), વિરોધમાં (3), મળીને (3), પોલીસને (3), જવાનું (3), ભંગ (3), માટેના (3), પગલે (3), આર્મી (3), ઑફિસર (3), રાહ (3), ઍપ્રિલે (3), કેટલાય (3), ૧૩મી (3), ૧૯૩૧માં (3), કોંગ્રેસનું (3), વિદેશી (3), બીમાર (3), ગામે (3), ધરાસણાના (3), નવસારી (3), શહીદ (3), ચાલતું (3), જાન (3), આપીએ (3), તેમનાં (3), પાછળથી (3), ગુજરાતના (3), નેતૃત્વ (3), સત્યાગ્રહીઓની (3), પાસેથી (3), બેસાડી (3), દેવામાં (3), ચલાવી (3), સંખ્યામાં (3), જેવા (3), જુસ્સો (3), મહિના (3), ચલાવ્યું (3), લાગ્યો (3), સિપાઈઓ (3), ભરી (3), સ્ટ્રેચરો (3), પડ્યાં (3), મેં (3), મોકલ્યા (3), પ્રગટ (3), લાગી (3), કારખાના (3), જગ્યાએ (3), આસપાસ (3), આપવાની (3), વ્યવસ્થા (3), લેવાયાં (3), પહોંચે (3), રહ્યો (3), બનાવવાનું (3), એલાન (3), khudai (3), badshah (3), garhwali (3), uttarakhand (3), ભાગલા (3), પિતા (3), વખત (3), ચાલ્યા (3), કહેતા (3), મોતની (3), જણને (3), નજર (3), ૧૯૪૭ (3), પ્રકાશિત (3), પ્રમુખપદે (3), વાગી (3), ભાગ્યે (3), નિવેદન (3), આપ્યા (3), માની (3), વિશ્વાસ (3), રાખવા (3), સ્થાનિક (3), રોકવા (3), બાળી (3), વર્ષનો (3), વલી (3), લડતા (3), મળતાં (3), મોટું (3), અહિંસાની (3), દીવાલ (3), સીધી (3), ઘણાયે (3), ભેટ્યા (3), લડવા (3), રસ્તામાં (3), પેશાવરમાં (3), સ્થાપના (3), આનો (3), ચાલે (3), જુદી (3), સંસ્થા (3), મિદનાપુર (3), પોલિસ (3), જાન્યુઆરીએ (3), અનેક (3), કર્યાં (3), કરતી (3), મુકાબલો (3), પાંચ (3), કેદ (3), નાગપુર (3), દળો (3), સમર્થનમાં (3), પોલીસનો (3), પોતાને (3), આઠમી (3), કરતો (3), મનોહર (3), મતભેદ (3), વેપારીઓ (3), ફેબ્રુઆરી (3), ૨૮મી (3), પ્રધાન (3), લૉર્ડ (3), ઠેકાણે (3), હુમલા (3), ઉષાબેન (3), જવું (3), નવેમ્બરમાં (3), ગોવાલિયા (3), ટેંક (3), લહેરાવ્યો (3), સેવાઓ (3), દેવ (3), ઐતિહાસિક (3), દીધાં (3), netaji (3), subhash (3), his (3), work (3), translated (3), from (3), gujarati (3), બોઝઃ (3), લેખકઃ (3), પ્રકાશન (3), ૧૯૪૬ (3), રંગૂન (3), પૂર્વમાં (3), લીગના (3), તાબામાં (3), સૈનિકોમાં (3), બેઠકમાં (3), મુખ્યત્વે (3), ભારતમાંથી (3), કંઈક (3), કરવું (3), જાપાનનો (3), ૧૫મી (3), બ્રિટનના (3), મેળવી (3), થાઈલૅંડમાં (3), સ્વાગત (3), સાચી (3), જોશ (3), સ્વાતંત્ર્ય (3), સુભાષબાબુનો (3), જાણે (3), સતત (3), સુભાષબાબુની (3), નવાઝ (3), ટેકો (3), સંપર્ક (3), વધુ (3), વધી (3), જાણતા (3), પાર (3), આત્માની (3), ખરેખર (3), વાર્તા (3), જેથી (3), બરાબર (3), ઈશ્વરનું (3), પૂજા (3), સામગ્રી (3), સમયમાં (3), અપાવી (3), ઊભી (3), હોવો (3), પૃથ્વીની (3), પામશે (3), નું (3), બનેલું (3), જીવ (3), બધાં (3), અનંત (3), ઇતિહાસમાં (3), સંઘર્ષની (3), ઇનકાર (3), ૧૯૨૬ (3), લખ્યું (3), પુનરાવર્તન (3), કરવી (3), બંને (3), અન્ય (3), ખ્રિસ્તી (3), હિંસાનો (3), તેમનું (3), જર્મન (3), ૧૯૪૨માં (3), કરનાર (3), ઉલ્લંઘન (3), વાસ્તવિકતા (3), આત્માના (3), ધર્મશાસ્ત્ર (3), વસ્તુઓ (3), માનતો (3), આપણું (3), પ્રશ્નો (3), જીવનના (3), સમજી (3), તફાવત (3), આદર (3), તમારે (3), પ્રયત્નો (3), બેઠેલા (3), આદર્શ (3), આનાથી (3), ઘણી (3), ઇચ્છાને (3), તેમનો (3), દુનિયા (3), રાજ્ય (3), રાજ્યો (3), દર્શાવે (3), પુસ્તક (3), સંપ્રદાય (3), ટકી (3), શરૂઆતમાં (3), રહસ્ય (3), હોઈ (3), સત્યના (3), માન્યતા (3), બુરાઈનું (3), અનુભવ (3), નૈતિકતા (3), વિષય (3), અસ્વીકાર (3), બુરાઈના (3), કહેવું (3), ઇચ્છીએ (3), વિશેના (3), સારપમાં (3), કામો (3), જાતને (3), સંવાદ (3), ઈશ્વરના (3), માર્ગદર્શન (3), નીચે (3), સંબંધ (3), મહત્વ (3), વિચારો (3), સાથેની (3), માને (3), જોતા (3), ૧૯૧૭ (3), સમર્પિત (3), આગ્રહ (3), વિદ્યાર્થી (3), રાઘવન (3), રાજીનામાં (3), ફોજને (3), ટોકિયો (3), વચગાળાની (3), વડા (3), ૩૦મી (3), મહિલા (3), ફોજનું (3), લક્ષ્મી (3), ઝાંસી (3), રાની (3), જુલાઈએ (3), ઓછું (3), બન્યું (3), દળોએ (3), ઇન્દોકા (3), ગાન્જીકા (3), સમજ્યા (3), નંબરે (3), pradesh (3), ભણતા (3), મોરારભાઈ (3), છોડવામાં (3), અવસાન (3), શાહઃ (3), મહેસાણા (3), ગોળીથી (3), site (2), વેબસાઇટ (2), required (2), view (2), subscribed (2), સબ્સ્ક્રાઇબ (2), join (2), 180 (2), subscribers (2), 110 (2), 197 (2), મહિનો (2), લેખસંગ્રહ (2), વિંડોમાં (2), ખુલે (2), akismet (2), 855 (2), dholakiaa (2), મંગળ (2), સંગ્રહ (2), subjects (2), for (2), આવો (2), email (2), address (2), દાંડી (2), ધાર્યું (2), પ્રતિબંધ (2), વર્ષે (2), અધિવેશન (2), મળશે (2), જાપ્તો (2), ખાતું (2), મીટિંગમાં (2), દિલ્હીમાં (2), સ્ત્રીઓની (2), ભાષણ (2), આરોપસર (2), પોલિસે (2), આરોપ (2), પ્રતિબંધિત (2), વહોરી (2), વાંચવાની (2), જમીન (2), સવાલ (2), ઊભો (2), લડાઈમાં (2), વીખેરવા (2), મુશ્કેલ (2), દેતા (2), abbas (2), tyabji (2), government (2), national (2), http (2), pdf (2), autobiography (2), મહાદેવભાઈની (2), ડાયરી (2), નવજીવન (2), ટ્રસ્ટ (2), 1919 (2), vol (2), maharashtra (2), gujarat (2), સિંહ (2), જાણવા (2), જૂઓ (2), વતની (2), બારડોલી (2), શાળાના (2), શિક્ષક (2), મારથી (2), ૨૩મી (2), જંબુસર (2), ભરૂચ (2), રતિલાલ (2), યરવડા (2), નરહરિભાઈ (2), પંચમહાલ (2), ૧૯૩૨માં (2), ૧૯૩૨ના (2), કેદની (2), આપીને (2), અહમદનગર (2), રણછોડભાઈ (2), લેતા (2), જૂને (2), લાતો (2), કરાડી (2), પ્રાથમિક (2), અંજલિ (2), શહીદોનાં (2), હાલતમાં (2), મૂક્યા (2), ઘરે (2), અમૃતલાલ (2), ઉપાડી (2), કાયદાભંગ (2), થોડો (2), અઢી (2), સરદારી (2), સવારે (2), તેણે (2), લડતમાં (2), મણિશંકર (2), છાવણીઓ (2), કરવાથી (2), ગુજરાતમાં (2), બીજાં (2), રહ્યાં (2), ખેડૂતોએ (2), વલ્લભભાઈનાં (2), એંસી (2), વર્ષનાં (2), ઘૂસી (2), નાખ્યું (2), વાસણો (2), નાખ્યાં (2), મળ્યાં (2), આવવા (2), જતાં (2), ઓછાં (2), લોહી (2), ગણી (2), અમેરિકન (2), સાક્ષી (2), સેન્સરશિપ (2), મિલરે (2), હોવાનું (2), દેવાની (2), નિર્દોષ (2), ઠેકઠેકાણે (2), ટીકા (2), ધકેલી (2), વ્યૂહ (2), એટલું (2), સરોજિની (2), માર (2), કારખાનું (2), જલદ (2), પગલાં (2), non (2), vilolent (2), khitamgars (2), પઠાણોએ (2), રાખ્યું (2), પઠાણ (2), પહોંચાડી (2), મળવાની (2), સુભાષબાબુને (2), સિંઘને (2), હાથે (2), નજરકેદ (2), ચાલ્યો (2), અપાઈ (2), સાથીઓને (2), નોકરીમાંથી (2), બજારમાં (2), ચલાવવાની (2), આત્મકથામાં (2), ઉલ્લેખ (2), આઝાદીના (2), ભૂમિકા (2), કદી (2), ઉત્તર (2), પશ્ચિમ (2), છેક (2), જોડાવા (2), દુઃખી (2), અમને (2), હત્યાકાંડ (2), બાગ (2), હત્યાકાંડની (2), જેવો (2), ઇતિહાસનું (2), જ્વલંત (2), ઉદાહરણ (2), કેટલીયે (2), કોંગ્રેસમાં (2), નહેરુએ (2), રોકી (2), રાવલપીંડી (2), હિન્દુ (2), બખ્તરબંધ (2), સાક્ષીએ (2), દેવાશે (2), સત્તાવાળાઓએ (2), લેવાશે (2), વચનો (2), ખિદમતગારની (2), નાખવાનું (2), અંગ્રેજોએ (2), સૈનિકે (2), ખાનને (2), વીંધી (2), દઈને (2), પ્રતિજ્ઞા (2), હથિયાર (2), સેનાએ (2), હિન્દુઓ (2), મિલાવીને (2), આમાં (2), બાજુએ (2), કુરાન (2), ૬ઠ્ઠી (2), ખાને (2), થવાનું (2), મુલાકાત (2), પ્રભાવિત (2), છોડીને (2), રાષ્ટ્રજીવનમાં (2), શિક્ષણ (2), લાહોરમાં (2), વેર (2), વિચારોના (2), ભાઈ (2), સાહેબ (2), ૧૯૩૭ (2), છેડે (2), આવેલા (2), પેઢીઓ (2), મિત્ર (2), હોમી (2), બદલો (2), નિયમો (2), ગફ્ફાર (2), આંદોલનના (2), ઑક્ટોબરમાં (2), ભયંકર (2), રાજ (2), રાતે (2), ૧૭મી (2), સરકારની (2), સૂતાહાટા (2), મુલ્કી (2), કેસો (2), વિષયો (2), ૨૯મી (2), શહેર (2), ભણી (2), વિદ્યુત (2), પચાસ (2), વાહિની (2), સભ્યો (2), સામેની (2), રેલવેની (2), યુક્ત (2), સશસ્ત્ર (2), મોકલીને (2), જિલ્લાની (2), વિસ્તારમાં (2), લેવાનું (2), ચોખાની (2), આખી (2), નિકાસ (2), જતી (2), પૈસા (2), ક્રાન્તિ (2), હજારની (2), ગામોમાં (2), સરહદે (2), લોહિયા (2), જયપ્રકાશ (2), નારાયણ (2), કરનારા (2), પ્રિય (2), પરિવર્તન (2), બાતમી (2), આવતાં (2), લક્ષ્ય (2), ખેડૂતો (2), ફાટી (2), સુધીમાં (2), કાયદા (2), બોંબ (2), અપીલ (2), દબાવી (2), ઉતારી (2), જનતાને (2), મોત (2), નવાં (2), સ્થળોએ (2), પડતા (2), ચોકીઓ (2), સદંતર (2), ઝવેરી (2), અવાજમાં (2), બચવા (2), પાડ્યું (2), પડતાં (2), નેતાઓની (2), મેદાનમાં (2), એકઠા (2), સંભાળી (2), ઠેરઠેર (2), બચાવવા (2), પડ્યો (2), દસમીએ (2), તાર (2), કાપી (2), સળગાવી (2), શહેરોમાં (2), સરકારનો (2), જવાના (2), વર્કિંગ (2), કમિટી (2), સંગઠન (2), ગુજરાતની (2), બનાવાયું (2), ઊભા (2), લેવાનો (2), યંગોન (2), સ્થિતિમાં (2), ટાંકણે (2), વિમાની (2), પ્રસારિત (2), બેઠક (2), સત્તાવાર (2), સિંઘના (2), ina (2), કમાંડર (2), મૂકીને (2), સંમત (2), સૌનો (2), ગાંધીએ (2), સ્વામી (2), વિચારવું (2), બનાવવાનો (2), કાઉંસિલના (2), પ્રયત્ન (2), જાપાનમાં (2), માગતી (2), રાજકારણમાં (2), બેંગકોકથી (2), વિનંતી (2), સિંગાપુરમાં (2), પ્રતિનિધિઓ (2), રાઘવને (2), સંભાળ્યું (2), સમજાવ્યો (2), ભારતને (2), મુદ્દા (2), યોગ્ય (2), ફેબ્રુઆરીએ (2), મિલિટરી (2), હેડ (2), દુશ્મન (2), માગે (2), દેશોમાં (2), માગ્યો (2), હિન્દી (2), અધિકારીઓ (2), ભારતીયોના (2), અંગે (2), હકીકત (2), દેખાડી (2), લીગની (2), સાથીઓએ (2), ધારણા (2), થોડા (2), ક્રાન્તિકારીઓ (2), બાજુથી (2), વિરાટ (2), મેળવતા (2), ઉત્સાહથી (2), સંકળાયેલો (2), એકબીજા (2), કિલ્લામાં (2), બચાવ (2), વિશ્વને (2), ઘેરી (2), સાંભળવા (2), અવાજ (2), વાક્ય (2), લગભગ (2), ગમે (2), મર્યાદા (2), અગાધ (2), પ્રકાશની (2), રજૂ (2), પાત્ર (2), જ્ઞાનની (2), શોધમાં (2), પાછો (2), સાબિત (2), સામ્રાજ્યના (2), ઓછી (2), મારું (2), સારી (2), જાગૃત (2), ગૌરવ (2), સાંપ્રદાયિક (2), અસાધારણ (2), તરફથી (2), ગાંધીજીનું (2), સંઘર્ષો (2), વિશ્વની (2), વૈકલ્પિક (2), માર્ગો (2), ખોલી (2), દેશભક્ત (2), સંકુચિત (2), અર્થમાં (2), ઇચ્છા (2), જેટલો (2), વ્યાપક (2), પહેલાંથી (2), સાકાર (2), મૂલ્ય (2), જીવે (2), બનાવવાની (2), માણસમાં (2), બિંદુ (2), વર્તુળોને (2), કેન્દ્રમાં (2), જૂનું (2), પ્રતિનિધિત્વ (2), જેની (2), વિસ્તરે (2), ઉપરોક્ત (2), ઉદાહરણો (2), સંઘર્ષનો (2), આવાં (2), વિયેતનામ (2), પ્રથમ (2), કેથોલિક (2), નાખ્યા (2), વ્યવસ્થામાં (2), અમારી (2), હૃદય (2), ચર્ચ (2), મૌન (2), મિત્રો (2), પ્રખ્યાત (2), ૧૯૨૮ (2), જીવનભર (2), ભોગ (2), બનેલા (2), સમયે (2), કર્તવ્ય (2), પોલિશ (2), ત્રાસ (2), ૧૯૪૩માં (2), શકતી (2), ચૂપ (2), પ્રશ્નનો (2), હિંમતના (2), બલિદાન (2), ૧૯૪૦માં (2), ગુલામ (2), અધિકારીઓને (2), રહેવું (2), સમાજ (2), સ્થિતપ્રજ્ઞતા (2), સ્થિર (2), વધીને (2), વિચારધારા (2), માન્યતામાં (2), એકરૂપતા (2), સમાનતા (2), સ્થાપિત (2), બીજાઓની (2), વર્ચસ્વ (2), અંતર્યામી (2), શબ્દના (2), સારપની (2), નિર્માણ (2), સારું (2), જવાબો (2), વિસ્તાર (2), સમુદ્રના (2), ગુનો (2), અભાવ (2), પડતો (2), સાચા (2), સર્વોચ્ચ (2), સમસ્યાનો (2), ભાષામાં (2), વ્યક્ત (2), શકાતી (2), અર્થઘટન (2), દુનિયાને (2), વસાહતી (2), અંદરથી (2), વ્યક્તિના (2), માનવીય (2), સ્થિતપ્રજ્ઞ (2), હિંસાએ (2), બંધારણ (2), કાયદેસરતા (2), કરવાના (2), ઇચ્છે (2), રાખીએ (2), એટલા (2), ટકે (2), મૂળમાં (2), લાવવામાં (2), કડી (2), સેવા (2), ક્ષેત્ર (2), નિયંત્રણ (2), મેળવવાનો (2), રાષ્ટ્ર (2), પરિણામે (2), ઘણીવાર (2), સમાવેશ (2), કેટલી (2), હિંસાના (2), સંબંધિત (2), મતે (2), હોત (2), પાઠ (2), આંતરદૃષ્ટિ (2), માણસની (2), મર્યાદાઓની (2), કાયદો (2), મર્યાદાઓનો (2), સ્રોત (2), અમુક (2), જેઓ (2), સારો (2), મહત્વનો (2), વકીલો (2), પાનું (2), ૧૯૨૦ (2), નૈતિકતાના (2), ક્ષેત્રમાં (2), બ્રહ્માંડની (2), આપણાં (2), સમુદાયોમાં (2), તેવું (2), આપેલા (2), નકારી (2), કાઢે (2), સરળ (2), આપણામાંથી (2), શ્રેષ્ઠ (2), ભાવના (2), કટિબદ્ધ (2), કહીએ (2), કહીશ (2), વ્યક્તિગત (2), આશ્રયસ્થાન (2), ભાવનાઓ (2), વસ્તુ (2), સ્થિત (2), બોલવા (2), ૧૯૨૭ (2), પાપ (2), સંપૂર્ણપણે (2), હોઈએ (2), સમાજમાં (2), શ્રદ્ધા (2), વચન (2), મુદ્દો (2), માથે (2), ચડી (2), બિનજરૂરી (2), શાશ્વત (2), કેવી (2), શુભ (2), સિદ્ધાંતો (2), કરતું (2), દલીલ (2), લેનારા (2), બુરાઈની (2), સૂત્રો (2), વર્તમાનમાં (2), વર્તમાન (2), સારાં (2), જોવાની (2), અમર (2), ધર્મના (2), રામનામ (2), રામના (2), જાપ (2), રામરાજ્ય (2), મેળાવડામાં (2), આવું (2), શક્યતા (2), અંતરાત્માનો (2), રાજકારણ (2), ઓછો (2), પગલું (2), પહેલી (2), ગળણી (2), પયગંબર (2), વિવિધ (2), સમજવા (2), દરજ્જો (2), આધ્યાત્મિક (2), રાખ્યો (2), પયગંબરી (2), પરંપરાઓ (2), ઝલક (2), જોવામાં (2), ગાંધીના (2), પ્રત્યેની (2), દૃઢતા (2), બુરાઈને (2), પરોપજીવી (2), સારપનો (2), અતિશય (2), સમુદાયો (2), સર્જન (2), દર્શનમાં (2), પ્રસ્તાવના (2), બનાવેલી (2), દર્શન (2), જવાની (2), જીવનને (2), આપણો (2), યુગ (2), બૌદ્ધિક (2), પ્રકારના (2), રાજકારણની (2), થતી (2), ઊંડી (2), કૉલેજમાં (2), અધ્યાપન (2), નક્સલ (2), યુનિવર્સિટીમાં (2), વિઝિટિંગ (2), પ્રોફેસર (2), દિલીપ (2), સિમ્યન (2), ઑક્ટોબરે (2), વ્યાખ્યાન (2), કાઉંસિલની (2), રાજીનામું (2), અફસરો (2), મલાયાના (2), ક્યાંય (2), ફોજનો (2), શકાશે (2), જબ્બર (2), નિકોબારમાં (2), જાપાનીઓ (2), બર્માની (2), સરકારનું (2), કેન્દ્ર (2), નજીક (2), માર્ચમાં (2), સોંપ્યા (2), સૈન્યે (2), અધીન (2), તોજોએ (2), ઑક્ટોબરની (2), ૨૧મીએ (2), ભાષણમાં (2), રેજિમેન્ટ (2), બહારથી (2), ઊભું (2), ક્રાન્તિની (2), રાષ્ટ્રો (2), વાતો (2), જાતે (2), લીગનું (2), ઊમળકાભેર (2), નામની (2), દરખાસ્ત (2), લેવાયો (2), માટેની (2), પગપાળા (2), ચિર (2), વિદાય (2), ફર્યા (2), ૧૯૪૫ (2), સેના (2), દૃઢતાથી (2), મલાયા (2), સાધનસામગ્રીની (2), સ્વાતંત્ર્યવીરો (2), નવા (2), વળતો (2), મોરચે (2), નારા (2), ચલો (2), સપ્લાય (2), હવાઈ (2), તાકી (2), માર્યો (2), ત્રીજા (2), છૂટવાની (2), ચેતવણી (2), થતાં (2), બર્મામાંથી (2), સ્થાનિકની (2), ત્યાંના (2), વિશ્વયુદ્ધના (2), રંગૂનમાં (2), chhattisgarh (2), rajasthan (2), delhi (2), haryana (2), punjab (2), himachal (2), આલ્ફાબેટ (2), અનામી (2), નામો (2), બાકી (2), indianfolklore (2), kushal (2), konwar (2), પ્રાણ (2), વિદ્યાર્થીઓએ (2), વિનોદ (2), અમદાવાદના (2), વીખેરી (2), ઉમાકાન્ત (2), મૃત્યુને (2), વર્યા (2), ઑક્ટોબર (2), દેસાઈઃ (2), વડોદરા (2), ઝંડા (2), અમાનુષી (2), ડાકોર (2), વિગતો (2), ખડી (2), ફળિયા (2), મહુવા (2), સૂરતના (2), મહેતાઃ (2), મનુભાઈ (2), મગનભાઈ (2), અત્યાચાર (2), કુમારી (2), ગોવિંદરાવ (2), રિવૉલ્વર (2), અત્યાચારોને (2), ફાંસી (2), આસામના (2), દીપક (2), ધોળકિયા (2), design, with, ઇમેઇલ, લખો, ટિપ્પણીઓ, લોડ, collapse, bar, સબ્સ્ક્રિપ્શન્સ, મેનેજ, reader, content, લોગ, સાઇન, ગોપનીયતા, already, have, account, log, now, sign, create, free, website, hits, stats, full, profile, bgbs03131, રવિ, શનિ, ગુરુ, બુધ, સોમ, 2026, તારીખીયું, ક્લિક્સ, બ્લૉગના, મુલાકાતીઓ, about, પાનાંઓ, 469, uncategorized, slavery, 139, તાજેતરના, enter, your, below, મેઇલ, પોસ્ટનો, મેળવો, આગળનું, પોસ્ટ, ક્રમાંકન, yatindra, nellie, કૂચથી, ચક્રના, પ્રકરણના, સૂચિ, લેવાતા, કોંગ્રેસનો, ક્યાં, ખાનગી, ગોઠવ્યો, સાંજે, વાગ્યે, ધરમતલ્લા, સ્ટ્રીટમાં, બ્યૂગલ, વાગ્યાં, ગાફેલ, પોલિસનું, ધાડું, ટ્રક, ભરીને, બેફામ, પકડાઈ, સ્થાને, મોહનબાબુને, કામચલાઉ, ફરવા, અમૃતસરમાં, બાગની, દિલ્હીની, પત્ની, અરુણા, આસફ, અલીએ, રાજદ્રોહના, ઇંગ્લૅંડથી, પૅરિસ, ઈટાલિયન, જહાજમાં, ફરતા, ઍપ્રિલની, ૧૨મીએ, કૉર્નવૉલિસ, સ્ટ્રીટ, જાહેરમાં, વાંચવાનો, બનાવ્યો, ઘણાએ, મેયર, રાષ્ટ્રધ્વજ, ફરકાવ્યો, દરમિયાનગીરી, પંજાબ, હરિયાણામાં, પકવવાનો, કરની, ગામડાંના, ચોકીદારોનો, ચુકવવાની, સાફ, ચોકીદારોને, જાસૂસ, ભાગલપુર, બીહપુરની, રોજેરોજ, ટોળે, રાજેન્દ્રપ્રસાદ, પટનાથી, બીહપુર, જબ્બરદસ્ત, રાજેન્દ્રબાબુ, બિહારના, ઘૂસવા, ચોકીદારું, 100years, upi, sta_1930, html, does, anyone
Text of the page (random words):
દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો બોઝ અને ગાંધી બ્રિગેડો ઍક્શન માં હતી અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ મોરે સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો ત્યાંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫ ૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ સી ચૅટરજીની નીમણૂક કરી દરમિયાન ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી વરસાદ અને દગાખોરી પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી એ ફરી સંગઠિત થવા લાગ્યાં ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો બીજી બાજુ આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એને હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજને સાધનસામગ્રીની ખેંચ હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી જો કે ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છે એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો ચલો દિલ્હી પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા એમણે મોરચા પર લડનારાઓથી અલગ સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા ચલો દિલ્હી અને ખૂન ખૂન ખૂન ઘરઆંગણા માટે એમના નારા હતા કુલીય ભરતી અને કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર બીજા હુમલાની તૈયારી નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી સિંગાપુર મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી આ દળોએ પહેલાં જનરલ એન એસ ભગત એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ પ્રેમ કુમાર સહગલ અને કર્નલ એસ એમ હુસેનને સોંપાઈ આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી મેજર મદાન મેજર રિયાઝ મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા આમ છતાં મેજર જનરલ શાહ નવાઝ ખાન કર્નલ પ્રેમ કુમાર સહગલ કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં કર્નલ અર્શદ કર્નલ હુસેન મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હેં આઝાદી દૂંગા નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ અંત આવ્યો અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો 000 સંદર્ભઃ ina saga by sardar ram singh rawal publication date not available the forgotten army by peter ward fay the university of michigan press https www livehistoryindia com history daily 2020 03 25 battles of imphal kohima a time to heal https idsa in system files jds jds_8_3_2014_hemantkatoch pdf સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા like loading author dipak dholakia posted on 03 03 2025 16 03 2025 categories martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle subhashchandra bose web gurjari leave a comment on martyrs of indian freedom struggle 67 adventurous subhashbabu 4 martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 સુભાષબાબુનું પરાક્રમ ૩ સુભાષબાબુ સુકાન સંભાળે છે સુભાષબાબુ જર્મન સબમરીનમાં ટોકિયો પહોંચ્યા અને રેડિયો પરથી બોલ્યા તે સાથે જ બ્રિટનનું પ્રચાર તંત્ર અચંબામાં પડી ગયું આમ તો એના હુમલાનું નિશાન હંમેશાં રાસબિહારી બોઝ બનતા હતા બ્રિટન એમને જાપાનની કઠપૂતળી ગણાવતું પરંતુ સુભાષબાબુ તો દેશમાં જ હતા એમને જાપાનના રમકડા તરીકે ઓળખાવે તો કોણ માને કોંગ્રેસવાળા સુભાષબાબુની આઝાદી માટેની લડાઈની રીતનો વિરોધ કરતા હતા પણ જાપાન એમને નચાવે છે એમ તો નહોતા જ માનતા સુભાષબાબુને સાંભળતાં જ દેશમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું અને બીજી બાજુ અંગ્રેજ સરકારને માટે નવો માથાનો દુખાવો શરૂ થયો સુભાષબાબુ ટોકિયો પહોંચ્યા તે પછી રાસબિહારી બોઝ અને બીજા નેતાઓમાં પણ નવું જોશ પુરાયું ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું નવું બંધારણ બનાવાયું અને ઇંડિયન નૅશનલ આર્મીને નવું રૂપ આપવાનો નિર્ણય લેવાયો સુભાષબાબુએ ટોકિયોમાં અઢી મહિનાના રોકાણ દરમિયાન જાપાનના સરકારી અને લશ્કરી નેતાઓ સાથે સંપર્ક સ્થાપિત કરી લીધો હતો વડા પ્રધાન જનરલ તોજોએ એમને ભારતની આઝાદી માટે બધી રીતે મદદ આપવાનું વચન આપ્યું હતું સુભાષબાબુના આવ્યા પછી ફરી હિન્દુસ્તાની નેતાઓ અને જાપાની નેતાઓ વચ્ચે સદ્ ભાવનું વાતાવરણ રચાયું ૧૯૪૩ની બીજી જુલાઈએ સુભાષબાબુ સિંગાપુર પહોંચ્યા આખા પૂર્વ એશિયામાં ત્રીસ લાખ હિન્દીઓમાં ઉત્સાહ અને દેશભક્તિનાં પૂર ઊમટ્યાં બે દિવસ પછી ચોથી જુલાઈએ સ્યોનાન સિંગાપુર ના ગેકીજો મૂળ નામ કૅથે થિએટર માં આખા પૂર્વ એશિયાના હિન્દીઓના પ્રતિનિધિઓ એકઠા થયા અને એક વિરાટ સભામાં સુભાષબાબુએ ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગનું પ્રમુખપદ સંભાળ્યું રાસબિહારી બોઝે ઊમળકાભેર ભાષણ કર્યું અને ઇંડિયન ઇંડીપેન્ડન્સ લીગના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને દેશસેવક સુભાષબાબુ ના નામની દરખાસ્ત મૂકી દરખાસ્ત તો એક ઔપચારિકતા જ હતી સુભાષબાબુએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આઝાદીના પ્રેમીઓએ કંઈક કરવું જોઈએ એવો સમય પાકી ગયો છે એમણે પૂર્વ એશિયામાં રહેતા બધા ભારતીયોને એક સમાનપણે ખભેખભા મિલાવીને ઊભા રહેવા અને લડાઈ માટે તૈયાર થઈ જવા હાકલ કરી ભારતમાં વાઇસરૉય લિન્લિથગોની જગ્યાએ કમાંડર ઇન ચીફ લૉર્ડ વેવલને વાઇસરૉય બનાવવાની વાતો વહેતી થઈ હતી તેનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું કે બ્રિટન લડાઈ પછી પણ ભારતમાંથી જશે નહીં અને શોષણ ચાલુ રાખશે તેનો આ સંકેત છે એમણે કહ્યું કે સરકારે ગાંધીજીને પકડી લીધા તે પછી લોકોએ ભારત છોડો આંદોલન જાતે ચલાવ્યું છે અને દેખાયું કે લોકો નાગરિક અસહકારથી આગળ વધીને કોઈ પણ જલદ પગલું લેવા તત્પર છે એમણે કહ્યું કે ૧૯૪૨નો ઑગસ્ટ ભારતના ઇતિહાસમાં અમર થઈ જશે સુભાષબાબુએ દેશની આરઝી હકુમત હંગામી સરકાર ની સ્થાપના કરવાનો પોતાનો વિચાર જાહેર કર્યો આરઝી હકુમત દેશની આઝાદી માટે સશસ્ત્ર સંઘર્ષ કરશે અને સ્વાધીન હિન્દુસ્તાનની કાયમી સરકાર બને ત્યાં સુધી કામ સંભાળશે પાંચ દિવસ પછી નવમી જુલાઈએ સ્યોનાનમાં હિન્દીઓનું જબ્બર સરઘસ નીકળ્યું એમાં બોલતાં સુભાષબાબુએ કહ્યું કે દેશમાં ચાલતો સંઘર્ષ અંગ્રેજી હકુમતને હરાવવા માટે પૂરતો નથી બહારથી પણ સંઘર્ષ કરવો પડે તેમ છે એમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ બ્રિટિશ ફોજ પર હુમલો કરવા સમર્થ હોય તેવું દળ ઊભું કરશે અને તે સાથે જ દેશમાં ક્રાન્તિની આગ ફેલાઈ જશે ક્રાન્તિમાં બ્રિટનના ધ્વજ નીચે લડતા ભારતીય સૈનિકો પણ જોડાશે આમ બ્રિટન પર અંદરથી અને બહારથી હુમલા થવા જોઈએ આના માટે આપણે એ જોવાની પણ જરૂર નથી કે ધરી રાષ્ટ્રો શું કરે છે આઝાદ હિન્દ ફોજનો નવો અવતાર તે પછી એમણે આઝાદ હિન્દ ફોજની નવેસરથી રચના કરવા પર મુખ્યત્વે ધ્યાન આપ્યું સિંગાપુરના મ્યુનિસિપલ હૉલમાં ભારે વરસાદની પરવા કર્યા વિના પચાસ હજારની મેદની એમને સાંભળવા એકઠી થઈ એની સામે એમણે ત્રણ લાખ સૈનિકો અને ત્રણ કરોડ ડૉલર માટે ટહેલ નાખી તે સાથે જ માલેતુજાર લોકોએ લાખો ડૉલરના ચેક એમના હાથમાં મૂકી દીધા સુભાષબાબુએ આઝાદ હિન્દ ફોજનું પુનર્ગઠન કરવાનું તરત શરૂ કરી દીધું એમણે ખાસ કરીને સ્ત્રીઓની રેજિમેન્ટ બનાવવા પર ખાસ ભાર મૂક્યો લક્ષ્મી સહગલની આગેવાની હેઠળ ઝાંસી કી રાની રેજિમેન્ટ બની આરઝી હકુમત ૧૯૪૩ના ઑક્ટોબરની ૨૧મીએ સુભાષબાબુએ વિધિવત્ દેશની વચગાળાની સરકારની જાહેરાત કરી એમણે સિંગાપુર આવીને એમના સૌ પહેલા ભાષણમાં આ વિચાર જાહેર કર્યો હતો એમણે પોતે સરકારના વડાનું પદ લીધું અને રાસ બિહારી બોઝને સર્વોચ્ચ સલાહકાર બનાવ્યા કેપ્ટન લક્ષ્મીને મહિલા વિભાગ સોંપવામાં આવ્યો એમની કૅબિનેટમાં મુલ્કી અને લશ્કરી બન્ને પ્રકારના નેતાઓ હતા જાપાને આ સરકારને તરત હિન્દુસ્તાનની કાનૂની સરકાર તરીકે માન્યતા આપી આંદામાન નિકોબારમાં આરઝી હકુમતની સત્તા ભારતને સ્વતંત્રતા મળે તે વખત સુધી દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે વચગાળાની સરકાર તો બની ગઈ પણ સવાલ એ હતો કે એને અધીન કોઈ પ્રદેશ હોવો જોઈએ કે નહીં જાપાને આંદામાન નિકોબાર ટાપુઓ પર કબજો કરી લીધો હતો અને એ પ્રદેશ એણે આઝાદ હિન્દની આરઝી હકુમતને સોંપી દેવાનો નિર્ણય કર્યો વડા પ્રધાન જનરલ તોજોએ જાપાનને અધીન એશિયાઈ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં આ નિર્ણય જાહેર કર્યો સુભાષબાબુ બેઠકમાં હાજર તો રહ્યા પણ વચગાળાની સરકારના વડા તરીકે નહીં માત્ર નિરીક્ષક તરીકે એમની દલીલ હતી કે આ કાર્ય કાયમી સરકારનું છે આમ છતાં તોજોની ઑફર આરઝી હકુમતે સ્વીકારી લીધી અને આંદામાનને શહીદ અને નિકોબારને સ્વરાજ એમ નવાં નામ આપ્યાં ૧૯૪૩ની ૩૦મી ડિસેમ્બરે સુભાષબાબુ આંદામાન નિકોબાર પહોંચ્યા અને સત્તાવાર રીતે વહીવટનો દોર સંભાળી લીધો આંદામાન નિકોબાર ટાપુઓ પર ૧૯૪૨ના માર્ચમાં જ જાપાને કબજો કરી લીધો હતો અને ત્યાં ગોઠવાયેલી બ્રિટિશ ગૅરિસન જાપાનને શરણે આવી ગઈ હતી એમાં હિન્દી સૈનિકો હતા તે પછી આઝાદ હિન્દ ફોજમાં સામેલ થઈ ગયા પરંતુ આરઝી હકુમતને વહીવટ સોંપ્યા પછી પણ જાપાનની દખલગીરી ચાલુ રહી જાપાને પોલીસ વિભાગ આરઝી હકુમતને સોંપ્યો નહીં માત્ર બીજા વિભાગો સોંપ્યા આંદામાન ટાપુ પર જાપાની સૈન્યે ભારે અત્યાચારો કર્યા હતા પણ નેતાજી ૨૯મી ડિસેમ્બરે આંદામાન પહોંચ્યા ત્યારે જાપાની સૈન્યે કડક જાપ્તો રાખ્યો હતો અને પોતાનાં કરતૂતોનો ઢાંકપીછોડો કરી લીધો હતો પરંતુ એક જ અઠવાડિયાની અંદર આરઝી હકુમતના મુખ્ય કાર્યાલયને રંગૂન મોકલાવી દેવાયું સુભાષબાબુનો વિચાર હતો કે ભારત અને બર્માની સરહદ પર યુદ્ધ થવાનું હતું એટલે સરકારનું મુખ્ય કેન્દ્ર યુદ્ધ મોરચાની નજીક હોવું જોઈતું હતું એ પણ ખરું કે નેતાજી એમ ઇચ્છતા હતા કે ભારતમાં સૌ પ્રથમ તો ભારતીયો જ પહોંચે પણ જાપાન આઝાદ હિન્દ ફોજને ભારતમાં જવા દેવા નહોતું ઇચ્છતું બીજી બાજુ પૂર્વ એશિયામાં બીજા કેટલાક પ્રદેશો પણ આઝાદ હિન્દ ફોજના હાથમાં આવી ગયા હતા હવે નેતાજીએ આઝાદ હિન્દ બેંક પણ શરૂ કરી અને એને જબ્બર સહકાર મળ્યો સરકાર હસ્તકના બીજા વિભાગોમાં પણ જનતાને મદરૂપ થાય એવાં કામો શરૂ થઈ ગયાં હતાં પણ નેતાજીનું મુખ્ય લક્ષ્ય તો ભારતની ભૂમિને આઝાદ કરાવવાનું હતું પરંતુ આંદામાન નિકોબારમાં લોકોની મુખ્ય સમસ્યા જાપાનીઓ પોતે જ હતા એમના અત્યાચારોનો શિકાર બનનારા લોકોને વહીવટનાં બીજાં પાસાંઓ કરતાં જાપાનીઓના અત્યાચારો બંધ થાય તેમાં વધારે રસ હતો આમ આરઝી હકુમત સંતોષપૂર્વક કામ કરવામાં સફળ ન થઈ શકી ૦૦૦ સંદર્ભઃ netaji subhash chandra bose his life and work translated from gujarati નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય લેખકઃ મોહનલાલ મહેતા સોપાન પ્રકાશન ૧૯૪૬ like loading author dipak dholakia posted on 17 02 2025 03 03 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle subhashchandra bose web gurjari leave a comment on martyrs of indian freedom struggle 66 adventurous subhashbabu 3 martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 સુભાષબાબુનું પરાક્રમ ૨ સુભાષબાબુ સાથે સંપર્ક ટોકિયોની પરિષદ પછી પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ ખરા અર્થમાં સુભાષબાબુના સંપર્કમાં આવ્યા ટોકિયો પછી થાઈલેંડના બેંગકોકમાં પરિષદ મળી તેને સુભાષબાબુએ શુભેચ્છા સંદેશ પણ મોકલ્યો જાપાન તરફથી એમને સંપૂર્ણ પ્રોત્સાહન મળતું હોવા છતાં ભારતીય ક્રાન્તિકારીઓ એક વાતમાં સ્પષ્ટ હતા કે ઇંડિયન નૅશનલ આર્મીની આંતરિક રચના અને કમાંડ માત્ર ભારતીયોના જ હાથમાં જ રહેવાં જોઈએ અને એને આઝાદ ભારતના સ્વતંત્ર સૈન્ય તરીકે જાપાની સૈન્યની બરાબરીનું માન મળવું જોઈએ પરિષદે એ પણ સ્પષ્ટ કર્યું કે આઝાદ હિન્દ ફોજનો ઉપયોગ માત્ર ભારતમાં બ્રિટન કે કોઈ પણ વિદેશી સત્તા સામે જ કરી શકાશે તે સિવાય યુદ્ધના બીજા કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય નહીં કરી શકાય અને એનો હેતુ માત્ર હિન્દુસ્તાનની આઝાદી મેળવવાનો હશે આઝાદ હિન્દ ફોજને ઇંડિયા ઇંડીપેન્ડન્સ લીગના તાબામાં મૂકવામાં આવી લીગ સામેની મુશ્કેલીઓ બેંગકોક પરિષદ મળી અને તે પછી તરત ઑગસ્ટમાં ભારત છોડો આંદોલન શરૂ થયું કોંગ્રેસને પૂર્વ એશિયાની ઇંડીપેન્ડન્સ લીગની પ્રવૃત્તિઓની ખબર નહોતી અને લીગને કોંગ્રેસ શું કરવા માગે છે તેની ખબર નહોતી તેમ છતાં યોગાનુયોગ એવો હતો કે ભારતની આઝાદી માટે ચારે બાજુથી જોરદાર પ્રયત્નો શરૂ થઈ ગયા હતા મલાયામાં સામાન્ય નાગરિકોને આઝાદ હિન્દ ફોજમાં દાખલ કરવાના કૅપ્ટન મોહન સિંઘના પ્રયત્નોનાં સારાં પરિણામ દેખાવા લાગ્યાં હતાં હજારો સામાન્ય નાગરિકો ફોજમાં જોડાયા જાપાને ધાર્યું હતું તેના કરતાં પણ આ વધારે સારો પ્રતિસાદ હતો અને જાપાન માટે એ જ સૌથી મોટી સમસ્યા હતી એ જ વર્ષના ડિસેમ્બરની ચોથીએ કાઉંસિલની મીટિંગ મળી તેમાં મલાયાના એન રાઘવન સહિતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં પ્રમુખ રાસ બિહારી બોઝે ખાતરી આપી કે જ્યાં સુધી જાપાન સાથેની સમસ્યાઓનો નિવેડો નહીં આવે ત્યાં સુધી ભારતીય સૈનિકો ક્યાંય જશે નહીં તેના પછી રાજીનામાં પાછાં ખેંચી લેવાયાં કાઉંસિલ સીધી રીતે તો કર્નલ ઈવાકુરોના સંપર્કમાં હતી જાપાની સત્તાવાળાઓ સાથે એની બધી વાતચીત ઈવાકુરો મારફતે થતી પણ ઈવાકુરોએ કાઉંસિલના પત્રો આગળ મોકલવાનું બંધ કરી દીધું હતું રાઘવન અને રાસબિહારી બોઝ ઈવાકુરોને મળ્યા ત્યારે પણ ખેંચતાણ ચાલુ રહી બન્ને પક્ષે મતભેદ એ હતો કે હિન્દુસ્તાની નેતાઓ માનતા હતા કે મેજર ફુજીવારાએ કૅપ્ટન મોહન સિંઘને બધા હિન્દુસ્તાની યુદ્ધ કેદીઓ સોંપી દીધા જાપાની પક્ષનું કહેવું હતું કે એમણે માત્ર જે યુદ્ધકેદીઓ આઝાદ હિન્દ ફોજમાં જોડાવા તૈયાર થયા એમની જ સોંપણી કરી હતી જાપાની પક્ષ આઝાદ હિન્દ ફોજમાં વધારે ભરતી થાય તે પણ પસંદ નહોતો કરતો જાપાની અફસરો માત્ર યુદ્ધકેદીઓને જ ફોજમાં લેવાનો આગ્રહ રાખતા હતા એમનું કહેવું હતું કે હારેલા સૈનિકોમાં તરત નવો જુસ્સો ન આવી શકે બીજી બાજુ કૅપ્ટન મોહન સિંઘ નાગરિકોમાંથી ભરતી કરીને ફોજની તાકાત વધારવા માગતા હતા જાપાની અધિકારીઓ એના માટે પણ તૈયાર નહોતા હિન્દુસ્તાની નેતાઓએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આઝાદી માટેનું આંદોલન જ સ્થગિત કરી દેશે આંદોલન સદંતર બંધ થાય તે જાપાની પક્ષના લાભમાં નહોતું મેજર ફુજીવારાએ આ અંગે વધારે ચર્ચા કરવાનો સમય માગ્યો રાસ બિહારી બોઝ સંમત થયા અને બીજા દિવસે મળનારી કાઉંસિલની બેઠક મુલતવી રાખી રાઘવન મોહન સિંઘ વગેરે નેતાઓ માનતા હતા કે રાસ બિહારી બોઝ ભારત કરતાં જાપાનને વધારે મહત્વ આપે છે આથી એમણે રાજીનામાં ચાલુ રાખવાનો આગ્રહ કર્યો અંતે રાસ બિહારી બોઝે પોતે જ રાજીનામું આપી દીધું આમ આંદોલન શરૂ થવાની સાથે જ ખરાબે ચડી ગયું આ સંયોગોમાં સુભાષબાબુ જેવા નેતાની જરૂર હતી ૦૦૦ સંદર્ભઃ netaji subhash chandra bose his life and work translated from gujarati નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ જીવન અને કાર્ય લેખકઃ મોહનલાલ મહેતા સોપાન પ્રકાશન ૧૯૪૬ like loading author dipak dholakia posted on 03 02 2025 16 02 2025 categories history martyrs of indian freedom struggle tags કોઈનો લાડકવાયો martyrs of indian freedom struggle subhashchandra bose web gurjari leave a comment on martyrs of indian freedom struggle 65 adventurous subhashbabu 2 gandhiji s oceanic circle ગાંધીજીનું સમુદ્રી વર્તુળ પ્રોફેસર દિલીપ સિમ્યન ગયા વર્ષે ૨ ઑક્ટોબરે મહાત્મા ગાંધીના ૧૫૫મા જન્મદિન નિમિત્તે લેખકે દિલ્હીમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં વ્યાખ્યાન આપ્યું હતું મૂળ અંગેજીમાં આપેલા આ વ્યાખ્યાન ના હિન્દીમાં થયેલા અનુવાદ પરથી અહીં ગુજરાતીમાં તરજુમો પ્રસ્તુત છે લેખકનો પરિચયઃ શ્રમિક સંબંધી બાબતોના ઇતિહાસકાર દિલ્હી યુન...
|